<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th April 2026

મતદાન પૂર્વે સૂર્યનારાયણ ક્રોધિતઃ સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં અગ્નિવર્ષા

કાલે પણ મહતમ તાપમાન ૪ર-૪૩ ડિગ્રીએ પહોંચી જવાની શકયતાઃ આકરા ઉનાળાથી સૌ કોઇ હેરાન

રાજકોટ તા. રપઃ રાજકોટ સહિત સૌરાષ્‍ટ્ર-કચ્‍છમાં આકરા ઉનાળાથી લોકો ત્રાહીમામ પોકારી ગયા છે કાલે સ્‍થાનીક સ્‍વરાજયની ચૂંટણી પહેલા અગ્નિવર્ષાથી સૌ કોઇ હેરાન છે.

જુનાગઢ

(વિનુ જોશી દ્વારા) સોરઠમાં સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના મતદાન પૂર્વે સૂર્યનારાયણ ક્રોધિત થતા અને આવતીકાલે તાપમાન ૪૩ ડિગ્રી રહેવાની શકયતાને લઈને મતદાન પર અસર થવાની સંભાવના જોવાઈ રહી છે.

એપ્રિલ મહિનાનો અંત શરૂ થતા કાળઝાળ ગરમી શરૂ થવાની સાથે છેલ્લા ૩ દિવસથી મહત્તમ તાપમાનમાં ક્રમશઃ વધારો થઈ રહ્યો છે.  ગુરુવારે જુનાગઢનું મહત્તમ તાપમાન ૪૦.૬ ડિગ્રી નોંધાયા બાદ એક જ દિવસમાં શુક્રવારની બપોરે પારો ૧.૭ ડિગ્રી ઉપર ચડીને ૪૨.૩ ડીગ્રીએ સ્‍થિર થયો હતો.  તેના પગલે સિઝનનું સૌથી વધુ તાપમાન રહેતા શહેરના માર્ગો પર સ્‍વયંભૂ કફર્યુ જેવો માહોલ જોવા મળ્‍યો હતો. કાળઝાળ ગરમીના કારણે બપોરના સમયે લોકોએ બહાર નીકળવાનું ટાળ્‍યું હતું. અનિવાર્ય સંજોગોમાં બહાર નીકળતા ટુ વ્‍હીલર ચાલકો મોઢે રૂમાલ, હેલ્‍મેટ અને ગોગલ્‍સ પહેરીને ગરમીથી બચવા મથામણ કરતા જોવા મળ્‍યા હતા.

ગઈકાલની માફક આજે પણ સવારથી સૂર્યનારાયણને આકાશમાંથી ધરતી પર અગનગોળા ફેંકવાનું શરૂ કરી દેતા બપોરના મહત્તમ તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહેવાની શકયતા જોવાઈ રહી છે.

દરમ્‍યાન જૂનાગઢ કળષિ યુનિવર્સિટીના હવામાન વિભાગના અધિકારી ધીમંત વઘાસીયાએ જણાવ્‍યું હતું કે, આગામી સોમવાર સુધી તાપમાન ૪૨ ડિગ્રી આસપાસ રહશે અને રવિવારે પારો ઉપર ચડીને ૪૩ ડિગ્રીએ પહોંચવાની શકયતા જોવાઈ રહી છે. સોમવાર બાદ ગરમીથી આંશિક રાહત મળવાની સંભાવના છે. આવતીકાલ રવિવારે તાપમાન ૪૩ ડિગ્રીએ પહોંચવાની  સંભાવનાને લઈને સ્‍થાનિક સ્‍વરાજ્‍યની ચૂંટણીના મતદાન પર અસર થવાની શકયતા પ્રવર્તે છે.

જામનગર

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગરઃ બાજરા સંશોધન કેન્‍દ્ર, જામનગર તરફથી પ્રાપ્‍ત થયેલી માહિતી મુજબ આજે તા. ૨૫/૦૪/૨૦૨૬ના રોજ જામનગર શહેરનું લઘુત્તમ તાપમાન ૨૫ ડિગ્રી સેલ્‍સિયસ નોંધાયું હતું, જ્‍યારે મહત્તમ તાપમાન ૩૭ ડિગ્રી સેલ્‍સિયસે પહોંચ્‍યું હતું.

આજે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮૧ ટકા રહ્યું હતું. પવનની ગતિ ૯.૦ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે નોંધાઈ હતી. ઉનાળાની શરૂઆત સાથે ગરમીનું પ્રમાણ વધતા નાગરિકોએ બપોરના સમયે તડકાથી બચવા સાવચેતી રાખવા અનુરોધ છે.

(12:07 PM IST)