<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 16th September 2026

કેશોદ પંથકમાં ‘રોજડા'ના બચ્‍ચાનું સફળ રેસ્‍કયુ

રાઉન્‍ડ ફોરેસ્‍ટર કે.એમ. રાઠોડની ટીમ લખમણભાઇની વાડીએ દોડી ગઇ

 

 

રાજકોટ તા.૧૬: જૂનાગઢ જિલ્લાના કેશોદ તાલુકાના નુનાડા ગામની સીમમાં એક હૃદયસ્‍પર્શી ઘટના બની હતી. ગામના ખેડૂત લખમણભાઈ અર્જુનભાઈ પિઠીયા પોતાની વાડીએ કામ કરી રહ્યા હતા ત્‍યારે ખેતરની વચ્‍ચે એક નાનું રોઝડાનું બચ્‍ચું ભૂલું પડીને ડરના માર્યા સંતાયેલું જોવા મળ્‍યું હતું. ખેડૂતે માનવતા દાખવી તરત જ તેને પકડવાનો કે ડરાવવાનો પ્રયાસ ન કરતા સીધો જ કેશોદ વન વિભાગને જાણ કરી હતી. જાણ થતા જ કેશોદ રેન્‍જના રાઉન્‍ડ ફોરેસ્‍ટર કે. એમ. રાઠોડ પોતાની રેસ્‍કયુ ટીમ સાથે તાત્‍કાલિક નુનાડા ગામે દોડી આવ્‍યા હતા. સ્‍થળ પર પહોંચીને ટીમે જોયું તો રોઝડાનું બચ્‍ચુ ખૂબ જ ડરેલું અને થાકેલું હતું. સંભવતઃ રાત્રિના સમયે મા થી વિખૂટું પડી ગયું હોવાનું અનુમાન છે. વન વિભાગની ટીમે ખૂબ જ સાવચેતીપૂર્વક, બચ્‍ચાને કોઈ ઈજા ન પહોંચે તે રીતે તેનું રેસ્‍કયુ કર્યું હતું. પ્રાથમિક તપાસ કરતા બચ્‍ચું સંપૂર્ણ સ્‍વસ્‍થ જણાયું હતું. આ સમગ્ર રેસ્‍કયુ ઓપરેશન દરમિયાન ગામના જાગળત યુવાનો ભરતભાઈ બારીયા,બાવનભાઈ પિઠીયા અને રામદેવભાઈ પિઠીયાએ વન વિભાગને પૂરતો સહકાર આપ્‍યો હતો. બાદમાં વન વિભાગ દ્વારા નાનું રોઝડાના બચ્‍ચાને તેના કુદરતી રહેઠાણમાં, તેની માતા પાસે પરત મૂકવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી હતી જેથી તે ફરીથી જંગલમાં સુરક્ષિત રીતે રહી શકે.નુનાડા ગામના લોકોએ વન વિભાગની આ ત્‍વરિત અને સંવેદનશીલ કામગીરીને બિરદાવી હતી.(ભરતભાઈ બારીયા મો.નં.૯૯૨૪૯ ૯૨૭૬૫).

(1:13 PM IST)