તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
જામનગરમાં એસ.ઓ.જી.નું મેગા સર્ચ ઓપરેશન: ડોગ સ્કોડ સાથે રેલવે સ્ટેશન, બસ સ્ટેન્ડ અને કુરિયર ઓફિસોમાં સઘન ચેકીંગ
નશીલા પદાર્થોના વેપાર અને આતંકવાદી પ્રવૃત્તિના ઈનપુટને પગલે પોલીસ સતર્ક, ધાર્મિક તહેવારો પહેલા જાહેર સ્થળો પર નાર્કોટિક્સ ડોગની મદદથી તપાસનો ધમધમાટ

(મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૧ : જામનગર શહેર અને જિલ્લામાં નશીલા પદાર્થોના ગેરકાયદે વેપારને નાથવા તેમજ દેશમાં આતંકવાદી પ્રવૃત્તિના મળેલા ઈનપુટને ધ્યાને લઈને જામનગર એસ.ઓ.જી. દ્વારા ડોગ સ્કોડ સાથે મેગા સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. આગામી ધાર્મિક તહેવારોને લઈને જાહેર સુરક્ષા વધુ સુદૃઢ કરવા પોલીસ તંત્ર એક્શન મોડમાં આવી ગયું છે.
નાયબ પોલીસ મહાનિરીક્ષક રાજકોટ વિભાગ, રાજકોટના નિર્લિપ્ત રાય દ્વારા જામનગર જિલ્લામાં નશીલા પદાર્થના વેપાર ઉપર સંપૂર્ણ રોક લગાવવા કડક સૂચના આપવામાં આવી હતી. આ સૂચનાના પગલે જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીએ શહેરના પ્રવેશદ્વારો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન સહિતના ભીડભાડવાળા જાહેર સ્થળોએ નશાકારક પદાર્થ તથા અસામાજિક પ્રવૃત્તિ કરતા ઈસમો વિરુદ્ધ અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવાનો આદેશ આપ્યો હતો.
હાલમાં દેશભરમાં આતંકવાદી ગતિવિધિઓ અંગેના ઈનપુટ મળી રહ્યા છે અને નજીકના સમયમાં અનેક મોટા ધાર્મિક તહેવારો આવી રહ્યા છે. આ સંજોગોમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તે માટે એસ.ઓ.જી. સ્ટાફ દ્વારા ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. એસ.ઓ.જી.ના ઇન્ચાર્જ પોલીસ ઈન્સ્પેક્ટર વી.બી. ચૌધરીની સીધી સૂચના અને માર્ગદર્શન હેઠળ પોલીસ સબ ઈન્સ્પેક્ટર એલ.એમ. ઝેર તથા એ.વી. ખેર સહિત એસ.ઓ.જી. સ્ટાફના માણસો અને ડોગ સ્કોડની ટીમે સંયુક્ત રીતે શહેરના સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ કરી સઘન ચેકીંગ હાથ ધર્યું હતું.
આ ચેકીંગ દરમિયાન પોલીસ સબ ઇન્સ્પેક્ટર એલ.એમ. ઝેર, એ.વી. ખેર તથા એસ.ઓ.જી. સ્ટાફની ટીમ સાથે નાર્કોટિક્સ ડોગ અને ડોગ હેન્ડલર વિરભદ્રસિંહ જાડેજા પણ જોડાયા હતા. આ સંયુક્ત ટીમ દ્વારા હાપા રેલવે સ્ટેશન, ગાંધીનગર રેલવે સ્ટેશન, સાત રસ્તા સર્કલ, રીક્ષા સ્ટેન્ડ તેમજ એસ.ટી. બસ સ્ટેશનની આજુબાજુમાં આવેલ તમામ લારી-ગલ્લા, પાનના ગલ્લા, નાસ્તાની દુકાનો અને જુદી જુદી ખાનગી કુરિયર સર્વિસની ઓફિસોનું બારીકાઈથી ચેકીંગ કરવામાં આવ્યું હતું. ડોગ સ્કોડની મદદથી સામાન, પાર્સલ અને શંકાસ્પદ જગ્યાઓની તલાશી લેવામાં આવી હતી.
પોલીસની આ કાર્યવાહીથી અસામાજિક તત્વોમાં ફફડાટ ફેલાયો હતો. એસ.ઓ.જી. દ્વારા જણાવવામાં આવ્યું હતું કે શહેરની શાંતિ અને સલામતી જાળવવા આ પ્રકારની સરપ્રાઈઝ ચેકીંગ ડ્રાઈવ આગામી દિવસોમાં પણ સતત ચાલુ રહેશે. કોઈપણ શંકાસ્પદ વ્યક્તિ કે પ્રવૃત્તિ જણાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા નાગરિકોને અપીલ પણ કરવામાં આવી છે.
(3:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
