<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 11th July 2026

‘મને ખરીદી શકે તેવી હજુ કોઈ ‘નોટ' બની નથી !' : કેશોદના એક્‍ટિવિસ્‍ટ સિદ્ધપરાની પોસ્‍ટ વાઇરલ

શું તમારે ‘વહીવટ' થઈ ગયો ?! તેવું પૂછનારાઓને જડબાતોડ જવાબ : જાહેર હીતને ધ્‍યાને લઈ પાલિકા પાસેથી આર.ટી.આઈ. હેઠળ વિવિધ મુદ્દે માહિતી માગું છું, ત્‍યારે કેટલાક વિઘ્‍ન સંતોષી લોકો પાયા વિહોણા પ્રશ્‍નો કરી રહ્યા છેઃ હરસુખભાઈ

(સંજય દેવાણી દ્વારા) કેશોદ, તા.૧૧: જાહેર હિત મુદ્દે નગરપાલિકા સામે વારંવાર અવાજ ઉઠાવતા અત્રેના એક્‍ટિવિસ્‍ટ હરસુખભાઈ સિધ્‍ધપરાએ ‘શું તમારે ‘વહીવટ' થઈ ગયો ?!' તેવુ કહેનારાઓને જડબાતોડ જવાબ આપતા ફેસબુક પર પોસ્‍ટ વાઇરલ કરી જણાવેલ છે કે, ‘આ દુનિયામાં મને ખરીદી શકે તેવી કોઈ ‘નોટ' બની નથી !'

સામાજિક કાર્યકર અને એક્‍ટિવિસ્‍ટ હરસુખભાઈએ   ફેસબુક ના માધ્‍યમથી જણાવેલ હતું કે, હમણાં થોડા સમય પહેલા થી કેશોદ નગરપાલિકા સામે મેં લડત શરૂ કરેલ છે. જેમા આર.ટી.આઈ. તેમજ  ડાયરેક્‍ટ ફરિયાદ કરેલ છે. આ અંગે મને છેલ્લા બે દિવસથી અમુક લોકોના કોલ (ફોન) આવે છે કે તમારે વહીવટ થઈ ગયો ! એ લોકો એવું કહેવા માગે છે કે મને ખરીદી લીધો! તો હું આવા તમામ લોકોને આ મેસેજના માધ્‍યમથી જણાવવું છું કે,  અત્‍યાર સુધી એવી કોઈ નોટ બની નથી કે જેનાથી મને ખરીદી શકે !!  અત્રે નોંધનીય છે કે, ગત ૨૦૨૪ માં યોજાયેલ લોકસભાની ચૂંટણીમા પોરબંદર બેઠક પર ઉમેદવાર રહી ચૂકેલા અને અને જુદી જુદી સામાજિક અને સેવાકીય સંસ્‍થાઓ સાથે સંકળાયેલા શ્રી સિદ્ધપરાએ સ્‍થાનિક નગરપાલિકા પાસેથી અત્રે ના ચાર ચોકમાં પાલિકાનુ નિર્માણ પામી રહેલ નવા બિલ્‍ડીંગ અંગે, કરવામાં આવેલ બ્‍યુટીફિકેશન ની કામગીરી અંગે, જાહેર શૌચાલય સહિત જુદા જુદા મુદ્દે માહિતી અધિકાર હેઠળ વિવિધ પ્રકારની માહિતી માંગેલ છે.   

દરમિયાન તેમણે સોશિયલ મીડિયામાં પોસ્‍ટ વાયરલ કરવા અંગે જણાવેલ હતું કે, કેટલીક ગેરરીતિની આશંકા જણાતા જાહેર હીતને ધ્‍યાને લઈ પાલિકા પાસે થી આર.ટી.આઇ. ના માધ્‍યમ થી જરૂરી માહિતી મેળવી રહ્યો છું. ત્‍યારે કેટલાક વિઘ્‍ન સંતોષી લોકો પાયા વિહોણા પ્રશ્‍નો કરી રહ્યા છે. આ અંગે વ્‍યક્‍તિગત જવાબ આપવાના બદલે ફેસબુક પર પોસ્‍ટ મૂકી આ બાબતે તમામ લોકોને અવગત કરેલ છે.

(12:53 PM IST)