તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 4th June 2026
સુરેન્દ્રનગર પંથકમાં વાવણી લાયક વરસાદ : સાયલામાં કરા સાથે અઢી ઇંચ ખાબક્યો
છેલ્લા ર૪ કલાકમાં રાજયમાં સાયલા સૌથી વધુ પ૯ મીમી વરસાદ સાથે મોખરે : ભારે પવન અને ગાજવીજથી ખેડૂતોમાં ખુશીની લહેર

સુરેન્દ્રનગર, તા. ૪ : સુરેન્દ્રનગર જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો છે. ગાજવીજ સાથે ધોધમાર વરસાદ શરૂ થતાં લોકોને કાળઝાળ ગરમીમાંથી રાહત મળી છે. એક સમયે જિલ્લાનું તાપમાન ૪૩ ડિગ્રી નજીક પહોંચી ગયું હતું, પરંતુ વરસાદી માહોલના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. જોકે માવઠાના વરસાદ બાદ બફારો પણ અનુભવાઈ રહ્યો છે.
સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં સામાન્ય વરસાદમાં જ લાઈટો ગુલ થઈ જતાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે. જેના કારણે સ્થાનિક લોકોને વરસાદી વાતાવરણમાં અંધારામાં રહેવા માટે મજબૂર બનવું પડ્યું છે. શહેરના અજરામાં ટાવર ચોક, રતનપર, જોરાવરનગર, વઢવાણ સહિતના વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો છે.
બીજી તરફ સાયલા તાલુકામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. રાત્રે ૮ થી ૧૨ વાગ્યા સુધીમાં એટલે કે ૪ કલાકમાં જ ૨.૫ ઈંચ જેટલો વરસાદ ખાબકયો છે. સાયલા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ પડ્યો હતો. ઝાલાવાડના માલવણ હાઈવે પર સાંજે ભારે પવન સાથે વરસાદી કરા પડ્યા હતા. ભારે પવનના લીધે હાઈવે પર આવેલ દુકાનોની ખુરશીઓ ઉડવા લાગી હતી. અમદાવાદ-કચ્છ હાઈવે પર દોડતા વાહનોની રફતાર પણ ધીમી પડી હતી.
આ વરસાદ ખેડૂતો માટે ફાયદાકારક સાબિત થયો છે. ખેડૂતોએ આગોતરા પાકોનું વાવેતર કર્યું હોવાથી આ વરસાદને ચોખ્ખો ફાયદો ગણાવી રહ્યા છે. જગતનો તાત પણ ખુશ છે. ભલે માવઠાનો વરસાદ છે પરંતુ નુકસાનકારક વરસાદ ન હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે. સારા વરસાદને પગલે ખેડૂતોમાં આનંદની લાગણી છે અને નવા પાકની તૈયારી શરૂ કરી દીધી છે.
બીજી તરફ સુરેન્દ્રનગરમાં માત્ર એક ઇંચ વરસાદે જ મહાનગરપાલિકાની પ્રિ-મોન્સૂન કામગીરીની પોલ ખોલી નાખી છે. શહેરની ૩૦થી વધુ સોસાયટીઓમાં વરસાદી પાણી ભરાતા લોકોએ મનપામાં પહોંચીને હોબાળો મચાવ્યો હતો. વાતાવરણમાં પલટો આવતા હાલ સુરેન્દ્રનગર શહેરમાં પણ પવન અને કાળા ડીબાંગ વાદળો સાથે મેઘગર્જના થઈ રહી છે અને રાત્રે ફરી વરસાદ વરસે તેવી શકયતા છે. હવામાન વિભાગે પણ સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદની આગાહી કરી છે.
(11:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
