તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 7th October 2026
કોડીનારમાં SMCનો દરોડોઃ ૫૩૧ બોટલ મળીઃ મકાનમાં કેરેટમાં છૂપાવી રાખેલ
પોલીસ ચોકી સામે જ વેંચાણ થતુ હોય ભારે ચર્ચા

(અશોક પાઠક દ્વારા) કોડીનાર તા.૭: શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂના અડ્ડા પર દરોડો પાડવામાં આવતા મોટી માત્રામાં દારૂનો જથ્થો ઝડપાયો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. હરિ ઓમ પોલીસ ચોકીની સામે આવેલા મકાનમાં તેમજ પાણાદર રોડ નજીક ફિશ માર્કેટ પાસે SMCની ટીમે કાર્યવાહી હાથ ધરી હતી.
પ્રાથમિક માહિતી મુજબ, મકાનમાં કેરેટમાં છુપાવી રાખવામાં આવેલ ૫૭ લિટર દેશી દારૂ તથા ૫૩૧ બોટલ ઈંગ્લિશ દારૂ અને બિયરનો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. ઉપરાંત સ્થળ પરથી બે મોપેડ મોટરસાઇકલ અને પાંચ વ્યક્તિઓ મળી આવ્યા છે. સ્થળ પર લોકોનાં ટોળાં એકઠાં થયાં હતાં. આ જ સ્થળે અગાઉ પણ પોલીસ દ્વારા દારૂના વેચાણ અંગેના કેસ કરવામાં આવ્યા છે. આમ છતાં ફરી એક વખત મોટી માત્રામાં દારૂનો જથ્થો મળી આવતાં સ્થાનિક સ્તરે ચર્ચા પણ શરૂ થઈ છે. ખાસ કરીને પોલીસ ચોકીની સામે જ દારૂનું વેચાણ ઝડપાતા સવાલો ઊભા થયા છે. હવે આ દારૂના ધંધાના મુખ્ય સૂત્રધાર સુધી પોલીસ પહોંચે છે કે કેમ, તે જોવું રહ્યું. હાલ સમગ્ર મામલે પોલીસની કાર્યવાહી ચાલુ છે. ફરિયાદ નોંધાયા બાદ જ ઝડપાયેલા મુદ્દામાલ, આરોપીઓ અને સમગ્ર નેટવર્ક અંગે વધુ સત્તાવાર વિગતો સામે આવશે
(10:31 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
