<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 23rd June 2026

પૂર્વ કચ્છમાં આડેસર ચેકપોસ્ટ પરથી રૂ. ૨.૯૬ લાખના મેફેડ્રોન ડ્રગ્સ સાથે હૈદરઅલી રાજડ, મિતેષ જંગમ અને અકબરઅલી રાજડ ઝડપાયા : આઈજી ચિરાગ કોરડીયા અને એસપી સાગર બાગમારની ઝુંબેશને મોટી સફળતા

ડીવાયએસપી સાગર સાંબડા અને પીઆઈ જે.બી.આચાર્યના માર્ગદર્શનમાં પીએસઆઈ ટી.એસ.વાઘેલાની ટીમે સ્વિફ્ટ કારમાંથી કબ્જે કર્યું ૯૮.૮૯૦ ગ્રામ એમડી ડ્રગ્સ : ભુજના કીર્તિ બાવાજી અને રાજસ્થાનના ગોવિંદ બિસ્નોઇને પકડવા ચક્રો ગતિમાન

રાજકોટ:પૂર્વ કચ્છ ગાંધીધામ પોલીસ અધિક્ષક સાગર બાગમાર તેમજ બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક ચિરાગ કોરડીયા દ્વારા સમગ્ર કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર કેફી અને માદક પદાર્થોના સેવન, હેરફેર તેમજ વેપારની પ્રવૃત્તિને સંપૂર્ણપણે નેસ્તનાબૂદ કરવાના ઉદ્દેશ્ય સાથે "NO DRUGS IN KUTCH CAMPAIGN" ચલાવવામાં આવી રહ્યું છે. આ ખાસ ઝુંબેશ અંતર્ગત આડેસર પોલીસ ચેકપોસ્ટ ખાતેથી આડેસર પોલીસે એક મોટી કાર્યવાહી કરીને લાખો રૂપિયાના મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી) ના જથ્થા સાથે ત્રણ શખ્સોને રસ્તા વચ્ચેથી દબોચી લીધા છે. ભચાઉ વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સાગર સાંબડા તેમજ આડેસર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર જે.બી.આચાર્યના સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફે સઘન ચેકિંગ કરીને આ સફળતા મેળવી છે.
**પાટણ તરફથી આવતી કારમાંથી મળ્યું ડ્રગ્સ**
મળતી વિગતો મુજબ, આડેસર પોલીસ ચેકપોસ્ટ ખાતે પોલીસ સબ ઇન્સ્પેક્ટર ટી.એસ.વાઘેલા, પોલીસ હેડ કોન્સ્ટેબલ ભારુભાઈ ભુરાભાઈ વ્યાસ તેમજ પોલીસ હેડ કોન્સ્ટેબલ સિધ્ધરાજસિંહ વિક્રમસિંહ ઝાલા સહિતનો સ્ટાફ કડક વાહન ચેકિંગની કામગીરીમાં વ્યસ્ત હતો. તે દરમિયાન પાટણ જિલ્લાની સાંતલપુર બાજુ તરફથી આવીને કચ્છ જિલ્લામાં પ્રવેશ કરી રહેલી એક સફેદ કલરની મારુતિ સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી (રજીસ્ટ્રેશન નંબર-GJ-12-FE-6465) ને શંકાસ્પદ જણાતા પોલીસે અટકાવી હતી. પોલીસે આ કારની તલાશી લેતા અને ગાડીની આગળ ખાલી સાઈડની સીટ પર બેઠેલા ઇસમની અંગ જડતી (વ્યક્તિગત તલાશી) કરતા તેની પાસેથી ગેરકાયદેસર અને પ્રતિબંધિત માદક પદાર્થ મેફેડ્રોન (એમ.ડી.) ડ્રગ્સનો મોટો જથ્થો મળી આવ્યો હતો.
**રાજસ્થાન અને મુંદ્રાના આરોપીઓ પકડાયા, બે વોન્ટેડ**
પોલીસે સ્થળ પરથી ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે, જેમાં (૧) હૈદરઅલી હયાતઅલી રાજડ (ઉંમર વર્ષ ૨૮, રહે. આકલ, તા. શેડવા, જી. બાડમેર, રાજસ્થાન), (૨) મિતેષભાઈ ભરાતભાઈ જંગમ (બાવાજી) (ઉંમર વર્ષ ૩૨, રહે. મુંદ્રા, તા. મુંદ્રા, જી. કચ્છ) અને (૩) અકબરઅલી મહમદખાન રાજડ (ઉંમર વર્ષ ૨૫, રહે. આકલ, તા. શેડવા, જી. બાડમેર, રાજસ્થાન) નો સમાવેશ થાય છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય બે આરોપીઓ જેમાં ભુજનો કીર્તિ બાવાજી તેમજ રાજસ્થાનના શેડવા તાલુકાના બાડમેર જિલ્લાનો રહેવાસી ગોવિંદ બિસ્નોઇ હાલ પોલીસ પકડથી દૂર હોવાથી તેમને વોન્ટેડ જાહેર કરાયા છે. પકડાયેલા ત્રણેય ઈસમો વિરૂદ્ધ આડેસર પોલીસ સ્ટેશનમાં એન.ડી.પી.એસ. એક્ટ (નાર્કોટિક્સ એક્ટ) ની વિવિધ કલમો હેઠળ ગુનો રજીસ્ટર્ડ કરવામાં આવ્યો છે અને આ કેસની આગળની ઊંડાણપૂર્વકની તપાસ રાપર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરને સોંપવામાં આવી છે.
**કુલ રૂ. ૬.૧૧ લાખથી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો**
આડેસર પોલીસે આ સફળ કામગીરી દરમિયાન આરોપીઓ પાસેથી લાખો રૂપિયાની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. પોલીસ દ્વારા કબ્જે કરવામાં આવેલા મુદ્દામાલમાં (૧) ૯૮.૮૯૦ ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ (એમ.ડી) નો જથ્થો જેની કિંમત અંદાજે રૂપિયા ૨,૯૬,૬૭૦/- થાય છે, (૨) રૂપિયા ૩,૦૦,૦૦૦/- ની કિંમતની મારુતિ સ્વિફ્ટ કાર (નંબર-GJ-12-FE-6465) તેમજ (૩) રૂપિયા ૧૫,૦૦૦/- ની કિંમતના કુલ ૩ નંગ મોબાઈલ ફોન મળીને સર્વગ્રાહી રૂ. ૬,૧૧,૬૭૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સમગ્ર ઓપરેશનને સફળ બનાવવામાં પીઆઈ જે.બી આચાર્ય, પીએસઆઈ ટી.એસ.વાઘેલા અને આડેસર પોલીસ સ્ટેશનના જવાનોએ મહત્વની ભૂમિકા ભજવી છે.

(10:40 PM IST)