<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 28th July 2026

વૈષ્‍ણવ સહિતના સંપ્રદાયોમાં વર્ષાઋતુમા રીંગણા ન ખાવા પાછળ ચોક્કસ વૈજ્ઞાનિક કારણ રહેલ છેઃ ડો. દ્રષ્ટિ દાવડા

સદીઓ પૂર્વે આપણા ઋષિમુનિઓએ વૈજ્ઞાનિક ઢબે ગોઠવેલ સર્વશ્રેષ્ઠ વ્‍યવસ્‍થા રૂઢિગત પરંપરા બની ગઈ ચોમાસુ સીઝનમા જરૂરી સૂર્ય પ્રકાશનો અભાવ તથા ભેજ યુક્‍ત વાતાવરણ વચ્‍ચે જઠરાગ્નિ મંદ પડી ગયેલ હોય આ સંજોગોમાં પિત્ત અને વાયુના પ્રકોપથી બચવા હળવો ખોરાક લેવો કે ઉપવાસ- એકટાણા કરવા આયુર્વેદની દ્રષ્ટિએ સ્‍વાસ્‍થ્‍ય માટે હિતાવહ

( સંજય દેવાણી દ્વારા )કેશોદ,તા.૨૮: સામાન્‍ય રીતે દરેક ઘરો મા ભોજન દરમિયાન મુખ્‍યત્‍વે રીંગણા ના શાકનો સમાવેશ કરવામાં આવતો હોય છે. પરંતુ વૈષ્‍ણવ સમાજ સહિત ના કેટલાય સંપ્રદાયોમાં ચોમાસા સીઝન દરમિયાન રીંગણા સહિતના કેટલાક શાકભાજી ખાવા વજર્ય (નિષેધ) ગણવામાં આવે છે. જોકે આ માન્‍યતા પાછળ એક ચોક્કસ વૈજ્ઞાનિક કારણ રહેલ છે.

પરંપરાગત રીતે દેવ શયની એકાદશી (અષાઢ સુદ - ૧૧) થી લઈ પ્રબોધિની એકાદશી (કારતક સુદ-૧૧) દરમિયાન ચતુર્માસ માટે વૈષ્‍ણવ સંપ્રદાય સહિતના લોકો જેને સંસ્‍કૃત ભાષામાં 'વૃન્‍તાક' તરીકે ઓળખવા મા આવે છે તે રીંગણા નો ત્‍યાગ કરે છે. સાથે ચાર માસ ના ઉપવાસ પણ કરવામાં આવે છે. પરંતુ વાસ્‍તવિકતા એ છે કે,ચોમાસુ સીઝન દરમિયાન રીંગણા જેવા ભારે અને ભેજ યુક્‍ત શાકભાજી કે ફળ ન ખાવા ની આ ધાર્મિક માન્‍યતા પાછળ મુખ્‍યત્‍વે આયુર્વેદિક દ્રષ્ટિએ સ્‍વાસ્‍થ્‍ય અને પાચન તંત્ર સંબંધિત કારણો છુપાયેલ હોવાનું જાણકારો જણાવી રહ્યા છે.

આ અંગે વૈષ્‍ણવ સંપ્રદાય પરિવાર ના જુનાગઢ ખાતે વ્રજ ક્‍લિનિક નામની હોસ્‍પિટલ ધરાવતા ડો. દ્રષ્ટિ બેન ભરતભાઈ દાવડા એ જણાવેલ હતું કે, સદીઓ પૂર્વે આપણા ઋષિ મુનિઓ એ વાર તહેવારો થી લઈ સ્‍વાસ્‍થ્‍ય સંબંધી સહિત ની કેટલીક વૈજ્ઞાનિક ઢબે ગોઠવેલ સર્વશ્રેષ્ઠ વ્‍યવસ્‍થા ધાર્મિક ભાવના સાથે રૂઢિ ગત પરંપરા મા પરિવર્તિત થયેલ છે.

ચોમાસુ સિઝન દરમિયાન રીંગણા સહિતના કેટલાક શાકભાજી ન ખાવા પાછળનું કારણ જણાવતા ડો. દ્રષ્ટિ બેન દાવડા એ જણાવેલ હતું કે, રીંગણા ની પ્રકૃતિ ગરમ રહેલી છે. જેથી પચવામાં ભારે હોય તેમાં રહેલું 'શોલે નાઈન' નામક તત્‍વ ભેજવાળી ઋતુમાં એસીડીટી, પેટનું ફુલવું કે અપચા જેવી સમસ્‍યા સર્જી શકે છે .

બીજી તરફ ચોમાસામાં હવામાં ભેજનું પ્રમાણ ખૂબ વધારે હોવાના કારણે રીંગણા સહિતના કેટલાક શાકભાજી કે ફળોમાં સફેદ ઈયળ કે કૃમિ જેવી જીવાત પડવાની શક્‍યતા વધુ રહેલી હોય જેનુ સેવન કરવા થી ફૂડપોઈઝિગ કે પેટના ગંભીર રોગ થવાની સંભાવના રહે છે.

આમ વર્ષાઋતુ માં પિત્ત અને વાયુના નો પ્રભાવ વિશેષ હોય જેના પ્રકોપ થી બચવા અને પાચન ક્રિયા સામાન્‍ય રાખવા રીંગણા જેવા ભારે શાકભાજી ઉપરાંત કોબીજ, ફલાવર તથા પાલક, મેથી જેવી લીલા પાંદડા વાળી ભાજી તેમજ જમીનની અંદર થતા કંદમૂળ, કાપેલા પડતર કે ખુલ્‍લા ફળ ખાવા કે ભારે ખોરાકનું સેવન કરવું તે આયુર્વેદની દ્રષ્ટિએ સ્‍વાસ્‍થ્‍ય માટે હિતાવહ નથી.

(1:36 PM IST)