તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 12th July 2026
મોરબીમાં રાજ્યમંત્રીના ભાઈ અને ખેડૂત આંદોલનના અગ્રણી કારુભાઈ અમૃતિયાના સ્ટોન ક્રશર પર ખાણ ખનીજ અને PGVCLની ટીમ ત્રાટકી : અચાનક ચેકિંગ હાથ ધરાતા ચર્ચાનો દોર શરૂ
ખેડૂત આંદોલનમાં તંત્ર સામે અવાજ ઉઠાવતા દબાણ લાવવાનો પ્રયાસ, પણ મારો વ્યવસાય સંપૂર્ણ કાયદેસર અને નીતિ સાથેનો છે તેથી હું ડરતો નથી - કારુભાઈ અમૃતિયા : ખાણ ખનીજ વિભાગે રૂટિન ચેકિંગ ગણાવ્યું

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી: મોરબીમાં ખેડૂત આંદોલન અને લોકપ્રશ્નો મુદ્દે છેલ્લા કેટલાક સમયથી તંત્ર સામે અવાજ ઉઠાવી રહેલા અગ્રણી અને રાજ્યમંત્રીના ભાઈ કારુભાઈ અમૃતિયાના ઉદ્યોગ પર અચાનક ખાણ ખનીજ વિભાગ અને પીજીવીસીએલની ટીમ દ્વારા સામૂહિક ચેકિંગ હાથ ધરવામાં આવતા મોરબીના રાજકારણ સહિતના ક્ષેત્રોમાં ભારે ચર્ચા જાગી છે અને અનેક તર્ક-વિતર્કો શરૂ થયા છે. તંત્ર દ્વારા મોરબીના ટીબડી પાટિયા પાસે આવેલા તેમના 'ડેલ્ટા સ્ટોન ક્રશર' કારખાને જઈને સઘન તપાસ હાથ ધરવામાં આવી હતી, જો કે ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ આ કોઈ ખાસ કાર્યવાહી નહીં પરંતુ માત્ર એક રૂટિન ચેકિંગ હોવાનો દાવો કર્યો છે.
આંદોલનમાં સત્યનો સાથ આપ્યો એટલે નિશાન બનાવાયો - કારુભાઈ અમૃતિયા:
તંત્રના આ અચાનક થયેલા ચેકિંગ અંગે પોતાના પ્રત્યાઘાતો આપતા કારુભાઈ અમૃતિયાએ જણાવ્યું હતું કે, તેઓ છેલ્લા કેટલાક સમયથી ખેડૂત આંદોલનમાં સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે અને તંત્ર વિરુદ્ધ વાણીવિલાસ તેમજ અવાજ ઉઠાવી રહ્યા છે. ખેડૂત આંદોલનમાં સત્યનો સાથ આપવાના કારણે જ તેમના પર આડકતરું દબાણ લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. તેમણે સખત શબ્દોમાં ઉમેર્યું કે આવા કોઈ પણ પ્રકારના દબાણ કે ચેકિંગથી તેઓ સહેજ પણ ડરવાના નથી, કારણ કે તેમનો વ્યવસાય સંપૂર્ણપણે કાયદેસર છે અને તેઓ નિયમિત રીતે તમામ રોયલ્ટી તથા ટેક્સ પ્રામાણિકતાથી ભરે છે.
ભલે ઇન્કમટેક્સ આવે, અમારો એક રૂપિયો પણ ખોટો નથી:
કારુભાઈ અમૃતિયાએ પોતાની નીતિ સ્પષ્ટ કરતા વધુમાં જણાવ્યું હતું કે, તેઓ એવો કોઈ ધંધો નથી કરતા જેનાથી દેશ કે કોઈ માણસને નુકસાન થાય, કે નથી ક્યારેય કોઈનો એક રૂપિયો પણ ખોટો લીધો. તેમણે પડકાર ફેંકતા કહ્યું કે ભલે ખાણ ખનીજ કે પીજીવીસીએલ સિવાય ઇન્કમટેક્સ વિભાગ પણ આવે, તો પણ તેમને કોઈ જ વાંધો નથી કારણ કે તેમનું બધું કામ ચોખ્ખું છે. તેઓ જ્યારે ધર્માદાના અને સેવાના કાર્યોમાં પથ્થર કે સામગ્રી ભરીને ટ્રેક્ટરો મોકલે છે, ત્યારે પણ તેની સરકારી રોયલ્ટી પોતાના ખિસ્સામાંથી કાયદેસર રીતે ચૂકવે છે.
બીજી તરફ, ઉદ્યોગ જગત અને રાજકીય વર્તુળોમાં આ રેડને લઈને ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે. સરકારી વિભાગો આને નિયમિત પ્રક્રિયા ગણાવી રહ્યા છે, જ્યારે ખેડૂત સંગઠનો આને આંદોલન દબાવવાનો એક પ્રયાસ ગણાવી રહ્યા છે.
(7:41 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
