<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 10th November 2026

બોટાદના ઢાંકણીયા રોડ પર રહેણાંક વિસ્તાર વચ્ચે આવેલા ભંગારના ડેલામાં ફટાકડાના તણખાથી ભીષણ આગ ભભૂકી

ફાયર બ્રિગેડે ભારે જહેમતે આગ કાબૂમાં લીધી: સદનસીબે જાનહાનિ ટળી:તંત્ર સામે રહીશોમાં ભારે આક્રોશ

બોટાદ શહેરના ભરચક ગણાતા ઢાંકણીયા રોડ પર આગનો એક અત્યંત ભયાનક બનાવ સામે આવ્યો છે. અહીં રહેણાંક વિસ્તારની એકદમ નજીક આવેલા એક ભંગારના ડેલામાં અચાનક વિકરાળ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી. ડેલામાં સંગ્રહિત કરાયેલા પૂંઠા, પ્લાસ્ટિક, કાગળ અને અન્ય જ્વલનશીલ કચરાના જથ્થાને કારણે આગે ક્ષણવારમાં રૌદ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને કાળા ડિબાંગ ધુમાડાના ગોટેગોટા આકાશમાં કિલોમીટરો દૂર સુધી દેખાવા લાગ્યા હતા. સ્થાનિક સ્તરે ફટાકડાના તણખા પડવાને કારણે આ આગ લાગી હોવાની પ્રાથમિક આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતાં જ બોટાદ ફાયર બ્રિગેડ અને પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર સંપૂર્ણ કાબૂ મેળવ્યો હતો.

 ડેલામાં મોટા પ્રમાણમાં પ્લાસ્ટિકનો ભંગાર, સુકા પૂંઠા અને પેકિંગ મટિરિયલનો સંગ્રહ હોવાથી આગ ઝડપથી પ્રસરી ગઈ હતી. જોતજોતામાં લાખો રૂપિયાનો સામાન બળીને ખાખ થઈ ગયો હતો.આ ભંગારના ડેલાની ચારેય બાજુ સામાન્ય નાગરિકોના રહેણાંક મકાનો આવેલા છે. આગની જ્વાળાઓ આસપાસના ઘરો તરફ પ્રસરવાની અણી પર હતી, જેના કારણે રહીશો ભયના માર્યા ઘરની બહાર દોડી આવ્યા હતા. જોકે, ફાયર વિભાગ સમયસર પહોંચી જતાં મોટી હોનારત થતાં અટકી ગઈ હતી. આગની તીવ્રતા ઘણી વધારે હોવા છતાં ફાયર જવાનોની સમયસૂચકતાના કારણે કોઈ વ્યક્તિ દાઝી નથી કે કોઈ જાનહાનિ થઈ નથી, જેથી તંત્ર અને સ્થાનિકોએ રાહતનો શ્વાસ લીધો છે.

આ ઘટનાએ નગરપાલિકા અને સ્થાનિક વહીવટી તંત્રની કામગીરીની પોલ ખોલી નાખી છે. રહેણાંક વિસ્તારમાં મંજૂરી કોણે આપી? નિયમ મુજબ અતિ જ્વલનશીલ સામગ્રી ધરાવતા ભંગારના ડેલા શહેર બહાર હોવા જોઈએ, તો પછી ગીચ વસ્તી ધરાવતા ઢાંકણીયા રોડ પર રહેણાંક મકાનો વચ્ચે આ ડેલાને ધમધમવાની મંજૂરી કોણે અને કઈ રીતે આપી?ફાયર સેફ્ટીની એનઓસી હતી ખરી? આવા જોખમી ડેલાઓમાં આગ ઓલવવા માટે જરૂરી ફાયર સેફ્ટીના સાધનો રાખવામાં આવ્યા હતા કે કેમ તે અંગે પણ ગંભીર શંકાઓ સેવાઈ રહી છે.

(6:16 PM IST)