તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Wednesday, 13th May 2026
જામનગર શહેરમાં તોફાની પવન અને ધૂળિયા વંટોળનો કહેર: લાલબંગલા-લીમડાલેન રોડ પર કોમર્શિયલ કોમ્પ્લેક્સનો વિશાળ પતરાનો શેડ ઉડી વીજ તાર અને ઝાડ ઉપર જોખમી રીતે લટક્યો, નાસભાગ મચી
35 થી 40 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાયેલા પવનથી વેપારીઓ અને વાહનચાલકોમાં ભારે ગભરાટ; ફાયર બ્રિગેડ, PGVCL અને પોલીસ તંત્ર ઘટનાસ્થળે પહોંચ્યું, સલામતી માટે વીજ પુરવઠો બંધ કરી માર્ગ પરની અવરજવર રોકાઈ, સદનસીબે કોઈ જાનહાનિ નહીં

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર, તા. 13 : જામનગર શહેરમાં આજે બપોર બાદ વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને તેજ પવન સાથે ધૂળિયાં વંટોળા ફૂંકાતા શહેરીજનો મુશ્કેલીમાં મુકાયા હતા. આ દરમિયાન લીમડાલેનથી લાલ બંગલા તરફ જતા માર્ગ પર આવેલા એક કોમર્શિયલ કોમ્પ્લેક્સ ખાતે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
પ્રતિ કલાક અંદાજે 35 થી 40 કિલોમીટરની ઝડપે ફૂંકાઈ રહેલા તોફાની પવનના કારણે કોમ્પ્લેક્સની છત ઉપર લગાવવામાં આવેલો વિશાળ પતરાનો શેડ અચાનક ઉડી ગયો હતો. ઉડી ગયેલો શેડ રસ્તાની વચ્ચે આવેલા વીજ તાર અને ઝાડ ઉપર જોખમી રીતે લટકી પડતાં વાહનચાલકો અને આસપાસના વેપારીઓમાં ભારે ગભરાટ ફેલાયો હતો.
ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, PGVCL તથા પોલીસ તંત્રની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સલામતીના ભાગરૂપે PGVCL દ્વારા તુરંત વીજ પુરવઠો બંધ કરવામાં આવ્યો હતો, જ્યારે પોલીસે માર્ગ પર અવરજવર નિયંત્રિત કરી સુરક્ષા વ્યવસ્થા ગોઠવી હતી અને માર્ગ બંધ કરાવ્યો હતો.
શેડ વીજ તાર અને ઝાડ ઉપર લટકતો હોવાથી સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ સર્જાયો હતો. જો કે, સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ કે ઈજા નોંધાઈ નહોતી. તંત્ર દ્વારા હાલ જોખમી બનેલા શેડને સલામત રીતે નીચે ઉતારવાની કામગીરી હાથ ધરવામાં આવી છે.
શહેરમાં અનેક વિસ્તારોમાં તેજ પવન અને ધૂળના વંટોળથી લોકો પરેશાન થયા હતા. તંત્ર દ્વારા નાગરિકોને આવા હવામાનમાં સાવચેત રહેવા અને બિનજરૂરી બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી છે.
(4:03 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
