News of Thursday, 30th July 2026
કાલથી હિંડોળા મહોત્સવઃઠાકોરજી ભક્તોના હૈયાના હિંડોળે હિંચકશે !
અષાઢ વદ બીજથી શ્રાવણ વદ બીજ સુધી એક માસ ભક્તજનો ‘લાલા' ને લડાવશે લાડ : પુષ્ટિમાર્ગી હવેલીઓ તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાયના મંદિરોમાં ભવ્ય ઉજવણી : વિવિધ સુગંધી પુષ્પો, શાકભાજી, કઠોળ, ફ્રૂટ, સૂકા મેવા, મોરપીંછ, મોતી, રત્ન , જરી, કાપડ, સુતર ગુંફન સહિત થી સુશોભિત કરાયેલ અવનવા કલાત્મક હિંડોળા (ઝૂલ્લા)માં ઠાકોરજી ઝુલશે : દિવ્ય દર્શન માટે વૈષ્ણવો, હરિભક્તો સહિતના ભાવિકો ઉત્સુક

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૩૦: આવતીકાલ તારીખ ૩૧ ને શુક્રવાર થી પરંપરાગત રીતે વૈષ્ણવ તથા સ્વામિનારાયણ સપ્રદાય ના મહાપર્વ સમો હિંડોળા મહોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે. સતત એક માસ દરમિયાન ભક્તજનો ના હૈયાના હિંડોળે ઠાકોરજી ઝુલશે !
આ પ્રસંગે પુષ્ટિ માર્ગીય સંપ્રદાય ની તમામ હવેલીઓ માં તથા ભગવાન શ્રી સ્વામિનારાયણ સપ્રદાય ના મંદિરોમાં આગામી એક માસ માટે ભાવિકો ની ઉપસ્થિતિ વચ્ચે હિંડોળા ના અદ્દભુત અને દિવ્ય દર્શનનું આયોજન કરવામાં આવેલ હોવાનું જાણવા મળેલ છે.
આવતીકાલથી હિંડોળા મહોત્સવ નો પ્રારંભ થઈ રહ્યો છે ત્યારે ભક્તજનોના હૃદયરૂપી હિંડોળે ઝૂલતા ઠાકોરજી ના દિવ્ય દર્શન નો અનેરો લાભ લેવા માટે વૈષ્ણવો ભારે ઉત્સુક જણાઈ રહ્યા છે. વૈષ્ણવો સહિતના ભાવિકો માટે આ અવસર સતત એક માસ માટે મહાપર્વ જેવો બની રહેશે.
વૈષ્ણવોના જણાવ્યા મુજબ, માતા યશોદા તથા ગોપીઓ એ વાત્સલ્ય અને પ્રેમ ભાવ સાથે ભગવાન શ્રી બાલકળષ્ણ ને હીંચકામાં મા ઝૂલાવી સાહજિક રીતે એક અનેરો આનંદ પ્રાપ્ત કરતા હતા. તદ્દન તેજ જ ભાવ સાથે વ્રજમાં કુંજ વિહાર અને યમુના કિનારા ની ભગવાનની લીલાઓને યાદ કરી રૂઢિગત પરંપરા મુજબ આખા એક માસ દરમિયાન હિંડોળા ઉત્સવ ની ઉજવણી કરી હિંડોળે ઝુલતા ઠાકોરજી ની અદ્દભુત ઝાંખી ના દર્શન નો ભક્તજનો લ્હાવો લૂંટે છે.
ઠાકોરજી ને દરરોજ નિત્ય નવા રત્ન જડિત સોના ચાંદીના આભૂષણો, અવનવા વષાો, સુગંધી ફૂલ ની માળા સહિતના શ્રુંગાર ધારણ કરાવી તૈયાર કરાયેલ કલાત્મક હિંડોળામાં પધરાવવા માં આવે છે. અને સાંજે વૈષ્ણવો સહિત ભાવિકો માટે દર્શન ખુલ્લા મુકવામાં આવે છે. દરમિયાન હરિભક્તો એ જણાવેલ હતુ કે, ભગવાન શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય ના તમામ મંદિરોમાં પણ સંપૂર્ણ ભક્તિ ભાવ અને પવિત્ર વાતાવરણ વચ્ચે ભારે ઉત્સાહ પૂર્વક હિંડોળા મહોત્સવ ની એક માસ માટે ભવ્ય રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે ઠાકોરજી ને ઝુલ્લા માં ઝૂલાવા માટે હરિભક્તો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
(11:36 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
