<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 10th October 2026

કાલથી નવલા નોરતાનો શુભારંભ સૌરાષ્ટ્ર-કચ્‍છમાં રાસ-ગરબાની રંગત જામશે

શારદીય નવરાત્રી ૧૧ થી ૧૯ ઓક્‍ટોબર, વિજયાદશમી ૨૦મીએ સૌરાષ્ટ્ર-કચ્‍છમાં પાર્ટી પ્‍લોટ અને શેરી ગરબામાં પ્રાચીન-અર્વાચીન ગરબાનું આયોજન, તંત્ર દ્વારા સુરક્ષા વ્‍યવસ્‍થા સઘન

રાજકોટ તા.૧૦: કાલથી મા આદ્યશક્‍તિની આરાધનાના પાવન પર્વ આસો નવરાત્રીનો શુભારંભ થશે. આ વર્ષે શારદીય નવરાત્રીનો પ્રારંભ ૧૧ ઓક્‍ટોબર, રવિવારથી થશે અને ૧૯ ઓક્‍ટોબર સુધી મા ના નવ સ્‍વરૂપોની પૂજા થશે. ૨૦ ઓક્‍ટોબરે વિજયાદશમી એટલે કે દશેરાની ઉજવણી થશે.પંચાંગ મુજબ પ્રતિપદા તિથિ ૧૦ ઓક્‍ટોબર રાત્રે ૯.૧૯ વાગ્‍યે શરૂ થઈ ૧૧ ઓક્‍ટોબર રાત્રે ૯.૩૦ સુધી રહેશે. ઉદયા તિથિને કારણે ઘટસ્‍થાપન ૧૧ ઓક્‍ટોબરે થશે. ઘટસ્‍થાપનનો શુભ મુહૂર્ત સવારે ૬.૧૯ થી ૧૦.૧૨ સુધીનો છે, જ્‍યારે અભિજીત મુહૂર્ત ૧૧.૪૪ થી ૧૨.૩૧ સુધી રહેશે.સૌરાષ્ટ્ર-કચ્‍છમાં નવરાત્રીને લઈને તડામાર તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે. રાજકોટ, જામનગર, ભાવનગર, જૂનાગઢ, અમરેલી, મોરબી, ભુજ, ગાંધીધામ સહિતના શહેરોમાં ૫૦૦થી વધુ મોટા પાર્ટી પ્‍લોટ, ક્‍લબ અને સોસાયટીના શેરી ગરબામાં આયોજન થયું છે.આ વર્ષે ખાસ કરીને પ્રાચીન ગરબા અને અર્વાચીન ડીજે ગરબા બંનેની બોલબાલા રહેશે. મોટા આયોજકોએ બોલીવુડના ગાયકો, ડીજે અને ડેકોરેશન પાછળ લાખો રૂપિયાનો ખર્ચ કર્યો છે. ખેલૈયાઓએ નવા ચણિયા-ચોલી અને કેડિયાની ખરીદી કરી લીધી છે. બજારોમાં ભારે ભીડ જોવા મળી રહી છે.

રાસોત્‍સવને લઈને પોલીસ તંત્ર પણ સતર્ક બન્‍યું છે. મહિલા સુરક્ષા માટે દરેક ગ્રાઉન્‍ડ પર સીસીટીવી, મહિલા પોલીસ અને બાઉન્‍સર તૈનાત રહેશે. ગરબા ગ્રાઉન્‍ડ પર રાત્રે ૧૨ વાગ્‍યા સુધી છૂટ આપવામાં આવી છે.ભક્‍તોમાં અનેરો ઉત્‍સાહ જોવા મળી રહ્યો છે અને કાલથી નવ દિવસ સુધી સૌરાષ્ટ્ર-કચ્‍છના આકાશમાં ગરબાના ઢોલ અને મા ના જયઘોષ ગુંજશે.

(10:37 AM IST)