તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 8th July 2026
મોરબી જિલ્લામાં બાળ મજૂરી નાબૂદી ઝુંબેશ હેઠળ ૦૬ સ્થળોએ આકસ્મિક રેઇડ : ૦૫ તરુણ શ્રમિકોને મુક્ત કરાવાયા.
મહેન્દ્રનગર વિસ્તારમાંથી બે, ટંકારા વિસ્તારમાંથી બે અને લજાઈ વિસ્તારમાંથી એક મળી કુલ ૦૫ તરુણ શ્રમયોગીઓને બાળ મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવ્યા

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી : વિશ્વ બાળ મજૂરી નાબૂદી દિવસ અન્વયે મોરબી જિલ્લા કલેક્ટરના માર્ગદર્શન હેઠળ સમગ્ર જૂન માસ દરમિયાન બાળ અને તરુણ શ્રમિક પ્રથા નાબૂદી માટે વિશેષ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. આ સઘન ઝુંબેશ અંતર્ગત ટાસ્ક ફોર્સ દ્વારા જિલ્લાના ૦૬ શંકાસ્પદ સ્થળોએ આકસ્મિક રેઇડ પાડીને કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવી હતી.
આ સફળ ઓપરેશન દરમિયાન મહેન્દ્રનગર વિસ્તારમાંથી બે, ટંકારા વિસ્તારમાંથી બે અને લજાઈ વિસ્તારમાંથી એક મળી કુલ ૦૫ તરુણ શ્રમયોગીઓને બાળ મજૂરીના દૂષણમાંથી મુક્ત કરાવાયા હતા અને સંબંધિત નિયમભંગ કરનાર સંસ્થાઓ વિરૂદ્ધ કાયદાકીય તપાસનોંધ પસાર કરવામાં આવી છે. આ તપાસનોંધની નિયત સમયમર્યાદામાં પૂર્તતા કરવામાં નહીં આવે તો તે તમામ સંસ્થાઓ વિરૂદ્ધ નામદાર અદાલતમાં ફોજદારી કેસ દાખલ કરવાની તજવીજ હાથ ધરાશે.
કાયદાકીય અમલીકરણની સાથે સામાજિક ચેતના જગાડવાના હેતુથી મોરબી બસ સ્ટેશન ખાતે એક વિશેષ જનજાગૃતિ કાર્યક્રમ પણ યોજવામાં આવ્યો હતો. રેઇડ અને પેટ્રોલિંગ દરમિયાન જિલ્લાના હોટલ, ઢાબા અને ઔદ્યોગિક એકમોના સંચાલકોને પોતાના એકમોમાં કોઈપણ બાળ કે તરુણ શ્રમિકને કામે ન રાખવા કડક સૂચના આપવામાં આવી છે.
(12:42 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
