તા. ૨૪ એપ્રિલ ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ વૈશાખ સુદ – ૮ શુક્રવાર
News of Friday, 3rd July 2026
ખંભાળિયા સિવિલ હોસ્પિટલના ડો.ઉત્સવ પડિયાની સફળ સર્જરીઃ ગંભીર આંખની ઇજા બાદ ૬ વર્ષના બાળકની આંખ બચાવવા નોંધપાત્ર સફળતા
વિંજલપરના ૬ વર્ષીય મિલન ચૌહાણને રમતી વખતે આંખમાં લાકડી વાગતાં જમણી આંખનો આગળનો ભાગ (કોર્નિયા) સંપૂર્ણપણે ચિરાઈ જતા દેખાવું સંપૂર્ણપણે બંધ થઈ ગયું હતું

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા, તા.૩: ખંભાળીયાના વિંજલપરના ૬ વર્ષના બાળકને તાત્કાલિક સારવાર માટે ખંભાળિયા સિવિલ હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યો હતો. બાળકની ગંભીર સ્થિતિને ધ્યાનમાં રાખીને સિવિલ હોસ્પિટલના આંખના સર્જન ડૉ.ઉત્સવ પડિયા અને તેમની ટીમે કોઈપણ વિલંબ કર્યા વિના જરૂરી સારવાર શરૂ કરી હતી તથા સર્જરી માટે તમામ જરૂરી તૈયારીઓ હાથ ધરી હતી.
આંખની ઇજા અત્યંત ગંભીર અને જટિલ હોવાથી રવિવારે સવારે સર્જરી કરવામાં આવી હતી. સર્જરી પહેલાં વાલીઓને ઇજાની ગંભીરતા અંગે સંપૂર્ણ માહિતી આપવામાં આવી હતી અને આવી પરિસ્થિતિમાં સર્જરી બાદ દ્રષ્ટિ કેટલી હદ સુધી પુનઃપ્રાપ્ત થશે તે અંગે અગાઉથી કોઈ ખાતરી આપી શકાતી નથી તેવી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.
ડૉ.ઉત્સવ પડિયા અને તેમની ટીમે ૬ વર્ષના મિલન ચૌહાણની સફળતાપૂર્વક જટિલ સર્જરી પૂર્ણ કરી હતી. સર્જરી બાદ બાળકની આંખની સ્થિતિમાં સંતોષકારક સુધારો નોંધાયો છે અને તેને ફરીથી દેખાવાનું શરૂ થયું હોવાનું જાણવા મળ્યું છે. હાલ બાળક તબીબી દેખરેખ હેઠળ સ્વસ્થ થઈ રહ્યો છે.
બાળકના પિતાએ હોસ્પિટલના તબીબી સ્ટાફ અને ડૉ.ઉત્સવ પડિયાનો આભાર વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે તેઓ સામાન્ય શ્રમિક પરિવાર સાથે સંકળાયેલા છે અને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવવી તેમના માટે શકય નહોતી. સરકારી હોસ્પિટલમાં સમયસર સારવાર, યોગ્ય માર્ગદર્શન અને સતત દેખરેખ મળતાં તેમના બાળકને યોગ્ય સારવાર મળી શકી, જેના માટે તેઓ સમગ્ર તબીબી ટીમના ઋણી છે.
બાળકો રમતી વખતે આંખમાં કોઈપણ પ્રકારની ગંભીર ઇજા થાય તો ઘરગથ્થુ ઉપચાર કરવાનો પ્રયાસ ન કરવો અને સમય ગુમાવ્યા વિના તાત્કાલિક આંખના નિષ્ણાતનો સંપર્ક કરવો જોઈએ. આંખની ગંભીર ઇજાઓમાં સમયસર મળતી યોગ્ય સારવાર આંખ તથા દ્રષ્ટિ બચાવવાની શકયતા વધારવામાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
(12:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
