તા. ૧૨ ફેબ્રુઆરી ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ મહા વદ – ૧૦ ગુરૂવાર
News of Thursday, 22nd October 2026
પોરબંદર મહાનગરપાલિકા દ્વારા માલિકીના રખડતા પશુને પકડવાની ઝુંબેશઃ રપ ગાયો પકડાઇ
એક માલિકે ચાર્જ ભરીને પકડાયેલ ગાય છોડાવીઃ રખડતા પશુઓને લીધે વાહન ચાલકો અને રાહદારીઓને હેરાનગતિઃ અકસ્માતનો ભય

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા. રરઃ રખડતાં માલિકીનાં પશુઓ સામે મહાનગરપાલિકાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે આ ઝુંબેશમાં ત્રણ દિવસમાં ૨૫ ગાયો પકડાઈ હતી.
મહાનગરપાલિકાની એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખા દ્વારા પશુ પકડવાની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. મેયર શ્રી સાગરભાઈ મોદી અને મ્યુનિસિપલ કમિશનર શ્રી ટી.સી. તીરથાણીના માર્ગદર્શન હેઠળ હાથ ધરાયેલી આ કામગીરીમાં તા. ૧૭ મીએ ૧૩ ગાયો, તા. ૧૯ ના રોજ ૬ ગાયો અને તા. ૨૧ ના રોજ વધુ ૬ ગાયો પકડવામાં આવી હતી. ત્રણ દિવસ દરમિયાન કુલ ૨૫ માલિકીનાં પશુઓને પકડી ઓડદર ગૌશાળા ખાતે ખસેડવામાં આવ્યાં છે.
મહાનગરપાલિકા દ્વારા પશુ નોંધણીની મુદત પૂર્ણ થયા બાદ પણ જાહેર માર્ગો પર રખડતાં માલિકીનાં પશુઓ સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. પકડવામાં આવેલાં પશુઓને ઓડદર ગૌશાળા ખાતે રાખવાની વ્યવસ્થા કરવામાં આવી છે, જ્યાં તેમને જરૂરી સારવાર અને સંભાળ રાખવામાં આવે છે.
અત્યાર સુધીમાં ચાર પશુમાલિકો પોતાના પશુઓને છોડાવવા માટે મહાનગરપાલિકાની એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાનો સંપર્ક કરી ચૂકયા છે, જેમાંથી એક પશુમાલિકે નિયત ચાર્જ ભરી પોતાની ગાયને છોડાવવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. એનિમલ ન્યુસન્સ કંટ્રોલ શાખાના અધિકારી દિલાવર સાટીના જણાવ્યા મુજબ, જાહેર માર્ગો પર માલિકીનાં પશુઓને રખડતાં છોડી મૂકનાર પશુમાલિકો સામે નિયમોનુસાર દંડનીય કાર્યવાહી કરવામાં આવે છે. પશુ પકડવા અને સંબંધિત કાર્યવાહી પેટે રૂ. ૩,૦૦૦નો ચાર્જ વસૂલવામાં આવે છે. આ ઉપરાંત પશુને ગૌશાળામાં રાખવામાં આવે ત્યાં સુધી નિભાવ અને વહીવટી ખર્ચ પેટે દરરોજના રૂ. ૧,૦૦૦ વધારાના ચૂકવવાના રહે છે.
પશુમાલિક જેટલા વધુ દિવસ બાદ પશુ છોડાવવા આવશે, તેટલો નિભાવ ખર્ચ વધતો જશે. મહાનગરપાલિકા દ્વારા પશુમાલિકોને પોતાનાં પશુઓની નોંધણી કરાવવા, તેમની યોગ્ય સંભાળ રાખવા તથા જાહેર માર્ગો પર રખડતાં ન મૂકવા અપીલ કરવામાં આવી છે. જાહેર માર્ગો પર રખડતાં પશુઓને કારણે અકસ્માતની શકયતાઓ ઊભી થાય છે અને વાહનવ્યવહારને પણ અડચણ પહોંચે છે. નાગરિકોની સલામતી અને શહેરમાં વાહનવ્યવહાર સુગમ રહે તે હેતુથી મહાનગરપાલિકા દ્વારા પશુ પકડવાની કામગીરી આગામી દિવસોમાં પણ ચાલુ રાખવામાં આવશે. તેમ મહાનગરપાલિકા દ્વારા યાદીમાં જણાવાયું છે.
(1:14 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
