<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 20th November 2026

આજે વિશ્વ પાઇલ્સ ડે: પાઇલ્સની સારવારમાં આધુનિક સ્ટેપ્લર પદ્ધતિ આશીર્વાદરૂપ, દર્દીઓ ઝડપથી સાજા થઈ ફરી કામે વળે છે

બદલાતી જીવન શૈલી વચ્ચે નિષ્ણાત તબીબો પાસેથી જાણો પાઈલ્સ (હરસ) ની તકલીફ દરમ્યાન શું ખ્યાલ રાખવો?

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ : પાઇલ્સ એટલે કે હરસનો રોગ હવે માત્ર મોટી ઉંમરના લોકો પૂરતો સીમિત રહ્યો નથી, પરંતુ બદલાતી જીવનશૈલી અને ખાનપાનની આદતોને કારણે વિવિધ ઉંમરના લોકોમાં જોવા મળી રહ્યો છે. આ રોગ અંગેની જાગૃતિ વધે અને દર્દીઓ શરમ કે સંકોચ રાખ્યા વિના સમયસર સારવાર મેળવે તે હેતુથી દર વર્ષે ૨૦ નવેમ્બરે વિશ્વ પાઇલ્સ ડે મનાવવામાં આવે છે. આ પ્રસંગે ભુજની અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના સર્જરી વિભાગ દ્વારા પાઇલ્સની આધુનિક સ્ટેપ્લર પદ્ધતિથી કરવામાં આવતી સારવાર દર્દીઓ માટે રાહતરૂપ બની રહી છે.

હોસ્પિટલના સર્જન ડો. સિદ્ધાર્થ શેઠિયાએ જણાવ્યું હતું કે, જી.કે. જનરલ હોસ્પિટલમાં છેલ્લા એક વર્ષ દરમિયાન સ્ટેપ્લર પદ્ધતિથી ૨૦૦થી વધુ ઓપરેશન વિનામૂલ્યે કરવામાં આવ્યાં છે. પરંપરાગત ઓપરેશનની સરખામણીએ આ પદ્ધતિમાં દર્દીને ઓછો દુખાવો થાય છે, રક્તસ્ત્રાવ પણ ઓછો થાય છે અને ટાંકા લેવાની જરૂર પડતી નથી. સામાન્ય રીતે દર્દી એકથી બે દિવસમાં હોસ્પિટલમાંથી રજા મેળવી શકે છે અને તબીબી સલાહ મુજબ ઝડપથી પોતાની રોજિંદી પ્રવૃત્તિઓ શરૂ કરી શકે છે.

સ્ટેપ્લર પદ્ધતિમાં ખાસ પ્રકારના આધુનિક યંત્રની મદદથી ગુદામાર્ગમાં વધેલા મસાવાળા ભાગની સારવાર કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં વધારાના પેશીને દૂર કરી સ્ટેપ્લર મારફતે અંદરના ભાગને જોડવામાં આવે છે. સર્જરીનું કાર્યક્ષેત્ર ૩૬૦ ડિગ્રી સુધી આવરી લેતું હોવાથી યોગ્ય દર્દીઓમાં અસરકારક સારવાર શક્ય બને છે. જોકે સારવારની પદ્ધતિ દર્દીની સ્થિતિ અને રોગની ગંભીરતા મુજબ નિષ્ણાત સર્જન નક્કી કરે છે.

પાઇલ્સનાં લક્ષણો અને બચાવ માટે સાવચેતી જરૂરી

પાઇલ્સમાં ગુદામાર્ગની આસપાસની નસો ફૂલી જવાથી મળત્યાગ વખતે લોહી પડવું, દુખાવો, બળતરા, ખંજવાળ, મસા બહાર આવવા અને મળત્યાગમાં તકલીફ જેવી સમસ્યાઓ થઈ શકે છે. લાંબો સમય બેસી રહેવું, કબજિયાત, ઓછું પાણી પીવું, રેસાવાળા ખોરાકનો અભાવ, વધુ વજન અને શારીરિક પ્રવૃત્તિનો અભાવ આ સમસ્યાને વધારી શકે છે.

આ અંગે સર્જન ડો. દર્શન લીંબાણી અને ડો. કિશન મીરાણીએ જણાવ્યું હતું કે, પાઇલ્સનાં લક્ષણો જણાય ત્યારે શરમ કે સંકોચ રાખવાને બદલે સમયસર નિષ્ણાત તબીબની સલાહ લેવી જોઈએ. રેસાયુક્ત ખોરાકનું સેવન, પૂરતું પાણી પીવું, નિયમિત કસરત કરવી અને મળત્યાગની કુદરતી ઇચ્છાને રોકવી નહીં જેવી આદતો અપનાવવાથી કબજિયાતનું જોખમ ઘટાડી શકાય છે. દર્દીઓએ દેશી ઉપચારો કે જાતે દવા લેવાને બદલે યોગ્ય નિદાન અને સારવારને પ્રાધાન્ય આપવું જોઈએ. સમયસર સારવાર અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારથી પાઇલ્સની તકલીફને નિયંત્રિત કરી સ્વસ્થ જીવન જીવી શકાય છે.

(11:35 AM IST)