News of Monday, 1st June 2026
પોરબંદરની જનતાની સમસ્યાઓનું નિરાકરણએ મારૂં સન્માનઃ સાગરભાઈ મોદી
શહેરનો સતત વિકાસનું લક્ષ્યઃ વિકાસ કામમાં જન ભાગીદારી માટે મેયર સાગરભાઈનો અનુરોધ

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર, તા.૧: મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકે ચૂંટાયા બાદ મેયરશ્રી સાગરભાઈ મનુભાઈ મોદીએ જણાવ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી તથા પોરબંદરના પ્રિય નાગરિકોએ તેમના ઉપર જે વિશ્વાસ વ્યક્ત કરી પોરબંદર મહાનગરપાલિકાના પ્રથમ મેયર તરીકેની ઐતિહાસિક જવાબદારી સોંપી છે તે તેમના જીવનની અત્યંત ગૌરવપૂર્ણ અને ભાવનાત્મક ક્ષણ છે. આ સન્માન કોઈ એક વ્યક્તિનું નહીં, પરંતુ શહેરના નાગરિકોના વિશ્વાસ, આશાઓ અને શહેરના ઉજ્જવળ ભવિષ્યનું પ્રતિબિંબ છે. આ જવાબદારીને તેઓ સંપૂર્ણ નિષ્ઠા, પારદર્શિતા, પ્રામાણિકતા અને સમર્પણભાવ સાથે નિભાવવાનો સંકલ્પ વ્યક્ત કરે છે.
મેયરશ્રી સાગરભાઈ મોદીએ શહેરના નાગરિકો, સામાજિક સંસ્થાઓ, વેપારી સંગઠનો, વિવિધ મંડળો અને શુભેચ્છકોને અપીલ કરતા જણાવ્યું હતું કે તેઓને સન્માનિત કરવા માટે અલગ-અલગ સ્થળોએ ભવ્ય કાર્યક્રમો, સન્માન સમારંભો, ફૂલહાર કાર્યક્રમો કે અભિનંદન સભાઓનું આયોજન કરવામાં ન આવે. તેના બદલે શહેરના વિકાસ માટેના સૂચનો, વિસ્તારના પ્રશ્નો અને નાગરિક સુવિધાઓ સંબંધિત રજૂઆતો લઈને મળવા આવે તો તે જ તેમના માટે સૌથી મોટું સન્માન ગણાશે.
દરેક વિસ્તારમાં પાણી, રસ્તા, ડ્રેનેજ, સ્વચ્છતા, સ્ટ્રીટલાઇટ, ટ્રાફિક વ્યવસ્થા, આરોગ્ય સુવિધાઓ, શિક્ષણ, પર્યાવરણ સંરક્ષણ, જાહેર સુવિધાઓ તથા માળખાગત વિકાસ સંબંધિત અનેક મુદ્દાઓ છે. આ પ્રશ્નોના અસરકારક અને સમયબદ્ધ ઉકેલ માટે નાગરિકોનો સહયોગ અને સૂચનો અત્યંત જરૂરી છે. તેથી નાગરિકો પોતાની સમસ્યાઓ અને વિકાસલક્ષી સૂચનો લેખિત સ્વરૂપે રજૂ કરે તેવી અપેક્ષા મેયર સાગરભાઈ મોદીએ રાખી છે.
(1:24 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
