<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

માળિયાના જૂના ઘાટીલા ગામ નજીક ૨૪ કલાકથી પાણીના ખાડામાં ફસાયેલી એસટી બસને બહાર કાઢવામાં તંત્ર નિષ્ક્રિય : તાલુકા કોંગ્રેસ પ્રમુખે ઉઠાવ્યા ગંભીર સવાલો

૨૪ કલાક વિતવા છતાં વહીવટી તંત્ર દ્વારા કોઈ કામગીરી ન કરાતાં સ્થાનિકોમાં ભારે રોષ : સંદીપ કાલરીયાએ તંત્રની ઢીલી નીતિ અને બેદરકારી સામે આકરા પ્રહારો કર્યા

(પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબી:માળિયા (મીયાણા) તાલુકામાં ભારે વરસાદી માહોલ વચ્ચે જૂના ઘાટીલા ગામ નજીક એક એસટી બસ પાણી ભરેલા ઊંડા ખાડામાં ફસાઈ જવાની ઘટના સામે આવી છે. પ્રાપ્ત વિગતો અનુસાર, આ બસ ગઈકાલથી જ પાણીમાં ફસાયેલી હાલતમાં પડી છે. છેલ્લા ૨૪ કલાક જેટલો સમય વીતી ગયો હોવા છતાં સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા બસને બહાર કાઢવા માટે કે રસ્તો મોકળો કરવા માટે કોઈ જ કામગીરી કરવામાં આવી નથી, જે તંત્રની ઘોર નિષ્ક્રિયતા અને કામગીરીની પોલ ખોલે છે.

 

સ્થાનિક તંત્રની આ ભારે બેદરકારી સામે માળિયા (મીયાણા) તાલુકા કોંગ્રેસ પ્રમુખ સંદીપ કાલરીયાએ આકરા પ્રહારો કર્યા છે. તેમણે વહીવટી તંત્રની કાર્યશૈલી પર સવાલો ઉઠાવતા જણાવ્યું હતું કે, બસ આટલા લાંબા સમયથી ફસાયેલી હોવા છતાં જવાબદાર અધિકારીઓ હજુ સુધી ઘોર નિંદ્રામાં છે અને કોઈ નક્કર પગલાં ભરી રહ્યા નથી. તંત્રની આ નીતિના કારણે સ્થાનિક રહીશો તથા મુસાફરોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સ્થાનિકો દ્વારા વહેલામાં વહેલી તકે આ બસને બહાર કાઢવામાં આવે તેવી ઉગ્ર માંગ કરવામાં આવી છે.

(10:30 PM IST)