તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
જામનગરમાં મનપા કમિશનર દીપેશ કેડિયાની આંગણવાડીની ઓચિંતી મુલાકાત : બાળકોના આરોગ્ય અને પોષણની સમીક્ષા સાથે કચરાથી ખદબદતી કેનાલનો પ્રશ્ન પણ ઉછળ્યો : જુઓ વિડીયો
અંધાશ્રમ ફાટક પાસેના ૧૪૦૪ આવાસ વિસ્તારની આંગણવાડીમાં બાળકોને મળતી પોષણ કીટ અંગે વિગતો મેળવાઈ, તો સ્થાનિક આગેવાનો અને નગરસેવક દ્વારા કેનાલની સફાઈ માટે તંત્ર સમક્ષ રજૂઆત કરાઈ

મુકુંદ બદિયાણી દ્વારા, જામનગર : જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા સહિતના અધિકારીઓ દ્વારા અંધાશ્રમ ફાટક નજીક આવેલા ૧૪૦૪ આવાસ વિસ્તારમાં કાર્યરત આંગણવાડીની ઓચિંતી મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન અધિકારીઓએ આંગણવાડીના બાળકોના આરોગ્ય અને પોષણની સ્થિતિ વિશે સઘન માહિતી મેળવી હતી.
મુલાકાત વેળાએ કમિશનરે આશા વર્કર બહેનો તેમજ બાળકોના વાલીઓ સાથે રૂબરૂ ચર્ચા કરીને સરકાર તરફથી બાળકોને મળતી પોષણ કીટ અને પૂરતા પોષણ અંગેની સ્થિતિની સમીક્ષા કરી હતી. બાળકોના સ્વાસ્થ્યની યોગ્ય કાળજી લેવાય અને તેમને પૌષ્ટિક આહાર મળી રહે તે સુનિશ્ચિત કરવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો.
બીજી તરફ, આંગણવાડીની આ મુલાકાત દરમિયાન વિસ્તારની અન્ય સમસ્યાઓ પણ સપાટી પર આવી હતી. ૧૪૦૪ આવાસ વિસ્તારના આગેવાનો તથા સ્થાનિક નગરસેવક દ્વારા કચરાથી ખદબદતી કેનાલના પ્રશ્ને ગંભીર રજૂઆત કરવામાં આવી હતી. કેનાલમાં એકઠા થતા કચરાના કારણે ઊભી થતી દુર્ગંધ અને મુશ્કેલીઓના નિરાકરણ માટે તાત્કાલિક સફાઈ કામગીરી હાથ ધરવાની માંગ સાથે તંત્રનું ધ્યાન દોરવામાં આવ્યું હતું.
એક તરફ બાળકોના પોષણ અને આરોગ્યની ચકાસણી કરવામાં આવી, તો સાથે જ કેનાલની સ્વચ્છતાનો મુદ્દો પણ ચર્ચાના કેન્દ્રમાં આવ્યો છે. સ્થાનિકોની આ રજૂઆત બાદ હવે કેનાલની સફાઈ અંગે તંત્ર દ્વારા આગામી સમયમાં શું પગલાં લેવામાં આવે છે તેના પર સૌની નજર રહેશે.
(6:32 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
