તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 2nd August 2026
જામનગર શહેર માટે ૫૫૦ એમસીએફટી નર્મદાનું પાણી ફાળવવાના રાજ્ય સરકારના નિર્ણયને આવકાર : રણમલ તળાવને પણ જળસભર બનાવવા અપીલ
આજી-૩ જળાશયમાંથી છોડાયેલું પાણી તબક્કાવાર સસોઈ ડેમ સુધી પહોંચતાં પીવાના પાણીની સ્થિતિ મજબૂત બનશે : શહેરના ભૂગર્ભ જળસ્તર અને પર્યાવરણના હિતમાં ઐતિહાસિક તળાવમાં પાણી છોડવા એડવોકેટ શ્રેણિક મહેતાની માંગ

મુકુંદ બદીયાણી દ્વારા, જામનગર: રાજ્ય સરકાર દ્વારા સૌની (SAUNI) યોજના હેઠળ જામનગર શહેર માટે ૫૫૦ એમસીએફટી નર્મદાના પાણીની ફાળવણી કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણયના ભાગરૂપે આજી-૩ જળાશયમાંથી પાણી છોડવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. આ પાણી તબક્કાવાર વિવિધ જળાશયો મારફતે સસોઈ ડેમ સુધી પહોંચાડવામાં આવશે, જેના કારણે જામનગર શહેરના પીવાના પાણીના જથ્થામાં નોંધપાત્ર વધારો થશે અને આગામી સમયમાં શહેરની પાણી પુરવઠાની સ્થિતિ વધુ સુદૃઢ તેમજ મજબૂત બનશે.
જામનગર શહેરના નાગરિકો વતી એડવોકેટ શ્રેણિક મહેતા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ, નર્મદા જળસંપત્તિ વિભાગ, રાજ્ય સરકાર તથા સંબંધિત તમામ ઉચ્ચ અધિકારીઓનો હાર્દિક આભાર વ્યક્ત કરવામાં આવ્યો છે. તેમણે આ નિર્ણયને અત્યંત લોકહિતકારી અને સમયોચિત ગણાવ્યો હતો. આ સાથે જ જામનગર મહાનગરપાલિકાના કમિશનર દીપેશ કેડિયા (IAS), મેયર, શાસક પક્ષના હોદ્દેદારો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ તથા પાણી પુરવઠા વિભાગના તમામ અધિકારીઓ અને કર્મચારીઓના સાતત્યપૂર્ણ પ્રયાસોની સરાહના કરી આભાર માનવામાં આવ્યો હતો.
આ લોકહિતના પ્રસંગે રાજ્ય સરકાર અને જામનગર મહાનગરપાલિકા સમક્ષ એક વિશેષ અપીલ પણ કરવામાં આવી છે કે ઉપલબ્ધ કરાવાયેલા નર્મદાના પાણીમાંથી યોગ્ય માત્રામાં પાણી જામનગરના ઐતિહાસિક અને ગૌરવવંતાં રણમલ તળાવમાં પણ છોડવામાં આવે. રણમલ તળાવને જળસભર બનાવવાથી શહેરના ભૂગર્ભ જળસ્તરમાં સુધારો થશે, પર્યાવરણને મોટા પાયે લાભ મળશે, પક્ષીઓ તથા જળચર સૃષ્ટિ માટે સાનુકૂળ વાતાવરણ નિર્માણ પામશે તેમજ શહેરની કુદરતી સુંદરતા અને પર્યટન પ્રવૃત્તિઓને પણ વેગ મળશે. જામનગરના નાગરિકોને પૂર્ણ વિશ્વાસ છે કે તંત્ર અને સરકાર આ સકારાત્મક માંગણી પર યોગ્ય વિચારણા કરીને લોકહિતમાં રણમલ તળાવને ભરવા બાબતે ત્વરિત નિર્ણય લેશે.
(1:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
