<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 9th May 2026

ધોરાજીના ફરેણી ગામે ત્રણ સિંહ લટાર મારતા દેખાયાઃ વીડિયો વાયરલ થતાં વન વિભાગ એલર્ટ

છેલ્‍લા બે દિવસથી સિહના ધામા હોવાથી ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટઃ વન વિભાગે રાત્રે પશુઓને ખુલ્‍લામાં ન બાંધવા અપીલ કરી, પેટ્રોલિગ વધારાયું

(કિશોર રાઠોડ દ્વારા) ધોરાજી,  તા.૯: ધોરાજી તાલુકાના ફરેણી (સ્‍વામિનારાયણ) ગ્રામ્‍ય વિસ્‍તારમાં ત્રણ સિહ લટાર મારતા દેખાતા ખેડૂતો અને પશુપાલકોમાં ફફડાટ ફેલાયો છે. વાહનચાલકે કેમેરામાં કેદ કરેલો સિહનો વીડિયો વાયરલ થતાં વન વિભાગ તાત્‍કાલિક એલર્ટ બન્‍યું છે.

છેલ્‍લા બે દિવસથી ફરેણી ગામની સીમમાં સિહના ધામા હોવાની વાત ફેલાતાં ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. દરમિયાન એક વાહનચાલકે રાત્રિના સમયે ત્રણ સિહ લટાર મારતા હોવાનો વીડિયો મોબાઈલમાં કેદ કર્યો હતો. આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં વન વિભાગ હરકતમાં આવ્‍યું હતું.

ધોરાજી વન વિભાગના અધિકારીઓએ ઘટનાસ્‍થળે પહોંચી તપાસ શરૂ કરી છે અને વિસ્‍તારમાં પેટ્રોલિગ વધારી દીધું છે. અધિકારીઓએ પશુપાલકો અને ખેડૂતોને રાત્રિના સમયે પશુઓને ખુલ્‍લી જગ્‍યામાં ન બાંધવા ખાસ અપીલ કરી છે. ઉપરાંત એકલા અવરજવર ન કરવા અને કોઈપણ અસામાન્‍ય હિલચાલ જણાય તો તુરંત વન વિભાગને જાણ કરવા સૂચના આપી છે.

વન વિભાગના જણાવ્‍યા મુજબ સિહોના પગના નિશાન અને હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ પરિસ્‍થિતિ નિયંત્રણમાં છે પરંતુ લોકોએ સાવચેતી રાખવી જરૂરી છે. 

(11:09 AM IST)