<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 19th October 2026

ભાવનગરમાં દિવાળી દરમિયાન ફટાકડા અંગે કડક નિયમો: રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી જ ફોડી શકાશે, જાહેરનામું બહાર પડ્યું

ભયજનક અને હાનિકારક પર્યાવરણ તેમજ ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફોડવા બાબતે દિશાનિર્દેશો

( વિપુલ હિરાણી દ્વારા ) ભાવનગર: નામદાર સુપ્રીમ કોર્ટ દ્વારા રીટ પીટીશનમાં આપવામાં આવેલા દિશાનિર્દેશો અનુસાર તા. ૮/૧૧/૨૦૨૬ના રોજ આવતા દિવાળીના તહેવાર તથા અન્ય તહેવારો નિમિત્તે જાહેર જનતાને ભયજનક અને હાનિકારક પર્યાવરણ તેમજ ધ્વનિ પ્રદૂષણની વિપરીત અસરથી રક્ષણ આપવા માટે ફટાકડાના ઉત્પાદન, વેચાણ તથા ફોડવા બાબતે દિશાનિર્દેશો કરવામાં આવ્યા છે.
તેના અમલીકરણ માટે તથા દિવાળીના તહેવારો દરમિયાન ફોડવામાં આવતા ફટાકડાના કારણે આગ અને અકસ્માતના બનાવો ન બને અને જાહેર જનતાની સલામતી જળવાઈ રહે તેમજ જાહેર જનતાને અગવડ ન પડે તે માટે ભાવનગર જિલ્લામાં ફટાકડાના ખરીદ, વેચાણ તથા ઉપયોગ ઉપર નિયંત્રણ મૂકવું જરૂરી જણાતાં ભાવનગરના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ એન.ડી. ગોવાણીએ મળેલી સત્તાની રૂએ ભાવનગર જિલ્લાની હદ વિસ્તારમાં કેટલાક કૃત્યોનું ચુસ્તપણે પાલન કરવા માટે જાહેરનામું બહાર પાડ્યું છે.
જાહેરનામા અનુસાર, દિવાળીના તહેવારો દરમિયાન રાત્રિના ૮:૦૦ થી ૧૦:૦૦ કલાક સુધી જ ફટાકડા ફોડી શકાશે. આ સમય મર્યાદા બહાર ફટાકડા ફોડવા પર પ્રતિબંધ રહેશે.
સીરીઝમાં જોડાયેલા ફટાકડા એટલે કે ફટાકડાની લુમથી મોટા પ્રમાણમાં હવા, અવાજ અને ઘન કચરાની સમસ્યા થતી હોવાથી તે રાખી શકાશે નહીં, ફોડી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં. હાનિકારક ધ્વનિ પ્રદૂષણ રોકવા માટે માત્ર PESO સંસ્થા દ્વારા અધિકૃત બનાવટવાળા અને માન્ય ધ્વનિ સ્તરવાળા જ ફટાકડા વેચી કે વાપરી શકાશે. PESO દ્વારા અધિકૃત કે માન્ય ફટાકડાના દરેક બોક્સ ઉપર “PESOની સૂચના પ્રમાણેનું” માર્કિંગ હોવું જરૂરી છે.
હોસ્પિટલ, નર્સિંગ હોમ, આરોગ્ય કેન્દ્રો, શૈક્ષણિક સંસ્થાઓ, ન્યાયાલયો અને ધાર્મિક સ્થળોની ૧૦૦ મીટરની ત્રિજ્યાના વિસ્તારને સાયલન્ટ ઝોન તરીકે ગણવામાં આવશે અને ત્યાં કોઈપણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં. કોઈપણ પ્રકારના વિદેશી ફટાકડા આયાત કરી શકાશે નહીં, રાખી શકાશે નહીં કે વેચાણ કરી શકાશે નહીં.
ઈ-કોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ, એમેઝોન સહિતની કોઈપણ ઈ-કોમર્સ વેબસાઈટ દ્વારા ફટાકડાના વેચાણ માટે ઓનલાઈન ઓર્ડર લઈ શકાશે નહીં કે ઓનલાઈન વેચાણ કરી શકાશે નહીં. લોકોને અગવડ ઊભી ન થાય અને કોઈપણ ભયજનક પરિસ્થિતિનું નિર્માણ ન થાય તે માટે ભાવનગર શહેરના બજારો, શેરીઓ, ગલીઓ, જાહેર રસ્તાઓ, પેટ્રોલપંપ, એલ.પી.જી. બોટલીંગ પ્લાન્ટ, એલ.પી.જી. ગેસના સ્ટોરેજ, અન્ય સળગી ઉઠે તેવા પદાર્થોનો સંગ્રહ કરેલા ગોદામો તથા હવાઈમથકની નજીક ફટાકડા ફોડી શકાશે નહીં.
કોઈપણ પ્રકારના સ્કાય લેન્ટર્ન એટલે કે ચાઈનીઝ તુક્કલ કે આતશબાજ બલૂનનું ઉત્પાદન તથા વેચાણ કરી શકાશે નહીં તેમજ કોઈપણ સ્થળે ઉડાડી શકાશે નહીં.
આ જાહેરનામાનો અમલ તા. ૦૪/૧૧/૨૦૨૬ થી તા. ૩૦/૧૧/૨૦૨૬ સુધી રહેશે. જાહેરનામાના અમલ તથા તેના ભંગ બદલ પગલાં લેવા અને ફોજદારી કામ માંડવા માટે હેડકોન્સ્ટેબલથી નીચેના ન હોય તેવા અધિકારીને અધિકૃત કરવામાં આવ્યા છે. જાહેરનામાનો ભંગ કે ઉલ્લંઘન કરનાર ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ની કલમ-૨૨૩ મુજબ શિક્ષાને પાત્ર થશે.

(7:28 PM IST)