તા. ૧૩ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૪ સોમવાર
News of Saturday, 5th September 2026
મેયર મોનિકાબેન વ્યાસના અધ્યક્ષ સ્થાને હરિયા સ્કૂલ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ યોજાયો
જિલ્લા-તાલુકા કક્ષાના ૫ શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન: જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને રૂ.૧૫ હજાર અને તાલુકા કક્ષાના શિક્ષકોને રૂ.૫ હજારના ચેક એનાયત:શિક્ષક સમાજ અને રાષ્ટ્રના ઘડતરનો આધારસ્તંભ છે: ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડા

જામનગર : દર વર્ષે ૫ સપ્ટેમ્બરના રોજ ઉજવાતા શિક્ષક દિવસની ઉજવણીના ભાગરૂપે જામનગર શિક્ષણ પરિવાર દ્વારા એલ.જી.હરિયા સ્કૂલ ખાતે તાલુકા અને જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકોનો સન્માન સમારોહ મેયર શ્રીમતી મોનિકાબેન વ્યાસના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ કાર્યક્રમમાં શિક્ષણ ક્ષેત્રે ઉત્કૃષ્ટ અને વિશેષ કામગીરી કરનાર શિક્ષકોને સન્માનિત કરી તેમની સેવાઓને બિરદાવવામાં આવી હતી.
કાર્યક્રમમાં જિલ્લા કક્ષાના ૧ શિક્ષક જેમાં મનીષકુમાર ચનિયારા અને તાલુકા કક્ષાના ૪ શિક્ષકો જેમાં વિપુલભાઈ વાઘેલા, ખીમાભાઇ નંજા, કપિલભાઈ કણસાગરા અને વિશાલભાઈ જાદવ એમ કુલ ૫ શ્રેષ્ઠ શિક્ષકોને પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા. જિલ્લા કક્ષાના શ્રેષ્ઠ શિક્ષકને રૂ.૧૫,૦૦૦નો ચેક, જ્યારે તાલુકા કક્ષાના શ્રેષ્ઠ ચાર શિક્ષકોને રૂ.૫,૦૦૦ના ચેક એનાયત કરવામાં આવ્યા હતા.
આ ઉપરાંત વિવિધ પરીક્ષાઓમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન કરનાર શાળાના વિદ્યાથીઓ, આચાર્યોને પ્રમાણપત્ર એનાયત કરી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. શિક્ષણ ક્ષેત્રે વિશેષ કામગીરી કરનાર શિક્ષકોને પણ આ પ્રસંગે બિરદાવવામાં આવ્યા હતા.ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લાના ૨ શિક્ષકો જી.એમ.પટેલ કન્યા વિદ્યાલયના અલ્પાબેન પટેલ અને નેસડા ગામની શાળાના શિક્ષક ભાવેશભાઈ પનારાની રાજ્ય પારિતોષિક માટે પસંદગી કરવામાં આવી છે. જેને અમદાવાદ ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતના હસ્તે સન્માનિત કરવામાં આવશે.
આ પ્રસંગે ધારાસભ્ય મેઘજીભાઈ ચાવડાએ પોતાના સંબોધનમાં જણાવ્યું હતું કે, શિક્ષક સમાજ અને રાષ્ટ્રના ઘડતરનો આધારસ્તંભ છે. શિક્ષક વિદ્યાર્થીઓને માત્ર પાઠ્યપુસ્તકનું જ્ઞાન આપતા નથી, પરંતુ તેમના વ્યક્તિત્વ, સંસ્કાર અને જીવનમૂલ્યોનું પણ ઘડતર કરે છે. એક સારો શિક્ષક પોતાના વિદ્યાર્થીઓની પ્રતિભાને ઓળખી તેને યોગ્ય દિશા આપવાનું કાર્ય કરે છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આજના ઝડપથી બદલાતા સમયમાં શિક્ષણની સાથે ટેક્નોલોજી, નવીન વિચારસરણી અને સંસ્કારોનું સંયોજન અત્યંત જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા શિક્ષણ ક્ષેત્રે ગુણવત્તા સુધારવા અને વિદ્યાર્થીઓને આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા વિવિધ પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસોને સફળ બનાવવા શિક્ષકોની સક્રિય અને સમર્પિત ભૂમિકા મહત્વપૂર્ણ છે. શિક્ષકનું સન્માન એ સમગ્ર શિક્ષણ જગતનું સન્માન છે. કાર્યક્રમમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર શિક્ષકોનું સન્માન અન્ય શિક્ષકોને પણ નવી ઊર્જા અને પ્રેરણા આપશે.
કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન વર્ષાબેન માકડિયા, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન પરસોત્તમભાઈ કકનાણી, જિલ્લા શિક્ષણ અધિકારી વિપુલભાઈ મહેતા, હરિયાસ્કૂલના ટ્રસ્ટીઓ જેંતીભાઈ, કંચનબેન હરિયા, જીજ્ઞાબેન હરિયા, સીઆરસી, બીઆરસી કોર્ડિનેટર,શિક્ષકો, અગ્રણીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા કાર્યક્રમનું સફળ સંચાલન હરિદેવ ગઢવી દ્વારા કરવામાં આવ્યું હતું
(5:55 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
