<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 27th June 2026

જેતપુરના નવાગઢ વિસ્તારમાં રખડતા શ્વાનનો આતંક : ખાટલામાં સુતેલા બાળકને કરડી ઢસડી જવા પ્રયાસ કર્યો

ભયાનક દ્રશ્ય જોતાં બાળકના માતા-પિતા જીવના જોખમે તુરંત ત્યાં દોડી આવ્યા અને ભારે જહેમત બાદ માસૂમને શ્વાનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો

રાજકોટ જિલ્લાના જેતપુરના નવાગઢ વિસ્તારમાંથી રખડતા શ્વાનના આતંકની એક અત્યંત ચોંકાવનારી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. નવાગઢના ઇલાહી ચોક પાસે આવેલી માસ્તરવારી ગલીમાં પોતાના ઘર આંગણે ખાટલા પર સૂતેલા એક માસૂમ બાળક પર રખડતા શ્વાને અચાનક હિંસક હુમલો કર્યો હતો. શ્વાન એટલું હિંસક બન્યું હતું કે તે સૂતેલા બાળકને કરડીને જમીન પર ઢસડી જવાનો પ્રયાસ કરી રહ્યું હતું. આ ભયાનક દ્રશ્ય જોતાં જ બાળકના માતા-પિતા જીવના જોખમે તુરંત ત્યાં દોડી આવ્યા હતા અને ભારે જહેમત બાદ માસૂમને શ્વાનના ચુંગાલમાંથી મુક્ત કરાવ્યો હતો.

 

આ લોહિયાળ હુમલામાં 3 વર્ષના માસૂમ બાળક સાબ્બીર અલી જુણેજાને શરીરના અનેક ભાગો પર શ્વાને બચકાં ભરી લેતા તે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો હતો. લોહીલુહાણ હાલતમાં માસૂમ બાળકને પરિવારજનો દ્વારા તાત્કાલિક જેતપુરની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો, જ્યાં હાલ તેની સારવાર ચાલી રહી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારના રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ વ્યાપી ગયો છે. નાના બાળકોને ઘરની બહાર એકલા મુકવા અંગે પણ વાલીઓ હવે ચિંતાતુર બન્યા છે.

 

સ્થાનિક રહેવાસીઓના આક્ષેપ મુજબ, આ વિસ્તારમાં રખડતા શ્વાન કરડવાના બનાવોમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. વારંવાર રજૂઆતો કરવા છતાં અને આવી જોખમી ઘટનાઓ બનવા છતાં જેતપુર-નવાગઢ નગરપાલિકા તંત્ર ઘોર નિદ્રામાં હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે તંત્ર દ્વારા શ્વાન પકડવાની કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવતી નથી. પાલિકાની આ ઘોર બેદરકારી અને નિષ્ક્રિયતાને કારણે સ્થાનિક લોકોમાં ભારે રોષ ફેલાયો છે. લોકોએ આક્રોશ સાથે માગ કરી છે કે તંત્ર જાગે અને રખડતા શ્વાનોને પકડીને તાત્કાલિક પાંજરે પૂરવાની કામગીરી શરૂ કરે જેથી ભવિષ્યમાં કોઈ માસૂમનો જીવ ન જાય.

(2:09 PM IST)