News of Thursday, 20th August 2026
સધર્ન કમાન્ડના વડા આર્મી કમાન્ડર લેફટન્ટ જનરલ રાજેશ પુષ્કરે કચ્છ સરહદે પહોંચ્યા: ભુજ આર્મી કેમ્પ, રણ અને ક્રીક બોર્ડરે સુરક્ષાની સમીક્ષા કરી
આર્મી કમાન્ડરે ભુજમાં તૈનાત ‘બાલ્ડ ઈગલ બ્રિગેડ’ ની યુદ્ધ સજ્જતા, ક્ષમતા વિકાસ અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ અંગેની પ્રગતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું : દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા સૈનિકોની પ્રશંસા કરી

(વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૨૦ : ભારતીય સેનાના સધર્ન કમાન્ડના આર્મી કમાન્ડર લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કર દ્વારા ભુજ મિલિટરી સ્ટેશન અને કચ્છના વ્યૂહાત્મક રીતે અત્યંત સંવેદનશીલ એવા રણ તેમજ ક્રીક સેક્ટરની મુલાકાત લઈ ઓપરેશનલ સજ્જતાની વ્યાપક સમીક્ષા કરવામાં આવી હતી. ૧, જુલાઈ ૨૦૨૬ના રોજ સધર્ન કમાન્ડના વડા તરીકેનો કાર્યભાર સંભાળ્યા બાદ ગુજરાત સરહદની આ તેમની મહત્વપૂર્ણ મુલાકાત છે. મુલાકાત દરમિયાન સંરક્ષણ અને વ્યૂહાત્મક તૈયારીઓને સુદ્રઢ કરવા માટે નીચે મુજબના મુખ્ય મુદ્દાઓ પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો હતો. આર્મી કમાન્ડરે ભુજમાં તૈનાત ‘બાલ્ડ ઈગલ બ્રિગેડ’ ની યુદ્ધ સજ્જતા, ક્ષમતા વિકાસ અને અત્યાધુનિક ટેકનોલોજીના ઉપયોગ (Tech Infusion) અંગેની પ્રગતિનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું હતું. તેઓ અહીંથી કચ્છની રણ અને ક્રીક બોર્ડરે નિરીક્ષણ માટે પહોંચ્યા હતા. આકરા હવામાન, દળદળ અને જટિલ ભૌગોલિક પરિસ્થિતિઓ ધરાવતા ફોરવર્ડ વિસ્તારોમાં જઈને તેમણે સૈનિકોની તૈનાતી અને સરહદી સુરક્ષા વ્યવસ્થા ચકાસી હતી. મરીન ઈન્ફ્રાસ્ટ્રક્ચરનું મૂલ્યાંકન કર્યું. ક્રીક સેક્ટરમાં ઘૂસણખોરી અટકાવવા માટે ઉપયોગમાં લેવાતા વિશેષ દરિયાઈ સાધનો, મરીન બોટ્સ, હોવરક્રાફ્ટ અને સ્પેશિયલાઇઝ્ડ ઓલ-ટેરેન વ્હીકલ્સ (ATV) સહિતના ક્રિટિકલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની પણ સમીક્ષા કરી હતી. દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવતા સૈનિકોની પ્રશંસા કરી. મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ ઉચ્ચ સ્તરની પ્રોફેશનલિઝમ, સચોટ તાલીમ અને દેશભક્તિ સાથે સરહદોની સુરક્ષા કરવા બદલ લેફ્ટનન્ટ જનરલ રાજેશ પુષ્કરે જવાનોની સરાહના કરી હતી અને ભવિષ્યના પડકારો માટે સદાય સજ્જ રહેવા પ્રેરણા આપી હતી. કચ્છનો આ ક્રીક અને રણ વિસ્તાર પાકિસ્તાન સરહદને અડીને આવેલો હોવાથી આર્મી કમાન્ડરની આ મુલાકાત દેશની રાષ્ટ્રીય સુરક્ષા અને સૈન્ય આધુનિકીકરણના દ્રષ્ટિકોણથી ઘણી મહત્વની માનવામાં આવે છે.
(9:51 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
