News of Thursday, 5th November 2026
દ્વારકાધીશની નગરીમાં ગુંજી પર્યાવરણની શંખધ્વનિ : પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ માટે કોર્ન સ્ટાર્ચની થેલીઓથી શરૂ થયો હરિત ક્રાંતિનો શુભારંભ : જુઓ વિડીયો
મંદિર વહીવટદાર કચેરી અને GPCBના સંયુક્ત ઉપક્રમે મંદિર પરિસરમાં જાગૃતિનો મહાયજ્ઞ, વહીવટદાર અને SDMની હૃદયસ્પર્શી અપીલ : ગૌવંશ અને ધરતીમાતાના હિતમાં પ્લાસ્ટિકને તિલાંજલિ આપો, ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવો

(વિનુભાઈ સામાણી દ્વારા)દ્વારકા, તા.૫ : યાત્રાધામ દ્વારકાને સ્વચ્છ, સુંદર અને સિંગલ-યુઝ પ્લાસ્ટિક મુક્ત બનાવવા માટે શ્રી દ્વારકાધીશ મંદિર પરિસરમાં એક વિશેષ અને પ્રેરણાદાયી જાગૃતિ કાર્યક્રમ યોજાયો હતો. શ્રી દ્વારકાધીશ મંદિર વહીવટદાર કચેરી તથા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ (GPCB) - જામનગરના સંયુક્ત ઉપક્રમે આયોજિત આ કાર્યક્રમમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશ ગુંજી ઉઠ્યો હતો.
આ પ્રસંગે વેપારીઓ અને યાત્રાળુઓને પ્લાસ્ટિકના વિકલ્પરૂપે મકાઈના સ્ટાર્ચ (કોર્ન સ્ટાર્ચ)માંથી બનેલી *૧૦૦% બાયોડિગ્રેડેબલ થેલીઓ* અને પર્યાવરણને અનુકૂળ ઉત્પાદનો વિશે વિગતવાર સમજ આપવામાં આવી હતી અને તેનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું. આ થેલીઓ જમીનમાં ભળી જાય છે અને પર્યાવરણને કોઈ નુકસાન પહોંચાડતી નથી, તેની વિશેષતા સમજાવવામાં આવી હતી.
*વહીવટદારશ્રી અને SDMની જાગૃતિ અપીલ*
મંદિરના વહીવટદારશ્રી તથા એસડીએમ (SDM) દ્વારકા દ્વારા જાહેર અપીલ કરવામાં આવી હતી કે, પર્યાવરણ અને ગૌવંશના હિતમાં પ્રતિબંધિત પ્લાસ્ટિકનો ઉપયોગ તાત્કાલિક બંધ કરી માત્ર ઇકો-ફ્રેન્ડલી વિકલ્પો અપનાવવામાં આવે.
તેમણે કહ્યું હતું કે, પવિત્ર યાત્રાધામને પ્લાસ્ટિક મુક્ત રાખવામાં સૌ સહયોગ આપે. દ્વારકા એ માત્ર યાત્રાધામ નથી, એ તો શ્રદ્ધાનું કેન્દ્ર છે. અહીંની પવિત્રતા જાળવવી એ આપણા સૌની સહિયારી જવાબદારી છે. પ્લાસ્ટિકના કારણે ગૌવંશને થતું નુકસાન અને પર્યાવરણને થતી હાનિ અટકાવવા માટે હવે દરેક વેપારી અને યાત્રાળુએ સંકલ્પ લેવાનો સમય આવી ગયો છે.
વેપારીઓએ પણ આ અભિયાનમાં ઉત્સાહભેર સહભાગી થઈને પ્લાસ્ટિકની થેલીઓના બદલે કોર્ન સ્ટાર્ચની થેલીઓ વાપરવાનો સંકલ્પ લીધો હતો.
પ્લાસ્ટિક મુક્ત યાત્રાધામ અભિયાન એ દ્વારકાને હરિત, સ્વચ્છ અને પવિત્ર બનાવવાની દિશામાં એક મહત્વપૂર્ણ પગલું સાબિત થશે તેવો વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો હતો.(તસવીર:દીપેશ સામાણી-દ્વારકા)
(1:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
