News of Wednesday, 25th November 2026
સોશિયલ મીડિયાના એક વીડિયોએ જગાડી સંવેદના: કચ્છના વહીવટી તંત્રએ માનવતાનો હાથ લંબાવી વૃદ્ધ માતા અને માનસિક અસ્વસ્થ પુત્રના જીવનમાં પ્રગટાવ્યું આશાનું નવું કિરણ
આર્થિક મજબૂરીના કારણે ખુલ્લા છાપરા વાળા પ્લોટમાં માનસિક અસ્વસ્થ દીકરાને સાંકળ વડે બાંધવા મજબૂર માતા અનિષાબેન મદારીની વ્યથાને સમજી તંત્ર બન્યું પરિવારનો સહારો, પુત્રની સારવાર, પાકા મકાન, અંત્યોદય રાશનકાર્ડથી લઈ આર્થિક સહાય સુધીની વ્યવસ્થા કરી ઘરે બેઠા પહોંચાડ્યા સરકારી યોજનાઓના લાભ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા.૨૫ : ક્યારેક એક વીડિયો સમાજનું ધ્યાન એવી વ્યથા તરફ દોરે છે, જે કદાચ આપણી નજરથી દૂર રહી ગઈ હોય. કચ્છના રાપર તાલુકાના આડેસર ગામે રહેતાં વૃદ્ધ માતા અનિષાબેન ઈબ્રાહીમ મદારી અને તેમના માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતા પુત્રની સ્થિતિનો સોશિયલ મીડિયા પર વાયરલ થયેલો વીડિયો આવી જ એક સંવેદનશીલ ઘટનાને ઉજાગર કરતો હતો. ખુલ્લા પ્લોટમાં છાપરા નીચે રહેતા આ પરિવારની મુશ્કેલીઓ અને પુત્રને લોખંડના ખીલા તથા સાંકળથી બાંધી રાખવાની મજબૂરીએ અનેક હૃદયને સ્પર્શ્યાં હતાં. સોશિયલ મીડિયા દ્વારા સામે આવેલી આ વ્યથાની કચ્છ જિલ્લા વહીવટી તંત્રે પણ તાત્કાલિક નોંધ લીધી. જિલ્લા કલેક્ટરશ્રી અનિલ રાણાવસિયાના માર્ગદર્શન હેઠળ ભચાઉના અધિકારીશ્રી અભિષેક તલે અને રાપરના મામલતદારશ્રી એચ.બી. વાઘેલાની ટીમે માનવીય અભિગમ સાથે પરિવારની મદદ માટે કામગીરી શરૂ કરી. વિચરતા સમુદાય સમર્થન મંચનાં મિત્તલબેનની રજૂઆત અને વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત તથા સ્વૈચ્છિક સંસ્થાઓના સંકલિત પ્રયાસોથી પરિવારને અનેકવિધ સહાય પૂરી પાડવામાં આવી. સૌપ્રથમ પુત્રના સ્વાસ્થ્યને પ્રાથમિકતા આપીને તાલુકા હેલ્થ ઓફિસર મારફતે તપાસ કરાવવામાં આવી હતી. મનોચિકિત્સક ડૉ. વિશાલ એમ. જાની દ્વારા પણ તેની તપાસ કરાવી નિયમિત દવાઓની વ્યવસ્થા કરવામાં આવી છે. સારવાર શરૂ થયા બાદ પુત્રના સ્વાસ્થ્યમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે અને આગળ પણ તેની યોગ્ય સંભાળ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી છે. પરિવારની રહેઠાણની મુશ્કેલી દૂર કરવા અનિષાબેનના પ્લોટના આકારણી રજિસ્ટરની ખરાઈ કરાઈ હતી. તેઓ પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા પાત્ર હોવાથી જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત વહીવટી તંત્ર, ગ્રામ પંચાયત અને એનજીઓના સહયોગથી નવા મકાનનું બાંધકામ પણ શરૂ કરાયું છે, જેનું પાયાનું કામ હાલ પ્રગતિ હેઠળ છે. પરિવારની અન્ન સુરક્ષા માટે અંત્યોદય યોજનાનું રેશનકાર્ડ આપવામાં આવ્યું છે અને દર મહિને નિયમિત અનાજ મળી રહે તે માટે સંબંધિત દુકાનના સંચાલકને સૂચના અપાઈ છે. અનિષાબેનને વૃદ્ધ સહાયનો લાભ મળતો રહે તેની ચકાસણી સાથે તેઓ વિધવા સહાય માટે પણ પાત્રતા ધરાવતા હોવાથી જરૂરી દસ્તાવેજો અને પોર્ટલ પરની કાર્યવાહી હાથ ધરાઈ છે. સરકારી સહાયની રકમ સીધી મળી રહે તે માટે તેમનું બેંક ખાતું પણ ખોલાવી આપવામાં આવ્યું છે. એક વીડિયો દ્વારા સામે આવેલી આ પરિવારની વ્યથા હવે મદદ અને આશાના પ્રયાસોમાં પરિવર્તિત થઈ છે. આ ઘટનામાં સોશિયલ મીડિયાની ભૂમિકા પણ એટલી જ મહત્ત્વપૂર્ણ રહી છે. કોઈ જરૂરિયાતમંદની મુશ્કેલીને સમાજ સમક્ષ લાવવાનું અને તેના ઉકેલ માટે જવાબદાર તંત્રનું ધ્યાન દોરવાનું કાર્ય સોશિયલ મીડિયા કેટલી સકારાત્મક રીતે કરી શકે છે તેનું આ ઉદાહરણ છે. સાથે જ, રજૂઆત મળ્યા બાદ વહીવટી તંત્રે જે તત્પરતા અને સંવેદનશીલતાથી કામગીરી કરી છે તે દર્શાવે છે કે સરકારી યોજનાઓનો સાચો હેતુ ત્યારે જ સિદ્ધ થાય છે, જ્યારે તેનો લાભ છેવાડાના જરૂરિયાતમંદ સુધી પહોંચે. કચ્છ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા નાગરિકોને પણ અપીલ કરવામાં આવી છે કે જિલ્લામાં કોઈ જરૂરિયાતમંદ વૃદ્ધ, દિવ્યાંગ, માનસિક આરોગ્યની સમસ્યાથી પીડાતી વ્યક્તિ કે મુશ્કેલીમાં જીવતા પરિવારની જાણ થાય તો સંબંધિત સરકારી કચેરીનો સંપર્ક કરવો. આડેસરની આ ઘટના એક સુંદર સંદેશ આપે છે કે સંવેદના જ્યારે સામાજિક જાગૃતિ અને વહીવટી તંત્રની તત્પરતા સાથે જોડાય છે ત્યારે કોઈના જીવનમાં ખરેખર આશાનું નવું કિરણ પ્રગટાવી શકાય છે.
(9:26 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
