<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

સુરેન્દ્રનગરના દાધોળીયા ગામમાં ધસમસતા પાણી વચ્‍ચે ઝોળીમાં પ્રસૂતાને હોસ્પિટલ પહોંચાડીઃ તંત્ર સામે ગ્રામજનોનો રોષ

મહિલાને દુઃખવો ઉપડતા ૧૦૮ ને જાણ કરાયેલઃ કોઝ-વે ઉપર ફરી પાણીના કારણે એમ્‍બ્‍યુલન્‍સ ગામ સુધી પહોંચી શકે તેમ ન હતી

સુરેન્દ્રનગર: જિલ્લાના મુળી તાલુકાના દાધોળીયા ગામમાં ભારે વરસાદ બાદ સર્જાયેલી પરિસ્થિતિએ ફરી એકવાર ગ્રામ્ય વિસ્તારોમાં મૂળભૂત સુવિધાઓના અભાવને ઉજાગર કર્યો છે. ગામની સીમમાં આવેલા કોઝવે પર વરસાદી પાણી ફરી વળતાં ગામનો સંપર્ક બહારની દુનિયા સાથે લગભગ કપાઈ ગયો હતો.

આવી જ ગંભીર પરિસ્થિતિમાં એક સગર્ભા મહિલાને અચાનક પ્રસૂતિની પીડા શરૂ થતાં પરિવારજનો અને ગ્રામજનો ચિંતામાં મુકાઈ ગયા. ઇમરજન્સી સેવા તરીકે 108 એમ્બ્યુલન્સને જાણ કરવામાં આવી હતી, પરંતુ કોઝવે પર ધસમસતા પાણીના કારણે એમ્બ્યુલન્સ ગામ સુધી પહોંચી શકી નહોતી. અંતે ગામલોકોએ કોઈ વિકલ્પ ન રહેતાં મહિલાને ઝોળીમાં બેસાડી જીવના જોખમે પાણીમાંથી પસાર કરાવી હોસ્પિટલ સુધી પહોંચાડવાનો નિર્ણય લીધો.

 

 

પ્રસૂતિની પીડાથી તડપતી મહિલાને સુરક્ષિત રીતે હોસ્પિટલ પહોંચાડવા માટે ગામના લોકોએ એકજૂટ થઈ માનવતાનો ઉત્તમ દાખલો રજૂ કર્યો. કેટલાક લોકોએ ઝોળી ઊંચકી રાખી, તો અન્ય લોકોએ ધસમસતા પાણીમાં સંતુલન જળવાઈ રહે તે માટે સહયોગ આપ્યો. ભારે જોખમ વચ્ચે મહિલાને કોઝવે પાર કરાવી સારવાર માટે હોસ્પિટલ સુધી પહોંચાડવામાં આવી હતી. સમગ્ર ઘટનાના વીડિયો અને તસવીરો સામે આવતા લોકો ગામલોકોની હિંમત અને સેવાભાવને બિરદાવી રહ્યા છે. સાથે જ આ ઘટનાએ વરસાદી મોસમ દરમિયાન ગ્રામ્ય વિસ્તારોમાં ઇમરજન્સી સેવાઓ કેવી રીતે પ્રભાવિત થાય છે તે મુદ્દે પણ ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. ગ્રામજનોમાં તંત્ર સામે રોષ જોવા મળ્યો છે.

(3:39 PM IST)