તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 3rd October 2026
સુંદરપરા ટોલનાકાનો વિવાદ વકર્યોઃ મેનેજર-સુપરવાઇઝર ઉપર ૧પ શખ્સોનો હૂમલોઃ કારમાંથી ઉતારી પછાડી દીધા!!

(રામસિંહ મોરી) સુત્રાપાડા તા. ૩ :.. સુત્રાપાડા તાલુકામાં સુંદરપરા ટોલનાકા સાથે જોડાયેલા ટોલટેક્સના વિવાદે હિંસક સ્વરૂપ ધારણ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ટોલનાકાના મેનેજર અને સુપરવાઇઝર સૂત્રાપાડા પોલીસ સ્ટેશનમાં અગાઉની ફરિયાદ નોંધાવી પરત સુંદરપરા ટોલનાકા જઈ રહ્યા હતા ત્યારે બીજ ગામના પાટિયા નજીક દ્વારકેશ હોટલ બાદના માર્ગ પર ત્રણ ફોરવ્હીલ કારમાં આવેલા આશરે ૧૫ શખ્સોએ તેમની કારને આંતરી લાકડીઓ, ધોકા, લોખંડના પાઈપ અને છરી જેવા હથિયારો વડે હુમલો કર્યો હોવાની ફરિયાદ નોંધાઈ છે.
હુમલામાં મેનેજર રાજેશભાઈ મરંડઅને સુપરવાઈઝર ક્મલેશભાઈ જોટવાને માર મારવામાં આવ્યો હતો, જ્યારે કારના કાચ સહિતના ભાગોમાં પણ નુકસાન થયું હતું. ફરિયાદ મુજબ, સુંદરપરા ટોલ પ્લાઝાના મેનેજર રાજેશભાઈ શાંતીલાલ મરંડ (ઉ.વ.૨૫) અને સુપરવાઈઝર ક્મલેશભાઈ કાનાભાઈ જોટવા તા. ૦૧/૧૦/૨૦૨૬ના રોજ રાત્રિના આશરે નવેક વાગ્યે મ કાર (જીજે-૧૨-એફએ-૧૦૮૮)માં સુત્રાપાડા પોલીસ સ્ટેશન ખાતે ટોલનાકા પર બનેલી અગાઉની ઘટનાની ફરિયાદ નોંધાવી પરત જઈ રહ્યા હતા.
કાર સુપરવાઈઝર ક્મલેશભાઈ ચલાવતા હતા, જ્યારે મેનેજર રાજેશભાઈ તેમની બાજુમાં બેઠા હતા. દરમિયાન બીજ ગામના પાટિયા પહેલાં દ્વારકેશ હોટલ બાદના રસ્તા પર સામેથી આવેલી કાળા રંગની સ્કોર્પિયો, સફેદ અર્ટિગા અને સફેદ બ્રેઝા સહિતની ત્રણ કાર તેમની કારની આડે ઊભી રાખી હતી. ત્યારબાદ ત્રણેય કારમાંથી આશરે ૧૫ જેટલા શખ્સો લાકડીઓ, ધોકા, લોખંડના પાઈપ અને છરી જેવા હથિયારો સાથે નીચે ઉતરી આવ્યા હતા અને બંનેની કારને ઘેરી લઈ કાચ પર હથિયારોના ઘા મારી કાચ તોડી નાખ્યા હતા.
ફરિયાદમાં જણાવ્યા મુજબ, કારની હેડલાઈટના પ્રકાશમાં હુમલાખોરોમાં જગમાલભાઈ વાળા, આશુતોષ દિલીપભાઈ ડાયાભાઈ જેઠવા, મિલનભાઈ માલદેભાઈ વાળા, મહેશભાઈ પીઠીયો અને કિશનભાઈ પરબતભાઈ વાળાને ઓળખી શકાયા હતા. આ પૈકી કેટલાકના હાથમાં લાકડાના ધોકા, લોખંડના પાઈપ અને છરી હોવાનું ફરિયાદીએ જણાવ્યું છે. અન્ય આશરે દસ શખ્સો પણ લાકડીઓ સાથે હાજર હતા.
હુમલાખોરોએ ‘જગમાલભાઈ વાળા વિરુદ્ધ ન્યૂઝમાં કેમ આપ્યું અને તેમના માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કેમ કરી? તેમ કહી મેનેજર તથા સુપરવાઈઝરને કારમાંથી નીચે ઉતારી રોડ પર પછાડી દીધા હતા. ત્યારબાદ બંનેને ગાળો આપી હથિયારો વડે માર મારવામાં આવ્યો હતો. આ દરમિયાન આશુતોષ વાળાએ લાકડાના ધોકા વડે મેનેજરના માથા પર ઘા મારવાનો પ્રયાસ કરતાં તેમણે ડાબો હાથ આડો ધર્યો હતો, જેના કારણે હાથના પોચા અને આંગળીઓના ભાગે ઈજાઓ પહોંચી હતી.
આ ઉપરાંત બંને પગમાં ઘૂંટણથી નીચે, ડાબા હાથ, કાંડા, અંગૂઠા અને શરીરના અન્ય ભાગોમાં પણ ઈજાઓ થઈ હોવાનું ફરિયાદમાં જણાવાયું છે.હુમલા દરમિયાન સુપરવાઈઝર કમલેશભાઈએ બૂમાબૂમ કરતાં જાહેર માર્ગ પરથી પસાર થતાં વાહનોના કારણે લોકો એકત્ર થતા હુમલાખોરો વધુ માર માર્યા વગર પોતાની ત્રણેય કારમાં બેસી ફરાર થઈ ગયા હતા.
આ ઉપરાંત શિવમ ટ્રાન્સપોર્ટના પ્રોપ્રાઈટર જગમાલભાઈ વાળા વિરુદ્ધ ન્યૂઝમાં અહેવાલ આપવાના અને તેમના માણસો વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરવાના મનદુઃખને કારણે હુમલો કરાયો હોવાનો ફરિયાદીએ આક્ષેપ કર્યો છે.
આ સમગ્ર મામલે રાજેશભાઈ મરંડ આહિરે આશુતોષ જગમાલભાઈ વાળા, દિલીપભાઈ ડાયાભાઈ જેઠવા, મિલનભાઈ માલદેભાઈ વાળા, મહેશભાઈ પીઠીયા, કિશનભાઈ પરબતભાઈ વાળા સહિત અન્ય અજાણ્યા દસ શખ્સો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવી છે. જાહેર માર્ગ પર હથિયારો સાથે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની આ ઘટનાને પગલે ટોલનાકા સાથે જોડાયેલા વિવાદમાં હવે પોલીસ તપાસ હાથ ધરી હતી.
(10:55 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
