તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 25th October 2026
વડતાલ ખાતે યોજાયેલ શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારીમાં મોરબી જિલ્લાના શિક્ષકોના પડતર પ્રશ્નોની રજુઆત.
જૂની પેન્શન યોજના, SNA સ્પર્શની જટિલતા, શિષ્યવૃત્તિ પ્રક્રિયા સહિતના 14 જેટલા સળગતા પ્રશ્નો ઉકેલવા મોરબી એકમ દ્વારા કરાઈ ધારદાર રજૂઆત.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :'રાષ્ટ્ર કે હિત શિક્ષા, શિક્ષા કે હિતમેં શિક્ષક, શિક્ષક કે હિત મેં સમાજ' ના ધ્યેય સૂત્ર સાથે કાર્યરત અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા શિક્ષકોના પ્રશ્નો ઉકેલવા સતત પ્રયાસો કરવામાં આવે છે. જેના ભાગરૂપે તાજેતરમાં વડતાલ ખાતે શૈક્ષિક મહાસંઘની રાજ્ય કારોબારી બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં મોરબી જિલ્લા શૈક્ષિક મહાસંઘના કાર્યકર્તાઓ દ્વારા શાળા, બાળકો અને શિક્ષકોને મુંઝવતા 14 જેટલા પડતર પ્રશ્નો અંગે જોરદાર રજૂઆત કરી સરકાર સમક્ષ ઉકેલ લાવવા માંગ કરવામાં આવી હતી.
મોરબી જિલ્લા એકમ દ્વારા રાજ્ય કારોબારીમાં રજૂ કરાયેલા પ્રશ્નો
* જૂની પેન્શન યોજના: વર્ષ 2005 પછી ફરજ પર જોડાયેલા શિક્ષકોને જૂની પેન્શન યોજના લાગુ કરવી.
* સ્વૈચ્છિક બઢતી: HTAT મુખ્ય શિક્ષકમાં સિનિયર શિક્ષકોને બઢતીથી નિમણૂક સ્વૈચ્છિક કરવી.
* વિભાગ ફેરબદલી: ધોરણ 6 થી 8 માં ફરજ બજાવતા શિક્ષકોને નિમ્ર પ્રાથમિક વિભાગમાં પરત જવા માટેની તક આપવી.
* ગ્રેડ પે: ઉચ્ચતર પ્રાથમિક શાળાના શિક્ષકોને અલગથી 4200 ગ્રેડ પે આપવો.
* SNA સ્પર્શ પ્રક્રિયામાં સરળતા: એસ.એમ.સી. ગ્રાન્ટના ખર્ચ માટે SNA સ્પર્શની અત્યંત જટિલ પ્રક્રિયામાંથી મુક્તિ આપવી. હાલમાં નજીવી રકમના બિલ માટે પણ સર્વર ડાઉન હોવા છતાં કલાકો બગાડી, 10 થી 12 પેજની પ્રિન્ટ કાઢી આચાર્યોને 200 કિલોમીટર દૂર જિલ્લા કચેરીએ ધક્કા ખાવા પડે છે. લાંબી પ્રક્રિયાના કારણે દુકાનદારોને સમયસર પેમેન્ટ મળતું ન હોવાથી આચાર્યોને પોતાના ખિસ્સામાંથી પૈસા ચૂકવવા પડે છે. આ પ્રક્રિયા સંપૂર્ણ ઓનલાઈન અને સરળ બનાવવા ભારપૂર્વક રજૂઆત કરાઈ હતી.
શિષ્યવૃત્તિ દરખાસ્તમાં રાહત: શિષ્યવૃત્તિ માટે વિદ્યાર્થીના આધારકાર્ડની ફરજિયાત શરતને કારણે અનેક બાળકો વંચિત રહી જાય છે. એક જ વાલીના ત્રણ બાળકો હોય તો મોબાઈલ નંબરની મર્યાદા નડે છે. તેમજ આચાર્યના KYC માટે રેશનકાર્ડ/આધારકાર્ડ માંગવા જેવી જટિલ પ્રક્રિયાઓ રદ કરવી.
* RTI નો દુરુપયોગ અટકાવવો: કેટલાક તત્વો દ્વારા એસ.એમ.સી. ગ્રાન્ટ બાબતે શિક્ષકોને હેરાન કરવા 10-10 વર્ષ જૂની માહિતી માંગી આર.ટી.આઈ. એક્ટનો દુરુપયોગ કરવામાં આવે છે, જેના પર રોક લગાવવી.
* બદલી કેમ્પ: વિદ્યાસહાયકોની નવી ભરતી પહેલાં જિલ્લાફેર બદલી કેમ્પનું આયોજન કરવું.
* બેનામી અરજીઓ પર તપાસ બંધ ક૨વી: જિલ્લા-તાલુકામાં આધાર-પુરાવા વગરની થતી બેનામી અરજીઓ પર જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારીઓ દ્વારા અપાતી તપાસ બંધ કરવી.
* વળતર રજા અને મહેનતાણું: વેકેશન અને રજાના દિવસોમાં શિક્ષકોએ કરેલી વસ્તી ગણતરીની પ્રાપ્ત રજા, વળતર રજા અને મહેનતાણું સત્વરે મંજૂર કરવું.
* શાળા સહાયક: પ્રાથમિક શાળાઓમાં 'શાળા સહાયક' ની નિમણૂક કરવી.
* CTS પોર્ટલ અપડેટ: સીઆરસી/બીઆરસી કો-ઓર્ડિનેટરના C.R. ભરવા માટે CTS પોર્ટલમાં યોગ્ય વ્યવસ્થા કરવી.
* એકાઉન્ટ એજન્સી: શાળાઓના હિસાબો લખવા માટે સરકાર દ્વારા એકાઉન્ટ એજન્સીની નિમણૂક આપવી.
* મહેકમની ગણતરી: HTAT સિવાયની શાળાઓમાં આચાર્ય તરીકે ફરજ બજાવતા સિનિયર શિક્ષકોને શાળાના મહેકમમાં ન ગણવા.
* TET માંથી મુક્તિ: પ્રાથમિક શાળાઓમાં વર્ષોથી શિક્ષક તરીકે ફરજ બજાવતા અનુભવી શિક્ષકોને TET પરીક્ષામાંથી મુક્તિ આપવી.
શૈક્ષિક મહાસંઘ મોરબી જિલ્લાના કાર્યકર્તાઓ દ્વારા શિક્ષકો, આચાર્યો અને વિદ્યાર્થીઓના હિતમાં આ તમામ મુદ્દાઓ પર ગંભીરતાથી ચર્ચા કરી તેનો સત્વરે અને સકારાત્મક ઉકેલ લાવવા રાજ્ય કારોબારી મારફતે સરકારમાં ધારદાર રજૂઆત કરવામાં આવી છે
(11:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
