<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

ભુજ બહુમાળી ભવનમાં ACB PI જે.જે.ચૌધરીની સફળ ટ્રેપ : સમાજ કલ્યાણ નિરીક્ષક આસિફ કુરેશી અને કાનજી ભટ્ટી રૂ. ૪,૦૦૦ની લાંચ લેતા રંગેહાથ ઝડપાયા

પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજનાની સહાયના હપ્તા જમા કરાવવાના બહાને કરાર આધારિત કર્મચારીઓએ માંગી હતી લાંચ : ભુજ એ.સી.બી.એ નાણાં રિકવર કરી બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરી

ભુજ: ભુજ સ્થિત સમાજ કલ્યાણ અધિકારીની કચેરી (વિકસતી જાતિ) માં કરાર આધારિત ફરજ બજાવતા બે સમાજ કલ્યાણ નિરીક્ષકો મકાન સહાયના હપ્તા જમા કરાવી આપવાના બદલામાં રૂ. ૪,૦૦૦ ની લાંચ લેતા એન્ટિ કરપ્શન બ્યુરો (એ.સી.બી.) ના છટકામાં રંગેહાથ ઝડપાઈ ગયા છે.

આ કેસની વિગતો અનુસાર, ફરિયાદી જાગૃત નાગરિકને 'પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના' હેઠળ મકાન મંજૂર થયું હતું. આ યોજના અંતર્ગત મળવાપાત્ર સહાયના અલગ-અલગ હપ્તા ફરિયાદીના ખાતામાં જમા કરાવી આપવાના બદલામાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરી (વિકસતી જાતિ), ભુજ-કચ્છ ખાતે કરાર આધારિત સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ/સ્કોલરશિપ) તરીકે નોકરી કરતા આરોપી નંબર ૧ આસિફ મુસ્તાફા કુરેશી (ઉ.વ. ૨૮) તથા આરોપી નંબર ૨ કાનજી અરવિંદભાઈ ભટ્ટી (ઉ.વ. ૩૨) નાઓએ ફરિયાદી પાસે રૂ. ૪,૦૦૦ ની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી.

ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે ભુજ એ.સી.બી. પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે તા. ૦૩/૧૦/૨૦૨૬ ના રોજ ભુજ એ.સી.બી. પોલીસ સ્ટેશનના ટ્રેપિંગ અધિકારી પોલીસ ઇન્સપેક્ટર જે.જે.ચૌધરી તથા તેમના સ્ટાફ દ્વારા ભુજ ખાતે આવેલા બહુમાળી ભવનમાં લાંચનું છટકું ગોઠવવામાં આવ્યું હતું.

આ લાંચના છટકા દરમિયાન બંને આરોપીઓએ ફરિયાદી પાસેથી લાંચ પેટે રૂ. ૪,૦૦૦ ની રકમ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને સ્થળ પર જ પકડી પાડ્યા હતા. એ.સી.બી.એ સ્વીકારેલી લાંચની પૂરેપૂરી રૂ. ૪,૦૦૦ ની રકમ રિકવર કરી લીધી છે. બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી ગુનો આચર્યો હોવાથી ભુજ એ.સી.બી. પી.આઈ. જે.જે.ચૌધરી અને તેમની ટીમે બંને વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(7:35 PM IST)