તા. ૨૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૪ સોમવાર
News of Monday, 23rd November 2026
ભુજ-ખાવડા માર્ગ પરના ગમખ્વાર અકસ્માત બાદ તંત્ર દોડતું થયું: ઉચ્ચ અધિકારીઓએ સમગ્ર માર્ગનું નિરીક્ષણ કરી સુરક્ષાનાં પગલાં લેવા સૂચનાઓ આપી
અકસ્માતમાં અવસાન પામેલા ૭ મૃતકોને વડાપ્રધાન, મુખ્યમંત્રીએ આપી શ્રદ્ધાંજલિ, વડાપ્રધાન દ્વારા મૃતકોના પરિવારજનોને ૨ લાખ અને ઈજાગ્રસ્તોને ૫૦ હજાર, મુખ્યમંત્રી દ્વારા મૃતકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની સહાય જાહેર

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૩ : કચ્છના ભુજથી ખાવડા જતા માર્ગ પર સર્જાયેલા ગમખ્વાર માર્ગ અકસ્માતમાં સાત લોકોનાં અકાળે મોત થતાં સમગ્ર પંથકમાં શોકની લાગણી વ્યાપી ગઈ છે. આ કરુણ દુર્ઘટના અંગે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારજનોને રૂ. ૪ લાખ અને ઇજાગ્રસ્તોને રૂ. ૫૦ હજારની આર્થિક સહાય આપવાની જાહેરાત કરવામાં આવી છે. અકસ્માતની ગંભીરતાને ધ્યાનમાં રાખીને કચ્છ જિલ્લા કલેક્ટર અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ માર્ગ સુરક્ષાનાં પગલાં વધુ સુદૃઢ બનાવવા માટે આજે જિલ્લાના ઉચ્ચ અધિકારીઓએ ભુજથી ખાવડા સુધીના સમગ્ર રાષ્ટ્રીય ધોરીમાર્ગનું સંયુક્ત નિરીક્ષણ કર્યું હતું. આ દરમિયાન માર્ગ પરના જોખમી વળાંકો, સાઇન બોર્ડ, ટ્રાફિક નિયંત્રણ વ્યવસ્થા સહિત માર્ગ સલામતીને લગતી વિવિધ બાબતોની ઝીણવટભરી સમીક્ષા કરવામાં આવી હતી. આ નિરીક્ષણમાં ભુજ પ્રાદેશિક વાહન વ્યવહાર અધિકારી અનિલ ગોસ્વામી તથા આરટીઓના અન્ય અધિકારીઓ, ભુજ પ્રાંત અધિકારી એમ.જે. નાકિયા, ભુજ ડીવાયએસપી વિશ્વા શાહ, નેશનલ હાઇવે ડિવિઝનના કાર્યપાલક ઇજનેર બી.ડી. પ્રજાપતિ, માધાપર અને ધોરડો પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટરો તેમજ જિલ્લા ટ્રાફિક પોલીસના સબ ઇન્સ્પેક્ટર આર.વી. જોષી ઉપસ્થિત રહ્યા હતા. ઉચ્ચ અધિકારીઓએ ભુજથી ખાવડા સુધીના સમગ્ર માર્ગની સાથે ગત રોજ અકસ્માત સર્જાયો હતો તે સ્થળનું પણ પ્રત્યક્ષ નિરીક્ષણ કર્યું હતું. ભવિષ્યમાં આવા દુર્ઘટનાજનક બનાવોનું પુનરાવર્તન ન થાય અને માર્ગ પર મુસાફરી કરતા વાહનચાલકોની સુરક્ષા સુનિશ્ચિત થાય તે હેતુથી નેશનલ હાઇવે ઓથોરિટી, રોડ એજન્સી, જિલ્લા ટ્રાફિક વિભાગ અને પોલીસ તંત્રને જરૂરી તકેદારીનાં પગલાં લેવા તેમજ માર્ગ સલામતીની વ્યવસ્થા વધુ મજબૂત બનાવવા સૂચનાઓ આપવામાં આવી હતી.
(9:40 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
