<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th April 2026

ભુજમાં ત્રિદિવસીય વર્ષીતપ પારણોત્સવનો પ્રારંભ: આવતીકાલે ૫૮ તપસ્વીઓના ઇક્ષુરસથી પારણા યોજાશે

અચલગચ્છ જૈન સંઘ આયોજિત મહોત્સવમાં ધાર્મિક-સાંસ્કૃતિક કાર્યક્રમો: પ.પૂ. આ. મહોદયસાગરસૂરીશ્ર્વરજીની નિશ્રામાં ઉજવણી; યુ.એસ.એ.ના દેસાઇ પરિવારને પારણા કરાવવાનો લાભ

(વિનોદ ગાલા દ્વારા)ભુજ, તા.૧૮ : શ્રી અખિલ ભારત અચલગચ્છ (વિધિપક્ષ) શ્વેતામ્બર જૈન સંઘના ઉપક્રમે શ્રી ભુજ અચલગચ્છ જૈન સંઘ આયોજીત વર્ષીતપ પારણોત્સવ તા. ૧૭-૪ થી ૧૯-૪ સુધી પ.પૂ. આ. ભ. શ્રી મહોદયસાગરસૂરીશ્ર્વરજી મ. સા., પ.પૂ. ઉપાધ્યાય શ્રી પૂર્ણભદ્રસાગરજી મ. સા., આદિ શ્રમણ-શ્રમણીવૃંદની શુભ પાવન નિશ્રામાં યોજાઈ રહ્યો છે.

 

પ.પૂ. આ. ભ. શ્રી કવિન્દ્રસાગરસૂરીશ્ર્વરજી મ. સા.ના રજત વર્ષીતપની અનુમોદનાર્થે ભુજમાં ૫૮ તપસ્વીઓ વર્ષીતપની આરાધના કરી રહ્યા છે. મહોત્સવના પ્રથમ દિવસે તા. ૧૭-૪ ના સવારે ૯ કલાકે સામુહિક સ્નાત્રપૂજા, બપોરે ૩-૩૦ કલાકે મહેંદીરસમ અને સાંજી ગીત જ્યારે રાત્રે ૮-૩૦ કલાકે સાંસ્કૃતિ કાર્યક્રમો અને ભક્તિ ભાવના યોજાઈ ગયા.

 

આજે તા. ૧૮-૪ દ્વિતીય દિવસે સવારે ૯ કલાકે સિદ્ધાચલ ભાવયાત્રા પૂજન અને રાત્રે ૮-૩૦ કલાકે સંગીતના સથવારે તપસ્વીઓનું બહુમાન વિગેરે કાર્યક્રમો જૈન ગુર્જરવાડી વાણિયાવાડ ભુજ મધ્યે યોજાયા છે.

 

આવતીકાલે તા. ૧૯-૪ રવિવાર સવારે ૮ કલાકે તપસ્વીઓનો વરઘોડો ચિંતામણીપાર્શ્ર્વનાથ જિનાલય વાણિયાવાડ ડેલાથી વાજતે-ગાજતે નીકળશે. તપસ્વીઓના ઇક્ષુરસથી પારણા સવારે ૧૧ કલાકે ડોસાભાઇ લાલચંદ જૈન મહાજનવાડી ભુજ મધ્યે યોજાશે. શ્રેયાંસકુમાર બની ઇક્ષુરસથી પારણા કરાવવાનો લાભ અર્નિકા તથા શ્રીમતિ રીચાબેન દર્શીતભાઇ દેસાઇ યુ.એસ.એ. પરિવારે લીધેલ છે. બપોરે ૧૨-૩૦ કલાકે સામુહિ વર્ષીતપ ભુજનાં આરાધકો દ્વારા સકલશ્રી જૈન સંઘ તથા આમંત્રિત મહેમાનોનું નવકારશી જમણ જૈન ગુર્જરવાડી વાણિયાવાડ મધ્યે યોજાયું છે.

 

શ્રી જૈન શ્ર્વેતામ્બર મૂર્તિપૂજક અચલગચ્છ જૈન સંઘ ભુજ દ્વારા મહોત્સવની દરેક વ્યવસ્થાઓ ગોઠવાઇ છે. ત્રિદિવસીય પારણોત્સવને સફળ બનાવવા ટ્રસ્ટીગણ તથા સર્વે કાર્યકર ભાઇ-બહેનો જહેમત ઉઠાવી રહ્યા હોવાનું સંઘ અધ્યક્ષ શ્રી મહેન્દ્રભાઇ ડી. શાહે એક યાદીમાં જણાવ્યું હતું.

(1:17 PM IST)