<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 30th September 2026

સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાના PROનું રાજીનામુ

કમિશ્‍નર અને ચેરમેનો સાથે આંતરિક વિખવાદના પગલે સંજયસિંહ ચાવડાએ પદ છોડી દીધુ

(ફૈઝલ ચૌહાણ દ્વારા) વઢવાણઃ તા.૩૦, સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલા આંતરિક વિખવાદે હવે ગંભીર સ્‍વરૂપ ધારણ કર્યું છે. મહાનગરપાલિકાના જનસંપર્ક અધિકારી તરીકે ફરજ બજાવતા સંજયસિંહ ચાવડાએ પોતાના પદ પરથી રાજીનામું આપી દેતા સમગ્ર તંત્રમાં ખળભળાટ મચી ગયો છે. 

પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકા બન્‍યા બાદ વહીવટી કામગીરીમાં અનેક પ્રકારની અડચણો ઉભી થઈ રહી છે. કર્મચારીઓ અને અધિકારીઓ પર સતત માનસિક દબાણ લાવવામાં આવી રહ્યું હોવાની ફરિયાદો છેલ્લા ઘણા સમયથી ઉઠી રહી હતી. ખાસ કરીને કમિશનર કચેરી અને વિવિધ સમિતિઓના  સંકલનના અભાવે વહીવટ ખોરવાયો છે. નાના કર્મચારીથી લઈને અધિકારી કક્ષા સુધીના લોકો પોતાની વ્‍યથા ખુલીને વ્‍યક્‍ત કરી શકતા નથી, પરંતુ અંદરખાને ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે.

PRO સંજયસિંહ ચાવડા મહાનગરપાલિકાના ખૂબ જ જૂના અને અનુભવી કર્મચારી ગણાય છે. તેઓ નગરપાલિકા સમયથી જનસંપર્કની કામગીરી સંભાળતા હતા. તેમની કામગીરી હંમેશા વિવાદોથી દૂર અને વહીવટને મદદરૂપ રહી છે. મીડિયા સાથે સંકલન, સરકારી કાર્યક્રમોનું આયોજન, અને મહાનગરપાલિકાની કામગીરીને લોકો સુધી પહોંચાડવામાં તેમની ભૂમિકા મહત્‍વની રહી છે. આવા સંજોગોમાં તેમનું અચાનક રાજીનામું અનેક સવાલો ઉભા કરે છે.

સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા કેટલાક મહિનાઓથી તેમને કામગીરીમાં સતત અડચણ પહોંચાડવામાં આવી રહી હતી. તેમની પાસેથી મહત્‍વની ફાઈલો લઈ લેવામાં આવી હતી. મહત્‍વના નિર્ણયોમાં તેમને સામેલ કરવામાં આવતા ન હતા. ઉપરાંત  અપમાનિત કરવામાં આવતા હોવાની પણ વાત સામે આવી છે. આ માનસિક ત્રાસથી કંટાળીને આખરે તેમણે રાજીનામું ધરી દીધું હોવાનું કહેવાય છે.

આ ઘટના બાદ મહાનગરપાલિકાના અન્‍ય કર્મચારીઓમાં પણ ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. અનેક કર્મચારીઓએ નામ ન આપવાની શરતે જણાવ્‍યું હતું કે, હાલ મહાનગરપાલિકામાં કોઈપણ કર્મચારી સુરક્ષિત નથી. કોઈપણ નાની બાબતે નોટિસ આપવી, ખુલાસો માંગવો, અને માનસિક રીતે હેરાન કરવા જેવી પ્રવળત્તિઓ સામાન્‍ય બની ગઈ છે. વહીવટી અધિકારીઓ અને ચૂંટાયેલા પદાધિકારીઓ વચ્‍ચેની ખેંચતાણનો ભોગ કર્મચારીઓ બની રહ્યા છે.

બીજી તરફ આ રાજીનામાને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા શરૂ થઈ છે. વિરોધ પક્ષે આ મુદ્દાને લઈને મહાનગરપાલિકાના શાસકો પર પ્રહારો કર્યા છે. તેમનું કહેવું છે કે, જે મહાનગરપાલિકા પોતાના કર્મચારીઓને સાચવી શકતી નથી તે શહેરના લોકોને શું સુવિધા આપશે. ભાજપ શાસિત મહાનગરપાલિકામાં આંતરિક જૂથબંધી ખુલીને સામે આવી છે.

જોકે આ સમગ્ર મામલે હજુ સુધી મહાનગરપાલિકાના કમિશનર કે મેયર દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્‍યું નથી. PRO સંજયસિંહ ચાવડાએ પણ મીડિયા સમક્ષ ખુલીને કંઈ કહેવાનું ટાળ્‍યું છે. પરંતુ તેમની નજીકના સૂત્રો જણાવે છે કે તેઓ છેલ્લા ઘણા સમયથી માનસિક તણાવમાં હતા અને અનેક વખત ઉચ્‍ચ અધિકારીઓને રજૂઆત પણ કરી હતી. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા અંતે રાજીનામું આપવાની ફરજ પડી હતી.

આ ઘટના સુરેન્‍દ્રનગર મહાનગરપાલિકાની કાર્યપદ્ધતિ સામે અનેક સવાલો ઉભા કરે છે. નવી બનેલી મહાનગરપાલિકા પાસે લોકોને અનેક અપેક્ષાઓ છે. શહેરમાં રોડ, પાણી, ગટર, સફાઈ જેવા પ્રાથમિક પ્રશ્‍નો હજુ પણ યથાવત છે. ત્‍યારે વિકાસના કામોને અસર થવાની ભીતિ સેવાઈ રહી છે.

હાલ તો PROના રાજીનામાને પગલે મહાનગરપાલિકામાં ચર્ચાનો વિષય બન્‍યો છે અને આગામી દિવસોમાં અન્‍ય કર્મચારીઓ પણ આવા પગલા ભરે તેવી શકયતા નકારી શકાતી નથી. જો તંત્ર દ્વારા સમયસર ધ્‍યાન આપવામાં નહીં આવે તો પરિસ્‍થિતિ વધુ વણસી શકે છે.

(10:55 AM IST)