News of Monday, 5th October 2026
હિંગોળગઢ નજીક કારની ઠોકરે બાઇક ચડી જતાં વિંછીયાના તેજસ ડાભીનું મોત
પત્નિને તેડવા હડમતીયા ગામે જતી વખતે બનાવ : ૨૯ વર્ષિય યુવાન જીનમાં મજૂરી કરતો હતોઃ બે માસુમ પુત્રએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં કલ્પાંત

રાજકોટ તા. ૫: વાહન અકસ્માતના વધુ એક બનાવમાં એક પરિવારે આધારસ્તંભ યુવાન દિકરો ગુમાવી દીધો છે. જસદણના હિંગોળગઢ નજીક કારની ઠોકરે બાઇક ચડી જતાં બાઇકચાલક વિંછીયાના યુવાનનું ગંભીર ઇજા થતાં મૃત્યુ થયું છે. આ યુવાન વિંછીયાથી પોતાના પત્નિને તેડવા માટે હડમતીયા ગામે જવા નીકળ્યો ત્યારે આ બનાવ રસ્તામાં બન્યો હતો.
જાણવા મળ્યા મુજબ વિંછીયા રહેતો તેજસભાઇ (પંકજભાઇ) પરષોત્તમભાઇ ડાભી (ઉ.વ.૨૯) ગઇકાલે બપોરે અઢી વાગ્યા આસપાસ બાઇક હંકારીને વિંછીયાની હડમતીયા જવા નીકળ્યો ત્યારે લાલાવદરથી હિંગોળગઢ વચ્ચે પહોંચ્યો ત્યારે કારની ઠોકરે ચડી જતાં બાઇક સહિત ફંગોળાઇ જતાં ગંભીર ઇજાઓ થઇ હતી. આ બનાવને પગલે લોકોના ટોળા ભેગા થઇ ગયા હતાં.
તેજસભાઇને સારવાર માટે વિંછીયા અને ત્યાંથી રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયેલ. પરંતુ અહિ ટુંકી સારવાર બાદ તેનું મૃત્યુ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે વિંછીયા પોલીસને જાણ કરી હતી. મૃત્યુ પામનાર તેજસભાઇ બે ભાઇ અને બે બહેનમાં મોટો હતો. તે જીન મીલમાં મજૂરી કરી ગુજરાન ચલાવતો હતો.
સગાના કહેવા મુજબ તેજસભાઇના પત્નિ કાજલબેન હડમતીયા ગામે શ્રાધ્ધમાં ગયા હતાં. પોતે પત્નિને તેડવા જવા માટે નીકળ્યો ત્યારે રસ્તામાં અકસ્માત નડયો હતો. આ બનાવથી બે માસુમ સંતાને પિતાની છત્રછાંયા ગુમાવી દેતાં ડાભી-કોળી પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. વિંછીયા પોલીસે કારચાલક વિરૂધ્ધ કાર્યવાહી કરી છે.
(10:56 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
