<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 3rd October 2026

રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામજોધપુરની મહીડી વીડીની મુલાકાત લીધી

૪૯૫ હેક્ટરમાં ફેલાયેલી મહીડી વીડી ખાતે ઘાસના ઉત્પાદન, વિવિધ જાતો, ગુણવત્તા અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગ્રહ અંગે વન વિભાગના અધિકારીઓ પાસેથી મેળવી વિસ્તૃત માહિતી

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર:રાજ્યના વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકામાં આવેલી મહીડી વીડીની પ્રત્યક્ષ મુલાકાત લઈને સમગ્ર વિસ્તારની વર્તમાન સ્થિતિ તેમજ વન વિભાગ દ્વારા હાથ ધરાતી વિવિધ કામગીરીની વિસ્તૃત સમીક્ષા કરી હતી.
મંત્રી અર્જુન મોઢવાડિયાએ મહીડી વીડી ખાતે વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે ચર્ચા-વિચારણા કરી વિસ્તારમાં થતા ઘાસ ઉત્પાદન અંગેની સ્થળ પરથી જાણકારી મેળવી હતી. અધિકારીઓ દ્વારા મહીડી વીડીમાં ઉપલબ્ધ ઘાસની વિવિધ જાતો, તેના કુલ ઉત્પાદનનું પ્રમાણ, ઘાસની ગુણવત્તા તેમજ સ્થાનિક સ્તરે પશુધન માટે તેની ઉપયોગિતા અંગે મંત્રીને માહિતગાર કરવામાં આવ્યા હતા.

આ ઉપરાંત, વિસ્તારમાં થતા ઘાસના ઉત્પાદનને વધુ સુવ્યવસ્થિત રીતે જાળવવા તથા જરૂરિયાતના સમયે તેનો યોગ્ય અને સમયસર ઉપયોગ થઈ શકે તે હેતુથી ઘાસના સંગ્રહની કામગીરી અંગે પણ અધિકારીઓ સાથે ગંભીર ચર્ચા કરવામાં આવી હતી. મંત્રીએ ઘાસની ઉપલબ્ધતા, સંગ્રહ કરવાની પદ્ધતિઓ અને જાળવણી માટે રાખવામાં આવતી જરૂરી કાળજી સહિતના વિવિધ પાસાઓ વિશે માહિતી મેળવી હતી.

૪૯૫ હેક્ટરના વિશાળ વિસ્તારમાં ફેલાયેલી મહીડી વીડીની મુલાકાત દરમિયાન મંત્રીએ કુદરતી સંસાધનોના સંરક્ષણ તથા ઘાસના સંવર્ધન સાથે જોડાયેલા વિવિધ મુદ્દાઓ અંગે વિગતવાર માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. તેમણે ઉપલબ્ધ કુદરતી સંસાધનોનું સુચારૂ સંચાલન થાય અને સ્થાનિક જરૂરિયાતો મુજબ તેનો મહત્તમ ઉપયોગ થઈ શકે તે દિશામાં નક્કર કામગીરી કરવા નિર્દેશ આપ્યા હતા.

પશુધન માટે ઘાસની સતત ઉપલબ્ધતા જળવાઈ રહે તે માટે મહીડી વીડી જેવા વિસ્તારોમાં ઘાસનું સંવર્ધન અને વૈજ્ઞાનિક પદ્ધતિથી સંગ્રહ અત્યંત મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. મંત્રીની આ મુલાકાતથી સ્થળ પર જ જરૂરી સુચનો અને આયોજનની આપ-લે શક્ય બની હતી.

આ મુલાકાત વેળાએ જૂનાગઢ વર્તુળના વનસંરક્ષક મોહનરામ, નાયબ વન સંરક્ષક શ્રીમતી રાધિકા પરસાણા, વન વિભાગના અન્ય અધિકારીઓ તેમજ સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

(9:39 PM IST)