<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 20th April 2026

જસદણ-વિંછીયા તાલુકામાં ઉમેદવારો માટે ઉનાળાનો તાપ બન્‍યો વિલન

‘રાત થોડી ને વેશ ઝાઝા' જેવી સ્‍થિતિ વચ્‍ચે સેવકો દિવસ-રાત ફોન ધણધણાવી રહ્યા છેઃ મતદારો માણી રહ્યા છે ‘તાવડા-તાવા પાર્ટી'ની મોજ, ચૂંટણીને એક સપ્તાહ બાકી

જસદણ, તા.૧૯: જસદણ-વિંછીયા તાલુકામાં સ્‍થાનિક સ્‍વરાજની ચૂંટણી અંગે જોરશોરથી પ્રચાર-પ્રસાર થઈ રહ્યો છે. ગામડે ગામડે ઉમેદવારો અને કાર્યકરો ડોર ટુ ડોર ફરી રહ્યા છે. જો કે કામ અંગે વાંઝિયા બળાપા કાઢતા કેટલાક મતદારો હાલ ‘તાવડા અને તાવા પાર્ટી'ની અનોખી મોજ માણી રહ્યાં છે. અમુક મતદારો તો ચૂંટણી લડતાં સેવકોની એટલા બધાં નજીક ગયા છે કે તેમને ચૂંટણી એ જ ધંધો બની ગયો હોય એવું ચિત્ર ઉપસ્‍યું છે.

આ વચ્‍ચે ગામડે ગામડે જવા માટે સેવકોને ઉનાળાનો તાપ હાલ તો વિલન બની રહ્યો છે. આકરા તાપને કારણે ઉમેદવારોને પ્રચાર માટે મતદારોને મળવા વહેલી સવારે અથવા સાંજે-રાત્રિના સમયે જ જવું પડી રહ્યું છે. ‘રાત થોડી ને વેશ ઝાઝા' જેવી સ્‍થિતિ વચ્‍ચે ઉમેદવારો માટે તાપ વિલન બન્‍યો છે.

હાલ સેવકો સેવા માટે રાત-દિવસ એટલા બધા ફોન ધણાવી રહ્યાં છે કે તેમના મોબાઈલની બેટરી દિવસમાં બે વાર ચાર્જ કરવી પડી રહી છે. ચૂંટણીને હવે એક અઠવાડિયાની જ વાર બાકી છે ત્‍યારે મતદારો કયાં સેવક પર કળશ ઢોળે છે તે અગત્‍યની બાબત બનશે.

(11:02 AM IST)