<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 21st May 2026

‘આને બહુ ચરબી ચડી છે, પતાવી દેવો પડશે' તેવું જાવેદે કહ્યું અને તેના પિતા ફારૂક મોૈલાનાએ જાહિદભાઇ તાજવાણીને ભડાકે દીધા

વેરાવળમાં ‘એફએમ' ગેંગના ફાયરીંગમાં તુરક સમાજના પ્રમુખ જાહીદ ઉર્ફે જાવેદ તાજવાણીની હત્‍યાને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્‍ત : કાકાના દિકરા સાજીદ હાલાની નજર સામે જ હત્‍યાઃ સાજીદની ફરિયાદ પરથી ફારૂક મોૈલાના, તેના દિકરા જાવેદ, ડ્રાઇવર અનીશ કુરેશી અને જાવીદ મોૈલાનાના મિત્ર તાલીયો બાલી વિરૂધ્‍ધ ગુનોઃ મૃતકના મોટા બાપુના દિકરા ઇદરીશ તાજવાણી ઉપર પણ એફએમ ગ્રુપના રફીક તથા રીયાઝ સહિે હુમલો કરતાં અલગથી ફરિયાદ : ફાયરીંગની ઘટનાની મિનીટો બાદ જ મૃતકના કાકાના દિકરા ઉપર એફએમ ગ્રુપના માણસોએ બીજો હુમલો કર્યોઃ અલગથી ફરિયાદ : ટ્રાન્‍સપોર્ટના ધંધા બાબતે આર.ડી. ચોૈહાણ સ્‍કૂલ પાસે મૃતક અને આરોપીઓ વચ્‍ચે વાતચીત વખતે ગાળાગાળી થઇ અને ફાયરીંગ થયું: કપાળે ગોળી લાગતાં વેરાવળ તુરક સમાજના પટેલ-પ્રમુખ જાહીદભાઇ ઉર્ફે જાવેદભાઇ મહમદભાઇ તાજવાણીએ રાજકોટમાં દમ તોડયો

વેરાવળ : તસ્‍વીરમાં ઘટના સ્‍થળ, લોકોના ટોળા તથા ઇજાગ્રસ્‍તને બચાવવા માટે પ્રયત્‍નો કરાયા હતા તે નજરે પડે છે. (તસ્‍વીર : દિપક કકકડ(વેરાવળ) : રાજકોટમાં સારવાર દરમિયાન મૃત્‍યુ પામનાર જાહીદ ઉર્ફે જાવીદભાઇ મહમદભાઇ તાજવાણીનો નિષ્‍પ્રાણ દેહ, તેમનો ફાઇલ ફોટો અને તેની સાથે હુમલામાં ઘાયલ ભત્રીજો સરફરાઝ રહેમાનભાઇ સીમાડી સારવારમાં નજરે પડે છે

રાજકોટ તા. ૨૧: ગીર સોમનાથના વેરાવળમાં બિસ્‍કીન કોલોનીમાં રહેતાં અને વેરાવળ તુરક સમાજના પટેલ (પ્રમુખ) જાવીદભાઇ ઉર્ફે જાહીદભાઇ મહમદતભાઇ તાજવાણી (ઉ.વ.૪૨) પર ગઇકબાલે બપોરે આર. ડી ચોૈહાણ હાઇસ્‍કૂલ નજીક તેના જ કાકાના દિકરા, ભત્રીજા સહિતની નજર સામે વેરાવળના એફએમ ગ્રુપવાળા ફારૂક મોૈલાનાએ સરાજાહેર ફાયરીંગ કરતાં ગંભીર ઇજા પહોંચી હતી. હુમલામાં જાવીદભાઇ ઉર્ફે જાહીદભાઇના ભત્રીજા અરબ ચોકના સરફરાઝ રહેમાનભાઇ સિમાદી (ઉ.વ.૨૦)ને પણ ઇજા થતાં આ બંનેને સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં ખસેડાયા હતાં. અહિ રાતે જાવીદભાઇ ઉર્ફે જાહીદભાઇનું મોત થતાં પરિવારમાં માતમ છવાયો છે. વેરાવળમાં ચાંપતો પોલીસ બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે. આ મામલે બે ગુના દાખલ થયા છે. તપાસમાં ખુલ્‍યા મુજબ ટ્રાન્‍સપોર્ટના ધંધાની વાતચીત વખતે ગાળાગાળી થઇ ત્‍યારે ફારૂક મોૈલાનાના દિકરા જાવેદ, તેના મિત્ર, ડ્રાઇવર સહિતે ‘આને બહુ ચરબી ચડી છે, પતાવી દેવો પડશે' તેવું કહેતા જ જાવેદના પિતા ફારૂક મોૈલાનાએ પિસ્‍તોલ કાઢી ભડાકો કરી દીધો હતો.

આ બનાવમાં વેરાવળ પોલીસે હત્‍યાનો ભોગ બનનાર જાહીદભાઇ ઉર્ફે જાવેદભાઇ તાજવાણીના કાકાના દિકરા ભાઇ સાજીદ હારૂનભાઇ વલીભાઇ હાલા-તુરક (ઉ.વ.૩૭-રહે. ગોવિંદપરા, તા. વેરાવળ)ની ફરિયાદ પરથી ફારૂક મોૈલાના, તેના દિકરા જાવેદ ફારૂક મોૈલાના, ડ્રાઇવર અનીશ કુરેશી અને જાવીદ મોૈલાનાના મિત્ર તાલીયો બાલી વિરૂધ્‍ધ ગુનો નોંધ્‍યો છે.

ફરિયાદ મુજબ સાજીદભાઈ બુધવારે બપોરે આશરે બાર વાગ્‍યે તેમના દીકરા સુલતાનના એડમિશન માટે મોહમદીયા સ્‍કૂલ ગયા હતા. ત્‍યાંથી પરત ફરતી વખતે આઈ.ડી. ચૌહાણ સ્‍કૂલથી આગળ રોડ પર ટ્રક ગેરેજ પાસે તેમણે તેમના કાકાના દીકરા અને તુરક સમાજના પટેલ જાહીદભાઇ ઉર્ફે જાવીદભાઇ મહમદભાઈ તાજવાણી (ઉ.વ. ૪૫)ને મોપેડ સાથે ઊભેલા જોયા હતા. જાહીદભાઇની પાછળ શબ્‍બીર સુરી નામનો વ્‍યક્‍તિ બેઠો હતો. સાજીદભાઈ પણ ત્‍યાં પોતાનું બાઈક લઈને ઊભા રહ્યા હતા.

જાહીદભાઇની મોપેડ નજીક બીજી ત્રણ બર્ગમેન મોપેડ પર ફારૂક મોલાના, તેનો દીકરો જાવીદ ફારૂક મોલાના, ડ્રાઈવર અનીશ કુરેશી અને તેનો મિત્ર તાલીયો બાલી ઊભા હતા. સાજીદભાઈએ જાહીદભાઇને પૂછયું કે-પટેલ કંઈ કામ નથી ને? તે જ સમયે ફારૂક મોલાનાએ જાહીદને ટોણો મારતા કહ્યું કે, ટ્રાન્‍સપોર્ટના ધંધામાં શું ટાંગ અડાડે છે? જેની સામે જાહીદે જવાબ આપતા જ ફારૂકનો દીકરો જાવીદ, ડ્રાઈવર અનીશ અને તાલીયો બાલી ઉશ્‍કેરાઈ ગયા હતા. આ ત્રણેયએ-હમણાં આને બહુ ચરબી ચડી છે, આને પતાવી દેવો પડશેૅ તેમ કહી બિભત્‍સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું.

આ પછી તરત જ ફારૂક મોલાનાએ પોતાની મોપેડના આગળના ખાનામાંથી તાત્‍કાલિક પિસ્‍તોલ જેવું હથિયાર કાઢયું હતું અને ૅમારી નાખીશ હોૅ તેમ કહી જાહીદના માથાની એકદમ નજીક પિસ્‍તોલ રાખીને ટ્રિગર દબાવી દીધું હતું. મોટો ભડાકો થતાં જ ગોળી જાહીદભાઇની જમણી આંખની ઉપર કપાળના ભાગે ધસી ગઈ હતી અને તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડયા હતાં. આ ભયાનક દ્રશ્‍ય જોઈને જાહીદભાઇની પાછળ બેઠેલો શબ્‍બીર અને સાજીદભાઈ બંને ડરી ગયા હતા. ફાયરિંગની ઘટનાને અંજામ આપીને ફારૂક મોલાના અને તેનો દીકરો જાવીદ મોલાના પોતાની મોપેડ પર ત્‍યાંથી નાસી છૂટયા હતા. આ જ સમયે ત્‍યાંથી પસાર થઈ રહેલા સાજીદભાઈના ફોઈના દીકરા સદ્દામ ઇસ્‍માઇલ આડબાને ઊભો રાખી, તાત્‍કાલિક એક રિક્ષાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી.

જાહીદભાઇને લોહીલુહાણ હાલતમાં સૌપ્રથમ વેરાવળ સરકારી હોસ્‍પિટલ લઈ જવામાં આવ્‍યો હતો. જો કે, સ્‍થિતિ ગંભીર હોવાથી તેને વધુ સારવાર માટે વિમ્‍સ હોસ્‍પિટલમાં અને ત્‍યાંથી વધુ તાકીદની સારવાર માટે જૂનાગઢ અને ત્‍યાંથી રાજકોટ રીફર કરાયા હતાં. રાજકોટ સિવિલ હોસ્‍પિટલમાં જાહીદભાઇ ઉર્ફે જાવીદભાઇ મહમદભાઇ તાજવાણીનું મોત થતાં બનાવ હત્‍યામાં પલ્‍ટાયો હતો. આ ચકચારી બનાવ અંગે સાજીદ હારુનભાઈ હાલાની ફરિયાદના આધારે વેરાવળ પોલીસે ફારૂક મોલાના, જાવીદ ફારૂક મોલાના, અનીશ કુરેશી અને તાલીયા બાલી વિરુદ્ધ જાનથી મારી નાખવાના ઈરાદાથી ફાયરિંગ કરવા અને ધમકી આપવા અંગે ગુનો દાખલ કરાયો હતો. હવે તેમાં હત્‍યાની કલમ ઉમેરાઇ છે. ધોળા દિવસે થયેલા આ ફાયરિંગના પગલે પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે. ઘટનાને  પગલે બંદોબસ્‍ત ગોઠવી દેવાયો છે.

આ મામલે બીજી એક ફરિયાદ પણ દાખલ થઇ છે.  ટ્રાન્‍સપોર્ટની અદાવતમાં તુરક સમાજના પટેલ જાવીદ તાજવાણી પર ધોળા દિવસે પિસ્‍તોલથી ફાયરિંગ કરાયાના ગણતરીના મિનિટોમાં જ હુમલાખોર એફ.એમ. ગ્રુપના અન્‍ય સાગરીતોએ જાવીદના પિતરાઈ ભાઈ પર તલવાર અને કુહાડી વડે જીવલેણ હુમલો કરી દીધો હતો. જેમાં  ઈદરીશભાઈ ગફારભાઈ તાજવાણી (ઉ.વ. ૨૨, રહે. ગરીબ નવાઝ કોલોની, સોમનાથ ટોકીઝ વિસ્‍તાર)ને ઇજા થઇ હતી. તે વેરાવળમાં પાન-મસાલાની દુકાન ચલાવે છે. ગઈકાલે બપોરે એકાદ વાગ્‍યે તેમને અચાનક જાણવા મળ્‍યું હતું કે તેમના મોટા બાપાના દીકરા જાવીદભાઇ મહમદભાઈ તાજવાણી પર એફ.એમ. ગ્રુપના માણસોએ ફાયરિંગ કર્યું છે. આ સાંભળી ધ્રુજી ઉઠેલા ઈદરીશ તાત્‍કાલિક દુકાન બંધ કરી, તેમની દુકાનમાં કામ કરતા સરફરાજ રહેમાનભાઈ તુરકને બાઈક પાછળ બેસાડી આરબ ચકલા ખાતે મૂકવા નીકળ્‍યા હતા.

ઈદરીશભાઈ અને સરફરાજ તાલાળા નાકા નજીક આવેલી એફ.એમ. ગ્રુપની ઓફિસ સામેથી પસાર થઈ રહ્યા હતા. આ સમયે રોડ પર એફ.એમ. ગ્રુપના રફીક ઈસ્‍માઈલભાઈ નાખવા, તેનો ભત્રીજો રિયાઝ ફારૂકભાઈ નાખવા અને અન્‍ય પાંચેક અજાણ્‍યા માણસો હથિયારો સાથે ઊભા હતા. રફીક અને રિયાઝે ઈદરીશનું મોટરસાયકલ રોકયું હતું અને તું જાવીદના કાકાનો દીકરો છો ને, આજે તને પતાવી દેવો છેૅ તેમ કહી બિભત્‍સ ગાળો આપવાનું શરૂ કર્યું હતું. ઈદરીશે ગાળો બોલવાની ના પાડતા જ રિયાઝ એકદમ ઉશ્‍કેરાઈ ગયો હતો અને હાથમાં રહેલી તલવારનો ઘા ઝીંકી દીધો હતો. ઈદરીશે બચાવવા માટે હાથ આડો કરતાં તલવારનો ઘા ડાબા હાથની કોણી પર વાગ્‍યો હતો.

આ મામલે ઈદરીશ તાજવાણીની ફરિયાદના આધારે વેરાવળ સિટી પોલીસે રફીક ઈસ્‍માઈલ નાખવા, રિયાઝ ફારૂક નાખવા અને અન્‍ય પાંચ અજાણ્‍યા શખ્‍સો સામે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કરવા અંગે આકરો ગુનો નોંધી આગળની તપાસ અને હુમલાખોરોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. એક જ દિવસમાં બનેલી બે ગંભીર ઘટનાઓને પગલે સમગ્ર વેરાવળમાં ચકચાર મચી ગઇ છે. ઘટનાને પગલે પોલીસનો ચાંપતો બંદોબસ્‍ત ગોઠવી દેવાયાનું એસપી જયદિપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું. 

 


 

 

મૃતક જાહિદ તાજવાણીની અનેક ગુન્‍હામાં   સંડોવણીઃ તેના બહેન કોંગ્રેસમાંથી વિજેતા થયા'તા

(દિપક કકકડ દ્વારા) વેરાવળ  તા. ર૧ :.. વેરાવળ તાલાલા રોડ પર આઈ ડી ચૌહાણ સ્‍ફુલ નજીક પેટ્રોલપંપ પાસે આજે ભર બપોરે ટ્રાફિક થી ધમધમતા વિસ્‍તારમાં તુંરક સમાજના પ્રમુખ ઉપર સરાજાહેર ત્રણ થી ચાર અજાણ્‍યા શખ્‍સોએ આવી અચાનક જ ફાયરિંગ કરી દેતા આ ફાયરીંગમાં ગંભીર રીતે ઇજાગ્રસ્‍ત થયેલા ને પ્રથમ ખાનગી અને બાદમાં રાજકોટ હોસ્‍પિટલમાં ખસેડેલ ત્‍યાં સારવાર દરમિયાન મળત્‍યુ થયેલ છે

વેરાવળ સોમનાથ ટોકીઝ  વિસ્‍તારોમાં માં રહેતા તુરક સમાજના પ્રમુખ જાવેદ મહમદ તાજવાણી ઉર્ફે જાવેદ  વાંદરી પોતાની બાઇકમાં જઇ રહ્યો હતો ત્‍યારે કોઈ ત્રણ થી ચાર અજાણ્‍યા શખ્‍સોએ ઘેરી લઈ અને અચાનક જ રિવોલ્‍વરથી ફાયરીંગ કરતા કારતુસ માથાના ભાગે ઘુસી જતા જાવેદ ત્‍યાં ને ત્‍યાં ઢળી પડ્‍યો હતો. ફાયરીંગ કર્યા બાદ તમામ આરોપી નાસી છૂટયા હતા. બનાવ ની જાણ થતાં જાવેદને  પ્રથમ ખાનગી હોસ્‍પિટલમાં ખસેડેલ હતો.જ્‍યાં તેની સ્‍થિતિ ગંભીર જણાતા તેને તાત્‍કાલિક જૂનાગઢ સારવાર માટે રેફર કરીયા હતા.આ બનાવ બનતા એસપી, ડીવાયએસપી ,તથા પોલીસનો કાફલો ઘટના સ્‍થળે તેમજ હોસ્‍પિટલમાં પહોંચી ગયો હતો. ત્‍યાં લોકોના ટોળે ટોળા એકઠા થઇ ગયા હતા. આ બનાવ અંગે ફાયરીંગની ઘટનામાં એસ પી જયદીપસિંહ જાડેજાએ જણાવ્‍યું હતું કે ફારૂક મૌલાના તથા તેના ત્રણ થી ચાર સાથીદારો ના નામ આરોલી તરીકે બહાર આવ્‍યા છે.હાલમાં જ યોજાયેલી નગરપાલિકા ની ચૂંટણીમાં તેમજ પારિવારિક અને સામાજિક તકરાર ના હિસાબે આ બનાવ બન્‍યો હોય તેવું પ્રાથમિક તપાસમાં બહાર આવેલ છે.એફએમ ગ્રૂપ ગેંગ ને ઝડપી લેવા સ્‍થાનિક પોલીસ,જિલ્લાના એલસીબી, એસઓજી સહિતની ટીમોને આરોપીને પકડવા દોડતી કરવામાં આવી છે. ઘટનાસ્‍થળે ફોરેનસિક વાન પણ પહોંચી હતી.

 જાવેદ તાજવાણી પણ અગાઉ અનેક ગુન્‍હામાં સંડોવાયેલ હોય તેમની સગી બેન કોંગ્રેસ ઉમેદવાર તરીકે વિજેતા થયેલ હતા.આવા અનેક પાસાઓ પોલીસ તપાસ કરી રહી છે. શહેરમાં ફાયરીંગ ની ઘટના બનતા પોલીસે અનેક વિસ્‍તારોમાં જડબેસલાક બંદોબસ્‍ત ગોઠવ્‍યો છે. 

 

 

હત્‍યાનો ભોગ બનનાર છ ભાઇ, એક બહેનમાં બીજા હતાં: ચાર સંતાને પિતાનું છત્ર ગુમાવ્‍યું

હત્‍યાનો ભોગ બનનાર જાહીદભાઇ ઉર્ફે જાવીદભાઇ તાજવાણી છ ભાઇ અને એક બહેનમાં બીજા હતા અને બાંધકામનો ધંધો કરતાં હતાં. તેને સંતાનમાં  બે દિકરી અને બે દિકરા છે. બનાવથી પરિવારમાં માતમ છવાઇ ગયો છે.

(2:34 PM IST)