તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 27th May 2026
જૂનાગઢના પ્રતિભાશાળી શિક્ષિકા મીરાબેન વૈષ્ણવને પ્રતિષ્ઠિત “બાળરક્ષક રાષ્ટ્રીય જીવન ગૌરવ એવોર્ડ” એનાયત : ગુજરાતનું વધાર્યું ગૌરવ
ઇન્દોર ખાતે આયોજિત રાષ્ટ્રીય શિક્ષણ પરિષદમાં દેશના ૧૮ રાજ્યોના શિક્ષણવિદોની હાજરી વચ્ચે સન્માનપત્ર, શિલ્ડ અને મોમેન્ટો આપી કરાયું બહુમાન

જૂનાગઢ: ગુજરાત રાજ્યના જૂનાગઢ જિલ્લાના ભેસાણ તાલુકાના ચણાકા ગામે આવેલી સ્વામી વિવેકાનંદ વિનય મંદિર શાળાના પ્રતિભાશાળી અને સર્જનાત્મક શિક્ષિકા મીરાબેન સતિષભાઈ વૈષ્ણવને રાષ્ટ્રીય કક્ષાના સર્વોચ્ચ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવતા સમગ્ર રાજ્યમાં ગૌરવની લાગણી વ્યાપી ગઈ છે. મહારાષ્ટ્રના વર્ધા ખાતે નોંધાયેલા બાળરક્ષક પ્રતિષ્ઠાન દ્વારા ઇન્દોરના અહલ્યા પરિસર ખાતે આયોજિત વિશેષ રાષ્ટ્રીય શિક્ષણ પરિષદ અને સન્માન સમારોહમાં તેમને પ્રતિષ્ઠિત “બાળરક્ષક રાષ્ટ્રીય જીવન ગૌરવ એવોર્ડ” એનાયત કરવામાં આવ્યો છે.
શિક્ષિકા મીરાબેન વૈષ્ણવ વિદ્યાર્થીઓના વ્યક્તિત્વ ઘડતરના મૌન શિલ્પી તરીકે જાણીતા છે. પોતાની અદભુત કાર્યશૈલી, કાબેલિયત અને નવીનતમ શૈક્ષણિક પદ્ધતિઓના બળ પર તેમણે શિક્ષણ જગતમાં એક આગવી ઓળખ ઉભી કરી છે. શિક્ષણક્ષેત્રે તેમના સર્જનાત્મક અભિગમ તેમજ વિદ્યાર્થીઓમાં ઉચ્ચ સંસ્કારો અને આત્મવિશ્વાસનું સિંચન કરવાના ભગીરથ પ્રયાસોને બિરદાવવા માટે આ રાષ્ટ્રીય સન્માન આપવામાં આવ્યું છે.
દેશના ૧૮ રાજ્યોના મહાનુભાવોની ઉપસ્થિતિમાં સન્માન:
આ ગૌરવશાળી સમારોહમાં ભારતના ૧૮ જુદા-જુદા રાજ્યોમાંથી પધારેલા શ્રેષ્ઠ શિક્ષકો, આચાર્યો અને શિક્ષણવિદોની ગરિમામય હાજરી વચ્ચે મીરાબેન વૈષ્ણવને વિશેષ સન્માનપત્ર, શિલ્ડ અને મોમેન્ટો અર્પણ કરવામાં આવ્યા હતા. આ પ્રેરણાદાયી અવસરે કાર્યક્રમમાં પ્રો. ડો. યોગેન્દ્રનાથ શુક્લા, ડો. બબીતા કડકિયા, કિશોર ગુપ્તા, સત્યનારાયણ સલવાડીયા, ડો. સંજય કુમાર માલવી તેમજ શ્રીમતી સુપ્રિયા ચૌધરી સહિતના અનેક જાણીતા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. આ ઐતિહાસિક સફળતા બદલ ચણાકા ગામ, જૂનાગઢ જિલ્લા સહિત સમગ્ર શિક્ષણ આલમે વિજેતા શિક્ષિકાને અભિનંદન પાઠવ્યા છે. (અહેવાલ - મુકેશ પંડિત)
(5:21 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
