<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 18th July 2026

જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસની ઘાતક એન્ટ્રી! : જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન રવિ પાર્કની બે વર્ષની માસૂમ બાળકીનું કરુણ મોત

બાળકીનો લેબોરેટરી રિપોર્ટ આવે તે પહેલાં જ દમ તોડ્યો : જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસનો પ્રથમ ભોગ લેવાતા ફફડાટ : જીજી હોસ્પિટલમાં હજુ પણ બે દર્દીઓ સારવાર હેઠળ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર, શનિવાર: સમગ્ર ગુજરાત સહિત જામનગર જિલ્લામાં પણ ચાંદીપુરા વાયરસનો ભયંકર ખતરો સતત વધી રહ્યો છે. જામનગર શહેરમાં સૌ પ્રથમ શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતી બાળકીનું મોત નીપજતાં ભારે ચકચાર મચી ગઈ છે અને સ્થાનિકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. શહેરના રવિ પાર્ક વિસ્તારમાં રહેતી એક બે વર્ષની માસૂમ બાળકી વાયરસના ઘાતક લક્ષણોનો ભોગ બનતાં તેણે જીજી હોસ્પિટલમાં સારવાર દરમિયાન જ પોતાનો જીવ ગુમાવ્યો છે.

રિપોર્ટ આવે તે પહેલાં જ બાળકી કાળનો કોળિયો બની:

પ્રાપ્ત વિગતો અનુસાર, જામનગરના રવિ પાર્ક વિસ્તારની આ બે વર્ષની બાળકીમાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને તુરંત જ વધુ સારવાર અર્થે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી હતી. હોસ્પિટલના બાળરોગ નિષ્ણાતો દ્વારા બાળકીને બચાવવાના તમામ સઘન પ્રયાસો હાથ ધરવામાં આવ્યા હતા અને તેના સેમ્પલ પણ લેબોરેટરી પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા હતા. પરંતુ અત્યંત દુઃખદ બાબત એ રહી કે બાળકીનો સત્તાવાર મેડિકલ રિપોર્ટ આવે તે પહેલા જ તેણે સારવાર દરમિયાન હોસ્પિટલના બિછાને દમ તોડી દીધો હતો. આ ઘટનાથી માસૂમ બાળકીના પરિવારમાં ઘેરા શોકની કાલીમા છવાઈ ગઈ છે.

હોસ્પિટલમાં હજુ પણ બે શંકાસ્પદ દર્દીઓ સારવાર હેઠળ:

જામનગરમાં શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના કારણે આ વર્ષનું આ પ્રથમ મોત નોંધાયું છે. આ કેસ સામે આવ્યા બાદ આરોગ્ય વિભાગ અને હોસ્પિટલ પ્રશાસન સંપૂર્ણપણે સતર્ક બની ગયું છે. તબીબી સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, શંકાસ્પદ ચાંદીપુરા વાયરસના લક્ષણો ધરાવતા હજુ પણ વધુ બે દર્દીઓ હાલમાં જીજી હોસ્પિટલના ખાસ વોર્ડમાં સારવાર હેઠળ રાખવામાં આવ્યા છે, જેમની સ્થિતિ પર તબીબો દ્વારા સતત ઝીણવટભરી નજર રાખવામાં આવી રહી છે.

બાળકીના મોતના પગલે સ્થાનિક આરોગ્ય તંત્ર દ્વારા રવિ પાર્ક અને તેની આસપાસના વિસ્તારોમાં સેનિટાઈઝેશન, પાવડર ડસ્ટિંગ અને મેડિકલ સર્વેલન્સની કામગીરી વધુ તેજ કરી દેવામાં આવી છે જેથી વાયરસના સંભવિત ફેલાવાને અટકાવી શકાય. તંત્ર દ્વારા નાગરિકોને બાળકોની તબિયત બાબતે ખાસ તકેદારી રાખવા અને શંકાસ્પદ તાવ કે લક્ષણો જણાય તો તુરંત જ સરકારી હોસ્પિટલનો સંપર્ક કરવા અપીલ કરવામાં આવી છે.

(તસવીર: કિંજલ કારસરીયા, જામનગર)

(9:52 PM IST)