તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 20th September 2026
ટંકારામાં ધોળે દિવસે બંધ મકાનને નિશાન બનાવી તસ્કરો અંદાજે અઢી લાખ રૂપિયાના સોના-ચાંદીના દાગીના ચોરી ફરાર
લક્ષ્મીનારાયણ સોસાયટીમાં પરિવાર દુકાને ગયો તે દરમિયાન ત્રાટકેલા ચોરો કબાટનો સામાન વેરવિખેર કરી કિંમતી એવેજ ઉઠાવી ગયા

ટંકારા : મોરબી જિલ્લાના ટંકારા સ્થિત લક્ષ્મીનારાયણ સોસાયટીમાં બંધ મકાનને ટાર્ગેટ બનાવીને ધોળે દિવસે તસ્કરોએ હાથફેરો કર્યો હતો, જ્યાં મકાનમાંથી સોના-ચાંદીના કિંમતી દાગીના મળીને કુલ રૂપિયા ૨,૪૭,૬૦૦ ની મત્તા અજાણ્યા ચોર ઇસમ ચોરી કરી ગયાની સત્તાવાર પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ તસ્કરો બેરોકટોક ધોળે દિવસે ચોરીને અંજામ આપી રહ્યા છે.
ટંકારાની લક્ષ્મીનારાયણ સોસાયટીમાં રહેતા સુનીલભાઈ મોહનભાઈ રાઠોડ (ઉ.વ.૪૧) દ્વારા અજાણ્યા ચોર ઇસમ વિરુદ્ધ નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ, ગત તા. ૧૬ ના રોજ સવારના સાડા આઠેક વાગ્યે ફરિયાદી, તેમના પત્ની તેમજ દીકરા માલદેવની પત્ની દિવ્યા ત્રણેય જણા ઘરકામ પતાવી, રસોઈ બનાવીને ટિફિન લઈને ડેરી નાકા રોડ પર આવેલી પોતાની દુકાને ગયા હતા.
બપોર બાદ દીકરાની પત્ની દિવ્યા શાકભાજી લઈને સાંજે સાડા પાંચેક વાગ્યે જ્યારે ઘરે પરત પહોંચી ત્યારે થોડીવારમાં જ તેમના કાકાના દીકરા રામાભાઈ રાઠોડે ફોન કરીને જણાવ્યું કે જલ્દી ઘરે આવો ઘરમાં બધો સામાન વેરવિખેર પડેલો છે, જેથી તરત જ ઘરે પહોંચીને જોતા અંદરનો દરવાજો ખુલ્લો હતો અને કબાટની તપાસ કરતા દાગીના ગાયબ હોવાનું જણાયું હતું.
ઘરમાંથી ચાંદીના પગમાં પહેરવાની કળી જોડ નંગ ૧, ચાંદીનું મંગલસૂત્ર, સોનાની પાન બુટી સહિત અંદાજે ૯૯૮ ગ્રામ ચાંદીના દાગીના કિંમત રૂપિયા ૧,૩૮,૬૦૦ અને ૯ ગ્રામ સોનાના દાગીના કિંમત રૂપિયા ૧,૦૯,૦૦૦ મળીને કુલ રૂ. ૨,૪૭,૬ ૬૦૦ ની મત્તા ચોરાયાનું બહાર આવતા ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની સઘન તપાસ શરૂ કરી છે.
(2:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
