તા. ૧૦ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો વદ – ૩ બુધવાર
News of Thursday, 25th June 2026
પિતા સાથે જતા પુત્રને સિંહણ જંગલમાં ઉઠાવી ગઇઃ મોત
અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચતુરી ગામે ૬ વર્ષના બાળકનો શિકાર કરતી સિંહણ : વનવિભાગનું મેગા ઓપરેશન, હુમલાખોર સિંહણ સહિત પાંચ સિંહોને પાંજરે પૂરી દીધા : ૧પ દિવસમાં વનરાજના હુમલાની ત્રીજી જીવલેણ ઘટના

પ્રથમ તસ્વીરમાં મૃતક બાળક, હુમલો કરનાર સિંહણ તથા વન વિભાગની ટીમ નજરે પડે છે.
(અરવિંદ નિર્મળ દ્વારા)અમરેલી, તા.,૨૫ : અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચાતુરી ગામે સિંહણના જીવલેણ હુમલામાં ૬ વર્ષીય બાળકનું કરૂણ મોત નિપજતાં સમગ્ર પંથકમાં શોક અને ભયનો માહોલ ફેલાયો છે. પિતાની આંગળી પકડીને ઘરે જઈ રહેલા બાળક પર અચાનક સિંહણ તૂટી પડતાં પળવારમાં તેને દબોચી લઈ જતાં પરિવારજનોની આંખો સામે જ દુર્ઘટના સર્જાઈ હતી. ઘટનાને પગલે વનવિભાગે આખી રાત મેગા સર્ચ અને રેસ્કયુ ઓપરેશન ચલાવી હુમલાખોર સિંહણ સહિત પાંચ સિંહોને પાંજરે પૂરવામાં સફળતા મેળવી છે.
ચાતુરી ગામે જીયાન દેવકુભાઈ સીઢા (ઉ.વ. ૬) પોતાના પિતાની સાથે જઈ રહ્યો હતો ત્યારે અચાનક એક સિંહણ હુમલો કરીને બાળકને દબોચી લઈ નાસી છૂટી હતી. ઘટનાસ્થળ નજીક હાજર સિંહ પણ સિંહણ સાથે જોડાતા બાળક પર જીવલેણ હુમલો થયો હતો. પિતાની નજર સામે બનેલી આ કરૂણ ઘટનાથી પરિવાર પર આભ ફાટી પડ્યું હતું.
બનાવની જાણ થતાં જ ચાતુરી સહિત આસપાસના ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ગ્રામજનોએ હાકલા-પડકારા કરતા સિંહ અને સિંહણ બાળકને મૂકી જંગલ તરફ ભાગી છૂટયા હતા. જોકે ત્યાં સુધીમાં બાળકનું મોત નિપજ્યું હતું.
ઘટનાની જાણ થતાં જ વનવિભાગના ઉચ્ચ અધિકારીઓ, આર.એફ.ઓ., સ્ટાફ તથા પોલીસ કાફલો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગયો હતો. સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને હુમલાખોર સિંહોના જૂથની શોધખોળ શરૂ કરવામાં આવી હતી. વનવિભાગે આખી રાત સતત ઓપરેશન હાથ ધરી વહેલી સવાર સુધી સર્ચ કામગીરી ચલાવી હતી.
વનવિભાગના સૂત્રોના જણાવ્યા મુજબ હુમલાખોર સિંહણને ઓળખી તેને ટ્રેન્કયુલાઇઝ કર્યા બાદ પાંજરે પૂરવામાં આવી હતી. તેની સાથે અન્ય ચાર સિંહોને પણ કબ્જે લેવામાં આવ્યા છે. તમામ પાંચ સિંહોને નિરીક્ષણ અને આગળની કાર્યવાહી માટે વનવિભાગના સુરક્ષિત કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે.
અમરેલી જિલ્લામાં છેલ્લા પંદર દિવસ દરમિયાન સિંહ હુમલાની આ ચોથી ગંભીર ઘટના હોવાનું સામે આવ્યું છે. મહુવા પંથકની ઘટનાને પણ ગણતરીમાં લેવામાં આવે તો સિંહ હુમલાની કુલ પાંચમી ઘટના બનતા ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ફફડાટ વ્યાપ્યો છે. ખાસ કરીને ખેતીકામ, પશુપાલન અને રાત્રિના સમયે અવરજવર કરતા લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે.
ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વનવિભાગે અસરગ્રસ્ત વિસ્તારમાં પેટ્રોલિંગ વધારવાની સાથે સિંહોની હિલચાલ પર સતત નજર રાખવાનું શરૂ કર્યું છે. અને ગ્રામજનોને પણ સાવચેતી રાખવા અને એકલા અવર જવર ટાળવા સૂચના આપવામાં આવી છે.
આ ગંભીર ઘટનાને લઈને રાજ્યના વનમંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા પણ ઘટના સ્થળની મુલાકાત લઈ શકે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. સમગ્ર ઘટનાક્રમ અંગે ઉચ્ચસ્તરીય અહેવાલ તૈયાર કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હોવાનું જાણવા મળ્યું છે
(2:17 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
