<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 13th October 2026

વિસાવદરનાં દુધાળા(ગીર)ને જોડતી "જૂનાગઢ-દુધાળા-જૂનાગઢ" રૂટની એસ.ટી. બસ સેવા અનિયમિત : ગ્રામજનો ત્રાહિમામ

દુધાળા(ગીર)નાં સરપંચ યારૂભાઈ બ્લોચની એસટીના વિભાગીય નિયામક સમક્ષ ધારદાર રજૂઆત

(યાસીન બ્લોચ દ્વારા) વિસાવદર : વિસાવદર તાલુકાના દુધાળા(ગીર) ગામ તરફ આવતી-જતી "જૂનાગઢ-દુધાળા-જૂનાગઢ" રૂટની એસ.ટી. બસ સેવા છેલ્લા ઘણા સમયથી અત્યંત અનિયમિત બની ગઈ હોવાથી ગ્રામજનો, વિદ્યાર્થીઓ અને નોકરિયાતો ભારે હાલાકી ભોગવી રહ્યા છે. આ ગંભીર મુદ્દાને ધ્યાને લઈ દુધાળા (ગીર) ગ્રામ પંચાયતના સરપંચશ્રી યારમામદભાઈ નુરમામદભાઈ બ્લોચ દ્વારા વિભાગીય નિયામક-જૂનાગઢ, ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ, અમદાવાદને લેખિત પત્ર પાઠવી ધારદાર રજૂઆત કરી છે.  
    સરપંચ યારૂભાઈ બ્લોચે પત્રમાં જણાવ્યું છે કે એસટી સેવાઓને સ્પર્શતી છે. અચાનક ટ્રીપ રદ થવાના સંજોગો ઉભા થાય છે. આ રૂટ પર સપ્તાહમાં અડધા દિવસ કંડક્ટર કે ડ્રાઈવર ઉપલબ્ધ ન હોવાના બહાના હેઠળ બસની ટ્રીપ અચાનક રદ કરી દેવામાં આવે છે.  ખરાબ કંડિશનની બસ: રૂટ પર દોડાવવામાં આવતી બસ અત્યંત જૂની અને બિસ્માર કંડિશનમાં હોવાથી અવારનવાર રસ્તામાં બંધ પડી જાય છે. મુસાફરો હેરાન: બસ રદ થવા કે બંધ પડવાથી ગામના વિદ્યાર્થીઓ, સરકારી તથા ખાનગી કર્મચારીઓ તેમજ હોસ્પિટલે સારવાર અર્થે જતા દર્દીઓ અને વૃદ્ધો રસ્તા પર રઝળી પડે છે.  
     જેથી જૂનાગઢ-દુધાળા-જૂનાગઢ રૂટ પર કાયમી સ્ટાફની ફાળવણી કરી કોઈપણ સંજોગોમાં ટ્રીપ રદ ન થાય તેની વ્યવસ્થા કરવામાં આવે., ખટારા જેવી અને બિસ્માર બસના બદલે તાત્કાલિક નવી તથા સારી કંડિશનવાળી બસ ફાળવવામાં આવે, બસ પોતાના નિયત સમયપત્રક મુજબ જ ઉપડે અને આવે તે માટે જવાબદાર સ્ટાફને કડક સૂચના આપવામાં આવે,  સરપંચ દ્વારા ચીમકી આપવામાં આવી છે કે, જો આ લોકહિતની ગંભીર સમસ્યાનો વહેલી તકે ઉકેલ લાવવામાં નહીં આવે, તો ગ્રામજનોને સાથે રાખીને ઉચ્ચ કક્ષાએ ઉગ્ર રજૂઆત કરવાની ફરજ પડશે

(12:06 AM IST)