<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 3rd May 2026

જામનગરમાં તંત્રની મેગા ડિમોલિશન ડ્રાઈવ : હાપા વિસ્તારમાં ₹35 કરોડની સરકારી જમીન પરથી ગેરકાયદે દબાણોનો સફાયો

EWS આવાસ માટે આરક્ષિત 1.20 લાખ ચોરસ ફૂટ જમીન પર ફરી વળ્યું 'દાદાનું બુલડોઝર' : 16 આસામીઓ દ્વારા કરવામાં આવેલા વ્યાપક કોમર્શિયલ બાંધકામો જમીનદોસ્ત કરી દેવાયા

 જામનગર :  જામનગરના હાપા વિસ્તારમાં ભૂમાફિયાઓ અને ગેરકાયદે બાંધકામ કરનારાઓ સામે તંત્રએ લાલ આંખ કરી છે. ગરીબ પરિવારોના ઘરનું સપનું સાકાર કરવા માટે ફાળવાયેલી જમીન પર વર્ષોથી જમાવેલો ગેરકાયદે કબજો હવે વહીવટી તંત્રએ બુલડોઝર ફેરવીને ખાલી કરાવ્યો છે. આશરે 1.20 લાખ ચોરસ ફૂટના વિશાળ પ્લોટ પર ચાલી રહેલા કોમર્શિયલ દબાણોને જમીનદોસ્ત કરી તંત્રએ આશરે ₹35 કરોડની સરકારી સંપત્તિ પુનઃ હસ્તગત કરી છે.

 16 જેટલા આસામીઓએ જમીન પચાવી પાડી હતી:

મળતી માહિતી મુજબ, હાપા વિસ્તારમાં આવેલી આ કિંમતી જમીન ગરીબો અને આર્થિક રીતે નબળા વર્ગ (EWS) ના લોકો માટે આવાસ યોજના બનાવવા માટે આરક્ષિત રાખવામાં આવી હતી. જોકે, આ આવાસની જમીન પર આશરે 16 જેટલા આસામીઓએ ગેરકાયદેસર રીતે દબાણ કરી દીધું હતું. દબાણકર્તાઓએ આ જમીન પર દુકાનો, વ્યવસાયિક સ્ટ્રક્ચર અને અન્ય મોટા પાકા બાંધકામો ઉભા કરી દીધા હતા, જેના કારણે સરકારી યોજનાના અમલીકરણમાં અવરોધ ઊભો થયો હતો.

 ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાર્યવાહી:

દબાણ હટાવવાની કામગીરી દરમિયાન કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે તંત્ર દ્વારા સ્થળ પર ભારે પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો હતો. જામનગર મહાનગરપાલિકાના અધિકારીઓની હાજરીમાં અનેક બુલડોઝરોની મદદથી વહેલી સવારથી જ ડિમોલિશન શરૂ કરી દેવામાં આવ્યું હતું. વ્યાપક કોમર્શિયલ દબાણો દૂર થતા જ આશરે 1.20 લાખ ચોરસ ફૂટનો વિશાળ પ્લોટ હવે સંપૂર્ણપણે ખાલી થઈ ગયો છે.

 આવાસ યોજના માટે માર્ગ મોકળો:

લાંબા સમયથી આ જમીન પર દબાણ હોવાને કારણે આર્થિક રીતે નબળા પરિવારો માટેના આવાસનું કામ અટકેલું હતું, જેને લઈને સ્થાનિક લોકોમાં પણ રોષ જોવા મળતો હતો. તંત્રની આ ત્વરિત અને કડક કાર્યવાહી બાદ હવે આ ₹35 કરોડની જમીન પર જાહેર હિતના કામો અને ગરીબો માટેના મકાનો બનાવવાનો માર્ગ મોકળો થયો છે. તંત્રએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે આગામી દિવસોમાં પણ શહેરના અન્ય વિસ્તારોમાં ગેરકાયદેસર બાંધકામો વિરુદ્ધ આવી જ કડક કાર્યવાહી ચાલુ રહેશે.

(10:56 AM IST)