તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Monday, 27th April 2026
જામનગરના કાલાવડ નાકા બહાર ગમખ્વાર અકસ્માતમાં મૃતદેહ સ્વીકારવાનો ઇન્કાર, હોસ્પિટલમાં તંગદિલી
પૂરપાટ ઝડપે બાળકીને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક સામે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથીઃ પરિવારજનો દ્વારા કાર ચાલકની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરાઈ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૭: જામનગરમાં કાલાવડ નાકા બહાર ગઈકાલે રાત્રે કાર અને બાઈક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ચાર વર્ષની માસૂમ બાળકીનો ભોગ લેવાયો હતો, જ્યારે તેના માતા-પિતાની હાલત ગંભીર હોવાથી તાત્કાલિક સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
બાળકીના મોતથી પરિવારજનોમાં શોકનું મોજું ફરી વળ્યું છે. પરિવારજનોએ આક્ષેપ કર્યો છે કે પૂરપાટ ઝડપે બાળકીને મોતને ઘાટ ઉતારનાર કાર ચાલક સામે પોલીસ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી. આ કારણે રોષે ભરાયેલા પરિવારજનોએ મળતદેહ સ્વીકારવામાં આનાકાની કરી હતી, જેથી હોસ્પિટલમાં તંગદિલીનો માહોલ સર્જાયો હતો.
પોલીસ દ્વારા અકસ્માતનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. પરિવારજનો કાર ચાલકની તાત્કાલિક ધરપકડ અને કડક કાર્યવાહીની માંગ કરી રહ્યા છે. (તસ્વીરઃ કિંજલ કારસરીયા, જામનગર)
(1:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
