તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 27th October 2026
સર્જનના હાથમાં સર્જરી તો એનેસ્થેસિયોલોજિસ્ટની નજર દર્દીની ચેતના પર :: જાણો એનેસ્થેસિયાની ઓપરેશન થિયેટરમાં પરદા પાછળની વિશિષ્ટ ભૂમિકા વિશે
એનેસ્થેસિયા માત્ર બેભાન કરવાની પ્રક્રિયા નથી, પરંતુ એક વિજ્ઞાન છે. તેના ત્રણ મુખ્ય પ્રકાર છે: જનરલ એનેસ્થેસિયા (સંપૂર્ણ બેભાન કરવું), રિજનલ એનેસ્થેસિયા (શરીરના મોટા ભાગને બેભાન કરવો) અને લોકલ એનેસ્થેસિયા (નાના ભાગને બેભાન કરવો)

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૭ : ઓપરેશન થિયેટરમાં શસ્ત્રક્રિયા ચાલુ હોય છે ત્યારે સર્જનની નજર ઓપરેશન ઉપર હોય છે. પરિજનો શસ્ત્રક્રિયા સફળ થાય એ માટે દુઆ, પ્રાર્થના કરતા હોય છે. બરોબર તેવા અણીના સમયે તબીબની એક એવી ટીમ હોય છે, જે દર્દીના શ્વાસ, સુગર, ધબકારા, પ્રેશર સાથે શરીર સર્જરીને કેવો પ્રતિસાદ આપે છે તેના ઉપર બાજ નજર રાખે છે. આ તબીબ એટલે બીજા કોઈ નહીં પણ એનેસ્થેસીઓલોજીસ્ટ.જેમને લોકો સીસી સુંઘાડનાર ડોક્ટર તરીકે ઓળખે છે. અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલના એનેસ્થેસિયા વિભાગના તબીબોએ કહ્યું કે,કોઈપણ ઓપરેશન દરમિયાન દર્દીને પીડા ન થાય તે જોવાની એનેસ્થેસિયોલોજિસ્ટની ભૂમિકા કોઈ પણ સર્જન જેટલી જ મહત્વની છે..એટલે જ સર્જન સુરક્ષિત રીતે સર્જરી પર પાડી શકે છે.જી.કે.માં આ કાર્ય માટે ડો. મંદાકિની ઠક્કર,ડો. જલદીપ પટેલ, ડો.ખ્યાતિ મકવાણા, ડો.વિમલ ઠાકરાણી અને ડો.ઐશ્વર્યા રાજ ઉપરાત રેસિ.ટીમ પ્રવૃત છે.
*એનેસ્થેસિયા એટલે શું:*
સામાન્ય રીતે લોકો એનેસ્થેસિયાને માત્ર બેભાન કરવા પૂરતું સમજે છે, પરંતુ તે એક સંપૂર્ણ વિજ્ઞાન છે. તેના મુખ્ય ત્રણ પ્રકાર છે એક જનરલ એનેસ્થેસિયા જે દવાઓની મદદથી દર્દીને નિયંત્રિત રીતે સંપૂર્ણ બેભાન કરવામાં આવે છે, જેથી પીડા ન થાય. રિજનલ એનેસ્થેસિયા જેનાથી શરીરના એક ભાગને જ બેભાન કરવામાં આવે છે, જેમ કે પગના ઓપરેશન માટે કમરથી નીચેના ભાગને બેભાન કરાય છે. લોકલ એનેસ્થેસિયામાં શરીરના નાના ભાગને જ બેભાન કરવામાં આવે છે, જેમ કે દાંતની સારવાર કે નાના ચીરા માટે.
જી.કે.માં વીતેલા વર્ષ દરમિયાન જનરલ એનેસ્થેસિયા ૨૫૦૦ -૩૦૦૦, રિજિયોનલ એનેસ્થેસિયા ૮૦૦૦-૯૦૦૦ અને ૧૦૦૦૦ થી ૧૨૦૦૦ લોકલ એનેસ્થેસિયા મૂકવામાં આવ્યા હતા,જેથી ઓપરેશન દરમિયાન દર્દીને પીડા ન થાય.આદિ-અનાદિ કાળથી પીડા મુક્ત સારવારની શોધ ચાલે છે.આ શોધને તબીબી વિજ્ઞાનની સૌથી મોટી સિદ્ધિઓમાંની એક ગણવામાં આવે છે, કારણ કે તેના વગર આજની કોઈપણ મોટી સર્જરી શક્ય નથી.
*ભૂમિકા ઓપરેશન થિયેટરથી પણ આગળ:*
એનેસ્થેસિયોલોજિસ્ટની ભૂમિકા માત્ર ઓપરેશન થિયેટર પૂરતી સીમિત નથી,પરંતુ હવે ઘણી આગળ વધી ગઈ છે.ICU માં ગંભીર દર્દીઓના શ્વાસ અને જીવન રક્ષક સારવારમાં.પેઇન ક્લિનિકમાં લાંબા સમયના કમર, સાંધા અને કેન્સરના દુખાવાની સારવારમાં.લેબર રૂમમાં પ્રસૂતિ દરમિયાન માતાને પીડા રહિત પ્રસવ કરાવવામાં અને ઇમરજન્સીમાં અકસ્માત કે હાર્ટ એટેકના સમયે દર્દીને તાત્કાલિક સ્થિર કરવામાં.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
