તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 28th October 2026
જામનગરની સરકારી ITI કોલેજમાં વિદ્યાર્થીઓ મૂળભૂત સુવિધાઓથી વંચિત: પીવાના પાણી અને વોશરૂમની અછતથી વિદ્યાર્થીઓમાં ભારે રોષ, ABVP મેદાને
પરીક્ષા ફી ભરવા દબાણ અને એડમિશન રદ કરવાની ધમકીના આક્ષેપ સાથે ABVP દ્વારા ITIના પ્રિન્સિપાલને ઉગ્ર રજૂઆત : ત્રણ દિવસમાં પ્રાથમિક સુવિધાઓ ઉપલબ્ધ નહીં થાય તો જામનગરમાં ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી - નગરમંત્રી રાજવીર ગઢવીની આગેવાનીમાં આવેદન

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.28 : જામનગરની સરકારી ITI સંસ્થામાં અભ્યાસ કરતા સેંકડો વિદ્યાર્થીઓને પીવાના શુદ્ધ પાણી અને વોશરૂમ જેવી અતિ પ્રાથમિક સુવિધાઓ પણ ન મળતી હોવાનો ગંભીર મુદ્દો સામે આવ્યો છે. આ બાબતે વિદ્યાર્થીઓની ફરિયાદો મળતા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ (ABVP) મેદાનમાં ઉતરી છે અને સંસ્થાના પ્રિન્સિપાલને લેખિત આવેદનપત્ર પાઠવીને તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી છે.
ABVP દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું છે કે, સંસ્થામાં પીવાના પાણીની યોગ્ય વ્યવસ્થા નથી, વોશરૂમની હાલત અત્યંત ખરાબ છે અને સ્વચ્છતાનો અભાવ છે. જેના કારણે ખાસ કરીને વિદ્યાર્થીનીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે.
આ ઉપરાંત આવેદનપત્રમાં વધુ એક ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે કે, વિદ્યાર્થીઓને પરીક્ષા ફી ભરવા માટે દબાણ કરવામાં આવે છે અને જો ફી ન ભરે તો એડમિશન રદ કરી દેવાની ધમકી આપવામાં આવે છે, જે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડાં સમાન છે.
આ તમામ પ્રશ્નોને લઈને ABVPએ તંત્રને ત્રણ દિવસનું અલ્ટીમેટમ આપ્યું છે. ત્રણ દિવસની અંદર પીવાના પાણી, વોશરૂમ અને અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં નહીં આવે અને વિદ્યાર્થીઓને ધમકાવવાની પ્રથા બંધ નહીં થાય તો ABVP દ્વારા ITI કેમ્પસમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
આ અંગે ABVPના જામનગર નગરમંત્રી રાજવીર ગઢવીએ જણાવ્યું હતું કે, "કૌશલ્ય વિકાસના નામે મોટી વાતો કરતી સરકારની ITIમાં જ જો વિદ્યાર્થીઓને પીવાનું પાણી ન મળતું હોય તો તે શરમજનક બાબત છે. વિદ્યાર્થીઓના હિત સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. તંત્રએ તાત્કાલિક અમારી માંગણીઓ સ્વીકારવી પડશે."
(2:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
