<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 20th October 2026

કચ્છમાં ગેરકાયદે ખનિજ વહન સામે તવાઈ: ૨ કરોડનો મુદ્દામાલ જપ્ત

ચાઇનાકલે અને સિલિકા સેન્ડના ગેરકાયદે વહન સામે ખાણ-ખનિજ વિભાગની કાર્યવાહી

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૦ : કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન અને ખનિજોના વહન સામે ખાણ અને ખનિજ વિભાગે કડક કાર્યવાહી હાથ ધરી છે. જિલ્લા કલેક્ટરશ્રી અનિલકુમાર રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ તથા ભૂસ્તરશાસ્ત્રીશ્રી ડી. એસ. બારીયાના નેતૃત્વમાં વિભાગની ટીમે ભુજ તાલુકાના મમુઆરા વિસ્તારમાં તપાસ હાથ ધરી ચાઇનાકલે અને સિલિકા સેન્ડના ગેરકાયદેસર વહનના પ્રકરણમાં કુલ સાત ડમ્પર જપ્ત કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલની અંદાજિત કિંમત રૂ. 2 કરોડ જેટલી હોવાનું જાણવા મળ્યું છે.

ખાણ અને ખનિજ વિભાગની ટીમે મમુઆરા વિસ્તારમાં આવેલા મોમાઈ ચાઇના કલેના સ્ટોક વિસ્તાર ખાતે કાર્યવાહી કરી કુલ સાત ડમ્પર જપ્ત કર્યાં હતાં. આ તમામ ડમ્પર મોમાઈ ચાઇના કલેની કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યાં છે. ખનિજોના ગેરકાયદેસર વહન સામે હાથ ધરાયેલી આ કાર્યવાહીને પગલે ખનિજ ક્ષેત્રે નિયમોનું ઉલ્લંઘન કરતી પ્રવૃત્તિઓમાં સંકળાયેલા તત્ત્વોમાં ફફડાટ ફેલાયો છે. જપ્ત કરાયેલા વાહનો અને મુદ્દામાલ અંગે ભૂસ્તરશાસ્ત્રીશ્રીની કચેરી, ભુજ દ્વારા લાગુ કાયદાકીય જોગવાઈઓ અનુસાર આગળની દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે. કચ્છ જિલ્લામાં ગેરકાયદેસર ખનન, ખનિજ વહન અને ખનિજોના અનધિકૃત સંગ્રહ જેવી પ્રવૃત્તિઓને અટકાવવા ખાણ અને ખનિજ વિભાગ દ્વારા આગામી સમયમાં પણ તપાસ અને કડક કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.

(9:22 AM IST)