તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 12th October 2026
વિરોધ કરવા ગયા કોંગ્રેસનો, નારા લાગી ગયા પોતાની જ પાર્ટી વિરુદ્ધ!
ભાવનગરમાં ભાજપ મહિલા મોરચાએ લગાવ્યા 'હાય રે ભાજપ હાય હાય'ના નારા, ભૂલનો અહેસાસ થતા હસી પડ્યા

( વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર : ભાવનગરમાં આજે ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા યોજાયેલા વિરોધ પ્રદર્શન દરમિયાન એક રમૂજી અને ચર્ચાસ્પદ ઘટના સામે આવી છે. કોંગ્રેસ અને રાહુલ ગાંધી સામે વિરોધ નોંધાવવા ગયેલી ભાજપ મહિલા મોરચાની બહેનોએ આવેશમાં આવીને ભૂલથી પોતાની જ પાર્ટી વિરુદ્ધ નારેબાજી શરૂ કરી દેતા ત્યાં હાજર સૌ કોઈ અચંબામાં મુકાઈ ગયા હતા.
કોંગ્રેસ અને રાહુલ ગાંધી દ્વારા મહિલાઓ અંગે કરવામાં આવેલી કથિત અભદ્ર ટિપ્પણીના વિરોધમાં ભાવનગર મહાનગર ભાજપ મહિલા મોરચાના અધ્યક્ષ હીનાબેન શાહની આગેવાની હેઠળ વિરોધ પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના સંત કવંરામ ચોક ખાતે મોટી સંખ્યામાં મહિલા જનપ્રતિનિધિઓ, આગેવાનો અને મહિલા કાર્યકર્તાઓ એકઠા થયા હતા. મહિલાઓના સન્માન અને સ્વાભિમાનના મુદ્દે એકજૂથ થઈને ભાજપ મહિલા મોરચાની ટીમ વિરોધ નોંધાવવા માટે કોંગ્રેસ કાર્યાલય તરફ રવાના થઈ હતી.
કોંગ્રેસ કાર્યાલય આગળ પહોંચ્યા બાદ પ્રદર્શન દરમિયાન વાતાવરણ ગરમાયું હતું. આ દરમિયાન મહિલા કાર્યકર્તાઓ આવેશમાં આવી ગયા હતા અને ભાન ભૂલીને રાહુલ ગાંધી કે કોંગ્રેસના બદલે "હાય રે ભાજપ હાય હાય" ના નારા લગાવવાનું શરૂ કરી દીધું હતું. થોડી ક્ષણો સુધી આ નારેબાજી ચાલુ રહી હતી. ત્યારબાદ ત્યાં હાજર મહિલા આગેવાનોને પોતાની ભૂલનો અહેસાસ થયો હતો કે, તેઓ પોતાના જ પક્ષ વિરુદ્ધ નારા લગાવી રહ્યા છે.
ભૂલ સમજાતા જ તમામ બહેનો હસી પડ્યા હતા અને વાતાવરણ હળવું બની ગયું હતું. તુરંત જ ભૂલ સુધારીને કાર્યકર્તાઓએ કોંગ્રેસ તથા રાહુલ ગાંધી વિરોધી નારા લગાવવાના શરૂ કર્યા હતા અને પ્રદર્શન આગળ ચાલુ રાખ્યું હતું.
જોકે, ભાજપ મહિલા મોરચા દ્વારા પોતાના જ પક્ષ સામે નારેબાજી કરવાનો આ વીડિયો જોતજોતામાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ ગયો છે. રાહુલ ગાંધીનો વિરોધ કરવા ગયેલા ભાજપના કાર્યકર્તાઓનો આ ભાંગરો વટાયાનો કિસ્સો હાલ સમગ્ર ભાવનગરમાં અને રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યો છે. સોશિયલ મીડિયા પર લોકો આ વીડિયોને લઈને જાતજાતની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે, જ્યારે રાજકીય વર્તુળોમાં પણ આ ઘટનાએ હાસ્ય અને ચર્ચા બંને જગાવ્યા છે
(7:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
